ભારત G-20 દેશો માટે પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય ચીન જેવા વિશ્વના સૌથી મોટા સાર્વભૌમ ધિરાણકર્તાને દેવું ઘટાડવા માટે કહેવાનો છે. G-20 દેશોનું અધ્યક્ષ ભારત મહામારી અને યુક્રેન યુદ્ધ પછી આર્થિક પતનથી ખરાબ રીતે પ્રભાવિત દેવાદાર દેશોને મદદ કરવા માટે આ પ્રસ્તાવ લાવી રહ્યું છે. ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે 20 દેશોના નાણા પ્રધાનો અને કેન્દ્રીય બેંકના વડાઓ આવતા અઠવાડિયે બેંગલુરુમાં મળશે. આ વર્ષે G-20 દેશોની અધ્યક્ષતા ભારતના હાથમાં છે, તેથી ભારત આ વર્ષે જૂથની તમામ બેઠકોનું આયોજન કરી રહ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ મંગળવારે કહ્યું કે તે શુક્રવારે વિશ્વ બેંક, ભારત, ચીન, સાઉદી અરેબિયા, યુએસ અને અન્ય ‘ગ્રુપ ઓફ સેવન’ દેશો સાથે બેઠક કરશે. આ તમામ ચર્ચા કરશે કે દેવાથી ડૂબેલા દેશોની સ્થિતિ કેવી રીતે સુધારવી. રિપોર્ટમાં એક ભારતીય અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ‘ભારત એક પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે, જેથી ચીન જેવા દેશોને મુશ્કેલીમાં મુકાયેલા દેશોના દેવામાં મોટો કાપ મુકવા માટે મનાવવાનો પ્રયાસ કરવામાં આવે. ભારતના બે પડોશી દેશો પાકિસ્તાન અને શ્રીલંકા હાલમાં આર્થિક સંકટમાં છે. મહત્વપૂર્ણ આયાત માટે ચૂકવણી કરવા માટે બંને પાસે વિદેશી હૂંડિયામણ નથી. બંને આંતરરાષ્ટ્રીય મદદ માંગી રહ્યા છે. ગયા વર્ષે શ્રીલંકામાં આર્થિક સંકટનો સામનો કરી રહેલા લોકોની ધીરજ ખૂટી ગઈ હતી. લાંબા સમય સુધી સરકાર વિરોધી દેખાવો પછી, લોકો ગુસ્સે થયા અને રાષ્ટ્રપતિ ભવન, વડા પ્રધાનના નિવાસસ્થાન જેવી દેશની મુખ્ય ઇમારતો પર હુમલો કર્યો. પાકિસ્તાન પણ આ જ સ્થિતિ તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં પેટ્રોલ 272 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે, લોકો પાસે ખાવા માટે ધાન નથી અને કલાકો સુધી વીજ કાપના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. શાહબાઝ સરકાર IMF પાસેથી લોન મેળવવા માટે વધુ કડક પગલાં લઈ રહી છે. આવા સંજોગોમાં શ્રીલંકા અને પાકિસ્તાન જેવા પડોશી દેશને ઉગારવા માટે ભારત કેવી કૂટનીતિ અપનાવે છે, તે જોવું રહ્યું.