શું બ્રહ્માસ્ત્રનું એડવાન્સ બુકિંગ ‘ભૂલ ભૂલૈયા 2’નો રેકોર્ડ તોડશે?

ફિલ્મી ફંડા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ‘બ્રહ્માસ્ત્ર’ માટે લોકોનો પ્રતિસાદ સોશિયલ મીડિયા પર ભલે ધીમો લાગે, પરંતુ હકીકતમાં તે ખૂબ જ જબરદસ્ત છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ 2જી સપ્ટેમ્બરથી શરૂ થયું હતું અને જે ઝડપે તેના શોઝ ભરાઈ રહ્યા છે તે જોતા ‘ભૂલ ભુલૈયા 2’નો રેકોર્ડ તૂટવાનો છે તે નક્કી છે.
દિગ્દર્શક અયાન મુખર્જીની ડ્રીમ પ્રોજેક્ટ ‘બ્રહ્માસ્ત્ર’ આખરે ઘણા વિલંબ પછી 9 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત ‘બ્રહ્માસ્ત્ર’માં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં શાહરૂખ ખાનનો કેમિયો હોવાની વાતને પણ સમર્થન મળ્યું છે અને અહેવાલો સૂચવે છે કે દીપિકા પાદુકોણ સહિત કેટલાક વધુ બોલિવૂડ સ્ટાર્સ પણ આ ફિલ્મમાં સ્પેશિયલ એપિઅરન્સમાં જોવા મળશે. ‘બ્રહ્માસ્ત્ર’નું એડવાન્સ બુકિંગ શુક્રવારથી શરૂ થઈ ગયું છે અને રવિવાર સવાર સુધી જે ઝડપે ફિલ્મની ટિકિટ બુક થઈ રહી છે તેનાથી મેકર્સને ઘણી રાહત થશે.
‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મની જાહેરાત 2014માં પહેલી વાર કરવામાં આવી હતી. અયાને જણાવ્યું હતું કે બ્રહ્માસ્ત્ર પણ પૌરાણિક કથાઓ પર આધારિત કાલ્પનિક-સાહસિક ફિલ્મ છે. આ ફિલ્મમાં અયાન એક નવું યુનિવર્સ તૈયાર કરવા જઇ રહ્યો છે, જેના કેન્દ્રમાં દેવતાઓના શસ્ત્રોની અમોઘ શક્તિઓ છે. ફિલ્મમાં સ્પેશિયલ ઇફેક્ટસનો પણ જોરદાર સહારો લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે અલ્ટ્રા સુપર પાવર એટલે કે અતિમાનવીય શક્તિઓ સાથએની વાર્તાનો ભારતમાં વિશાળ ચાહક વર્ગ છે. માર્વેલ મુવીઝની ‘Avengers: Infinity War’ અને ‘Avengers: Endgame’ જેવી ફિલ્મોએ ભારતમાં ઓપનિંગ કલેક્શનનો રેકોર્ડ બનાવ્યો હતો. હોલીવૂડ ફિલ્મોમાં અનોખી શક્તિઓ સાથે આવી બ્રહ્માંડની વાર્તાઓ નિહાળતા ભારતીય ચાહકો શરૂઆતથી જ ‘બ્રહ્માસ્ત્ર’ને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.