…તો લોકલ ટ્રેન, બેસ્ટની બસ અને મેટ્રોમાં નિયંત્રણો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચીન અને અમેરિકામાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સરકારી સંસ્થાઓને તકેદારી રાખવાની ગાઈડલાઈન સાથે સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. બીજી બાજુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાહેર સ્થળોની સાથે જાહેર પરિવહન ક્ષેત્રે જનતાને માસ્ક પહેરવાની સખતી લાવી શકાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
કોરોનાના વધતા કેસ મુદ્દે મુંબઈમાં સૌથી સંવેદનશીલ સબર્બન લોકલ ટ્રેન, બેસ્ટની બસ, મેટ્રો ટ્રેનની ગણતરી કરવામાં આવે છે. કોરોના સંબંધિત નિયંત્રણો દૂર કરવામાં આવ્યાં પછી એકંદરે મુંબઈ લોકલ ટ્રેનમાં રોજના ૬૦ લાખથી વધુ પ્રવાસી મુસાફરી કરે છે, જ્યારે બેસ્ટની બસમાં ૩૫ લાખ અને મેટ્રો ટ્રેન (વન)માં રોજના પોણા ચાર લાખથી વધુ પ્રવાસી મુસાફરી કરે છે. કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેથી લોકલ ટ્રેન (મેલ-એક્સપ્રેસ ટ્રેન)માં પ્રવાસીઓને માસ્ક પહેરવા મુદ્દે કેન્દ્ર સરકાર નિર્ણય લઈ શકે છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર નિર્ણય લીધા પછી મુંબઈમાં બેસ્ટ પ્રશાસન તેનો અમલીકરણ કરાવી શકે છે, એમ પશ્ર્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
આ મુદ્દે મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ પર નજર રાખવામાં આવી રહી છે તથા કોઈ પેનિક થવાનું જરૂરી નથી. જોકે, તમામ લોકોએ તકેદારી રાખવાની જરૂરી છે. દરમિયાન મહારાષ્ટ્રના
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખવા માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં એક ટાસ્ક ફોર્સ-સમિતિની રચના કરશે.
ચીન, અમેરિકા, બ્રાઝિલ, જાપાન અને કોરિયામાં કોરોનાના નવા વેરિયન્ટ મળ્યા બાદ દુનિયભારમાં ફરી કોરોના કમબેક થઈ રહ્યો હોવાની ચિંતા ઊભી થઈ છે, જેથી કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને તકેદારીના પગલાં ભરવાની અપીલ કરી છે, જ્યારે એરપોર્ટ પર ઈન્ટરનેશનલ પ્રવાસીના રેન્ડમ ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે. કોરોના પૂર્વે મુંબઈ સબર્બન રેલવેમાં રોજના લોકલ ટ્રેનમાં ૭૫ લાખથી વધુ પ્રવાસી ટ્રાવેલ કરતા હતા, જે સંખ્યા આજ સુધી ક્રોસ કરી નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.