એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
બુધવારે ભારતમાં લોકોએ ધૂળેટી ઉજવી તો આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થઈ. આંતરરાષ્ટ્રીય મહિલા દિન વરસોથી ઉજવાય છે ને તેમાં કશું નવું થતું નથી પણ રાજકારણીઓ ડબકા મૂકે તેના કારણે થોડીક ગરમાગરમી જરૂર થઈ જતી હોય છે. કૉંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે કરેલી ટ્વિટના જવાબમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ શાહબાનો કેસને યાદ કર્યો તેમાં એવી ગરમાગરમી ચોક્કસ થઈ ગઈ છે.
જયરામ રમેશે ૧૯૫૧-૫૨ની લોકસભાની પહેલી ચૂંટણીમાં ભારતમાં મહિલાઓને સમાન મતાધિકાર અપાયો તેની વધાઈ ખાઈને કૉંગ્રેસનાં ગુણગાન ગાઈ નાખ્યાં. રમેશે ટ્વિટ કરેલી કે, યુએસમાં મહિલાઓને ૧૯૨૦માં મતાધિકાર અપાયેલો જ્યારે યુકેમાં ૧૯૨૮મા મહિલાઓને મતાધિકાર અપાયેલો. કૉંગ્રેસે ૧૯૨૮માં જ મહિલાઓને સમાન મતાધિકાર તરફ પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને ૧૯૫૧-૫૨ની ચૂંટણીમાં તેને વાસ્તવકિતા બનાવી દીધી હતી. કૉંગ્રેસે મહિલાઓને પંચાયતો અને નગરપાલિકાઓમાં એક તૃતિયાંશ અનામતની જોગવાઈ કરી અને સંસદ તથા લોકસભામાં મહિલાઓ માટે એક તૃતિયાંશ બેઠકો અનામત રાખવાનો ખરડો પણ કૉંગ્રેસે જ પસાર કરેલો.
લોકસભાની ચૂંટણી બહુ દૂર નથી ને એ પહેલાં કૉંગ્રેસ માટે મહત્ત્વની કર્ણાટક, તેલંગણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી આવે છે. આ ચૂંટણીમાં મહિલા મતદારો કૉંગ્રેસને મત આપે એ માટે જયરામ રમેશ કોંગ્રેસે મહિલાઓ માટે શું કર્યું તેની ગાથા ગાવા બેઠા છે એ કહેવાની જરૂર નથી.
જયરામ રમેશની યશગાથા સામે નિર્મલા સીતારમણ શાહબાનો કેસ યાદ કરાવી દીધા. નિર્મલાએ ટોણો પણ માર્યો કે, એક ચોક્કસ મતબૅન્કને ખુશ કરવા માટે કૉંગ્રેસે શાહબાનોને નિરાશ કરી દીધી હતી ને શાહબાનો પણ એક મહિલા જ હતી. નિર્મલાની ટ્વિટે જયરામ રમેશને ચૂપ કરી દીધા પણ સોશિયલ મીડિયા પર શાહબાનો મુદ્દે યુદ્ધ જામી ગયું છે.
નિર્મલાએ પણ રાજકીય ફાયદાને ખાતર જ શાહબાનો કેસની વાત કરી છે પણ શાહબાનો કેસ કૉંગ્રેસનું મહાપાપ છે તેમાં શંકા નથી. નિર્મલાની ટ્વિટે કૉંગ્રેસના મુસ્લિમ તુષ્ટિકરણના રાજકારણની યાદ તાજી કરાવી દીધી. કટ્ટરવાદી મુસ્લિમ મતબૅંન્કને ખાતર કૉંગ્રેસે આ દેશની કરોડો મહિલાઓનો અધિકાર છિનવી લઈને તેમનો દ્રોહ કરેલો એ યાદ કરાવી દીધું.
મધ્ય પ્રદેશના ઈન્દોરની શાહબાનો બેગમના નિકાહ ૧૯૩૨માં ૧૮ વર્ષની વયે ઈન્દોરના માલદાર ને વગદાર વકીલ મોહમ્મદ અહમદ ખાન સાથે થયેલાં. મોહમ્મદ ખાને યુવાન શાહબાનો સાથે મજા કર્યા ને પાંચ બાળકોની માતા બનાવી દીધી પછી તેમને શાહબાનોમાંથી રસ ઊડી ગયો. લગ્નના ૧૪ વર્ષ પછી મોહમ્મદ ખાને શાહબાનો હોવા છતાં વીસ વરસની બીજી યુવતી સાથે નિકાહ પઢી લીધા. મુસ્લિમોમાં આ રીતે બીજા નિકાસ સામાન્ય છે તેથી શાહબાનોએ કમને પોતાની શોક્યને સ્વીકારી લીધી.
મોહમ્મદ ખાન વરસો સુધી બંને પત્નિ સાથે મજા કરતા રહ્યા. ૧૯૭૬માં બંનેનાં લગ્નજીવનને ૪૪ વર્ષ થયાં ત્યારે ૧૯૭૬માં તેમણે શાહબાનોને પાંચ સંતાનો સાથે ઘરમાંથી તગેડી મૂક્યાં. શાહબાનોની વય ૬૨ વર્ષની હતી ને આ ઉંમરે પતિ ઘરમાંથી તગેડી મૂકે એ આઘાતજનક જ કહેવાય પણ નિ:સહાય શાહબાનો કશું કરી શકે તેમ નહોતાં તેથી સગાં પાસે ગયાં. તેમણે વચ્ચે પડીને શાહબાનો તથા તેનાં સંતાનોના ભરણપોષણ માટે મહિને ૨૦૦ રૂપિયા આપવાનું કરાવ્યું. બે વર્ષ પછી એટલે કે એપ્રિલ ૧૯૭૮માં મોહમ્મદ ખાને એ રકમ પણ આપવાની બંધ કરીને શાહબાનોને તલાક આપી દીધા.
