દશેરા રેલી શિવાજી પાર્કમાં યોજવા માટે શિવસેના કટિબદ્ધ: હજી સુધી પરવાનગી ન આપવા બદલ BMC અધિકારીઓને ધમકાવ્યા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

પાલિકાની કચેરીમાં મિલિંદ વૈદ્યની ધમાલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના શિવાજી પાર્કમાં દશેરા રેલીનું આયોજન કરવા માટે કટિબદ્ધ છે અને તેને માટે ગમે તે સ્તરે જવા તૈયાર છે, આવશ્યકતા પડશે તો વગર પરવાનગીએ રેલીનું આયોજન કરવામાં આવશે, એવું મુંબઈના ભૂતપૂર્વ મેયર મિલિંદ વૈદ્યે મંગળવારે જણાવ્યું હતું.
મિલિંદ વૈદ્યના નેતૃત્વ હેઠળ શિવસેનાનું એક પ્રતિનિધિમંડળ મુંબઈ મનપાની જી-નોર્થ વોર્ડની કચેરીમાં અધિકારીઓ પાસે ગઈ હતી. ત્યારે મિલિંદ વૈદ્યે પાલિકાના અધિકારીઓની ઝાટકણી કાઢતાં એવો સવાલ કર્યો હતો કે રેલી આયોજિત પરવાનગી મળશે કે નહીં? તેમણે અધિકારીઓને એમ પણ કહ્યું હતું કે પરવાનગી આપો કે નહીં આપો, શિવસૈનિકો શિવાજી પાર્કમાં એકઠા થશે. અમે રેલી કરવા માટે કટિબદ્ધ છીએ, પરવાનગી આપો કે ન આપો. અમને જો જવાબ નહીં આપવામાં આવે તો બાળ ઠાકરેના શિવસેનાના કાર્યકર્તા શિવાજી પાર્ક પર એકઠા થશે.
બીજી તરફ પાલિકાના જી-નોર્થ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર પ્રશાંત સપકાળે મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે શિવાજી પાર્કમાં રેલી આયોજિત કરવા માટે આપવામાં આવેલી અરજી અત્યારે લીગલ ડિપાર્ટમેન્ટને મોકલી આપવામાં આવી છે અને હજી સુધી તેમની પાસેથી જવાબ આવ્યો નથી. અત્યાર સુધી રેલી માટે કોને પરવાનગી આપવી તેનો નિર્ણય લેવાનો બાકી છે.
અગાઉની મહાવિકાસ આઘાડી સરકારમાં શિવસેનાના સાથી પક્ષ એનસીપીએ મંગળવારે શિવસેનાનો પક્ષ લીધો હતો. એનસીપીના નેતા અજિત પવારે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાને શિવાજી પાર્કમાં રેલી આયોજિત કરવાની પરવાનગી મળવી જોઈએ. જો બીકેસીનું મેદાન એકનાથ શિંદેના જૂથને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હોય તો પછી ઉદ્ધવ ઠાકરેના જૂથને શિવાજી પાર્કમાં રેલી કરવાની પરવાનગી આપવી જોઈએ એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે લોકોને બંને પક્ષની વાતો સાંભળવા આપો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.