ચૂંટણી ઢંઢેરો: ગાંધીનગરમાં ભાજપના ચૂંટણી ઢંઢેરાનું પ્રકાશન કરતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડા અને ભાજપના ગુજરાત એકમના પ્રમુખ સી. આર પાટીલ. (તસવીર: પીટીઆઈ)
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વ્રારા શનિવારે સંકલ્પ પત્ર જાહેર કરીને ગુજરાતમાં ‘ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ’ કમિટીની ભલામણોનો સંપૂર્ણપણે અમલ થાય તે સુનિશ્ર્ચિત કરવા દેશવિરોધી તત્ત્વો અને આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલને ઓળખીને તેને દૂર કરવા માટે ‘એન્ટિ રેડિકલાઈઝેશન સેલ’ બનાવાનું ચૂંટણી વચન આપવામાં આવ્યું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશપ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં સંકલ્પ પત્ર જાહેર કરતા કહ્યું હતું કે રમખાણો, હિંસક વિરોધ, અશાંતિ વગેરે દરમિયાન અસામાજિક તત્ત્વો દ્વારા જાહેર અને ખાનગી મિલકતોને થયેલા નુકસાનની વસૂલાત કરવા માટે ‘ગુજરાત રિકવરી ઑફ ડેમેજ ઑફ પબ્લિક એન્ડ પ્રાઇવેટ પ્રોપર્ટી એક્ટ’ લાગુ કરવામાં આવશે તેમ જ ગુજરાતને ૧ ટ્રિલ્યન ડૉલરની ઈકોનોમી બનાવીશું. અને રાજ્યમાં પાંચ વર્ષમાં એક લાખ યુવાનોને નોકરી આપીશુ.
તેમણે વધુમાં જણાવ્યું કે, ૩૭ ટકા એફડીઆઈ અહીં આવી રહી છે. ખેડૂતો માટે ૧૦ હજાર કરોડ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર માટે થશે. ૨૫ હજાર કરોડ રૂપિયા ખર્ચીને સિંચાઇની સુવિધા આપવામાં આવશે.
ઘોષણાપત્રના લોન્ચિંગ પ્રસંગે ગુજરાત પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલે કહ્યું હતું કે, ભાજપ લોકોની અપેક્ષા પૂર્ણ કરતી પાર્ટી છે. અલગ-અલગ માધ્યમો દ્વારા સૂચનો મગાવવામાં આવ્યાં હતાં. ગુજરાતના લોકોએ સૂચવેલા સૂચનોનો દસ્તાવેજ છે, અમારો સંકલ્પ પત્ર. ભાજપે અત્યાર સુધી તમામ સંકલ્પો પૂર્ણ કર્યા છે. જ્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અગ્રેસર ગુજરાત ૨૦૨૨ સંકલ્પ પત્ર પ્રજા સમક્ષ રજૂ થઈ રહ્યું છે. ગુજરાતની જનતાએ અપ્રતીમ પ્રેમ અને સ્નેહ આપ્યો છે. ભાજપનો આ સંકલ્પ અન્ય પાર્ટીની જેમ ઘોષણા પત્ર નથી. વૈશ્વિક યાત્રાનો દસ્તાવેજ છે.
ભાજપના ચૂંટણી ઢંઢેરામાં જણાવ્યું હતું કે ધોલેરા, ગિફ્ટસિટી આઇટી હબમાં વધુ રોકાણ અને રોજગારમાં વધારાનું વચન, માં કાર્ડ યોજનાનો લાભ વધુ લોકોને મળે એ માટે આવક મર્યાદામાં વધારો થશે. પોલીસ, આરોગ્ય અને શિક્ષણ સહિતનાં ક્ષેત્રોમાં એક લાખ નવી નોકરીઓ ઊભી કરાશે.
શહેરોમાં વધુ કલાક માટે પાણી મળે એેની વ્યવસ્થા કરાશે. રાજ્યમાં સ્માર્ટ વિલેજ અને સ્માર્ટસિટી માટેના ફંડમાં વધારો કરવામાં આવશે. શહેરોમાં નવી સ્કૂલો શરૂ કરાશે.
ઓર્ગેનિક ફાર્મિંગ કરતા ખેડૂતોને વધુ સહાય મળશે તથા તેમનો પાક સીધા માર્કેટમાં વેચી શકે એવી વ્યવસ્થા ઊભી કરીને વચેટિયામુક્ત વ્યવસ્થા ઊભી થશે. માછીમારો માટે વધુ સુવિધા અને રાહતો જાહેર થશે.