શાહબાનો પાસે ઢળતી વયે ભરણપોષણનું કોઈ સાધન ન હોવાથી કોર્ટમાં કેસ કરીને ભરણપોષણની માગણી કરી. મોહમ્મદ ખાવ પોતે વકીલ હતા ને ખાનનું કહેવું હતું કે, ઈસ્લામના કાયદા પ્રમાણે મહેરની રકમ આપી દીધી હોવાથી શાહબાનોને ભરણપોષણ આપવાનો સવાલ જ નથી. નીચલી કોર્ટથી માંડીને હાઈ કોર્ટ સુધીનાં બધાંએ શાહબાનોની અરજીને માન્ય રાખીને ભરણપોષણ આપવાનું ફરમાન કર્યું તેથી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.
મુસ્લિમોના ઠેકેદારો તલાક માટે પત્નિને ભરણપોષણ આપવાના ચુકાદાથી ઉકળેલા હતા. તેમણે ખાનને સુપ્રીમ કોર્ટમાં લડવા તમામ મદદ કરી. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમિત ઉલેમા-એ-હિંદ ખાનને પડખે ઊભાં રહ્યાં પણ સુપ્રીમ કોર્ટની લાર્જર બેંચે ૨૩ એપ્રિલ, ૧૯૮૫ના રોજ ઐતિહાસિક ચુકાદો આપીને શાહબાનોને ભરણપોષણ આપવાનું ફરમાન કર્યું. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો કે, આઈપીસીની કલમ ૧૨૫ દરેક ધર્મ, સંપ્રદાય અને જ્ઞાતિનાં લોકોને એકસરખી રીતે લાગુ પડે છે તેથી શાહબાનોને ભરણપોષણની રકમ આપવામાં આવે.
આ ચુકાદાથી મુસ્લિમ મતોના ઠેકેદારો ભડક્યા. તેમણે કૉંગ્રેસની રાજીવ ગાંધી સરકાર પર દબાણ લાવીને આ ચુકાદો બદલાવી નાંખેલો. કૉંગ્રેસ એક લાચાર વૃધ્ધ મહિલાને પડખે ઊભી રહેવાનો બદલે કટ્ટરવાદી અને પ્રગતિ વિરોધી પરિબળો સામે ના ઝૂકી ગઈ. આ દેશના ઈતિહાસમાં અક કલંકિત પ્રકરણ લખાઈ ગયું. મુસ્લિમ પુરૂષોને પોતાની પત્નિઓને ભરણપોષણની પાઈ પણ ચૂકવ્યા વિના તગેડી મૂકવાનો પરવાન રાજીવ ગાંધી સરકારે આપી દીધો.
શાહબાનો કેસનો ચુકાદો બદલીને કૉંગ્રેસે કરોડો મુસ્લિમ મહિલાઓને પોતાના પતિના પગની જૂતી બનાવી દીધેલી. શાહબાનો કેસનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો મુસ્લિમ મહિલાઓને પણ આ દેશની બીજી મહિલાઓને સમકક્ષ ગણાવતો હતો. કૉંગ્રેસે મુસ્લિમ મહિલાઓને દેશની બીજી મહિલાઓથી અલગ ને તેમના પતિઓની ગુલામ બનાવી દીધી.
જયરામ રમેશ અત્યારે મહિલાઓને મતાધિકારનો જશ ખાટવા નીકળ્યા છે પણ કરોડો મહિલાઓનો અધિકાર છિનવી લીધો તેનું શું? આ કાયદો આજે પણ અમલમાં છે જ. જયરામ રમેશ કૉંગ્રેસે મહિલાઓને અધિકાર આપ્યો તેની વાત કરે છે ત્યારે મુસ્લિમ મહિલાઓનો અધિકાર છિનવ્યો તેની વાત સ્વીકારશે? આ અન્યાય માટે મુસ્લિમ મહિલાઓની માફી માગશે? જે મહિલાઓને શાહબાનો કેસના ચુકાદો બદલી દેવાયો તેના કારણે નુકસાન ગયું ને તેમના પતિઓએ લાત મારીને કાઢી મૂકી, તેમને રસ્તે રઝળતી કરી દીધી તેમની અવદશાની નૈતિક જવાબદારી સ્વીકારશે?
શાહબાનો કેસ આ દેશમાં મુસ્લિમોએ કઈ તરફ જવું તે માટેનો ટેસ્ટ કેસ હતો. કૉંગ્રેસે મુસ્લિમોને સુધારા તરફ આગળ વધે તેના બદલે તેમને પછાત જ રાખવાનો માર્ગ પસંદ કર્યો ને મુસ્લિમો તેમાં તો ખુશ થઈ ગયેલા. કૉંગ્રેસ મુસ્લિમોને ગેરમાર્ગે દોરીને પછાત રાખવા બદલ માફી માગશે?