કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું હોય એવા બધાને મદદ અપાશે
અહમદનગરમાં મહાએક્સપોમાં હાજરી આપવા માટે આવેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે શિરડીના સાંઈબાબાને ચરણે શીશ ઝુકાવ્યું હતું.
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં કમોસમી વરસાદનો ફટકો મરાઠવાડા, વિદર્ભ, પશ્ર્ચિમ મહારાષ્ટ્ર અને કોંકણને પણ પડ્યો છે. આને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં સપડાયા છે. તૈયાર પાકને નુકસાન થયું હોવાથી હવે અમારે કેવી રીતે જીવતા રહેવું એવો સવાલ નુકસાનગ્રસ્ત ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે અહમદનગરમાં કહ્યું હતું કે અમે ખેડૂતોને આવી સ્થિતિમાં રઝળતા મૂકીશું નહીં.
અહમદનગરમાં મહાએક્સપો કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે સરકાર ખેડૂતોની પાછળ અડીખમ ઊભી છે. ખેડૂત અમારું કેન્દ્ર બિન્દુ છે. અમારી સરકારનો કારભાર ખેડૂૂતોના હિત માટે જ છે.
મહા એક્સપો જેવા કાર્યક્રમમાંથી ઘણું શીખવા મળે છે એવી સલાહ ખેડૂતોને આપતાં તેમણે કહ્યું હતું કે સહકાર ચળવળનો પાયો નગર જિલ્લામાં રોપવામાં
આવ્યો છે. આને કારણે અહમદનગર જિલ્લાનો અલગ વારસો છે. આવા કાર્યક્રમોમાંથી ખેડૂતોને માર્ગદર્શન મળતું હોય છે. આવા કાર્યક્રમોનું આયોજન કરવું આવશ્યક છે. આની સાથે જ આયોજકોનું અભિનંદન કરું છું.
આ સરકાર ખેડૂતોની છે અને તેમના પર આવેલા સંકટમાંથી તેમને ઉગારવા માટે કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.
ખેડૂતોના જનાવરો પર આવેલા સંકટ અને લમ્પી જેવા રોગ બાદ પણ પશુધનને બચાવવા માટેનો પડકાર સરકારે ઝીલી લીધો હતો. રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હોવા છતાં ખેડૂતોને રઝળતા મૂકવામાં આવશે નહીં. સરકાર ખેડૂતોની સાથે છે અને સાથે જ રહેશે, તેવું તેમણે કહ્યું હતું.