સાંગલીઃ મહારાષ્ટ્રના સાંગલી ખાતે ઘરેલું વિવાદને પગલે પત્નીએ પતિ પર ધારદાર શસ્ત્રથી હુમલો કરીને તેની હત્યા કરી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. સાંગલીના મિરજ તાલુકાના એરંડોલી ખાતે આ ઘટના બની હતી. હત્યા કર્યા બાદ પત્ની ફરાર થઈ ગઈ છે.
મળી રહેલી માહિતી અનુસાર અરંડોલી ખાતે પારધી કોલોનીમાં રહેતાં આ દંપતિ વચ્ચે ઘરેલુ કારણોસર ઝઘડો થયો હતો અને વારંવારના ઝઘડાને કંટાળીને પત્નીએ પતિની હત્યા કરી હતી. મૃતકની ઓળખ સુભેદાર આનંદરાવ કાળે (45) તરીકે કરવામાં આવી છે અને પત્નીનું નામ ચાંદની કાળે છે.
બપોરના સમયે રસોઈ બનાવતી વખતે ચાંદની અને તેના પતિ વચ્ચે વિવાદ થયો હતો અને આ વિવાદમાં પતિ ચાંદનીને મારવા દોડ્યો હતો. દરમિયાન ચાંદનીએ તેના હાથમાં રહેલાં ધારદાર શસ્ત્રથી પતિ પર હુમલો કર્યો હતો અને આ હુમલામાં પતિનું મૃત્યુ થઈ ગયું હતું.
ઘટનાને પગલે પારધી કોલોનીમાં ખળભળાટ મચી ગયો હતો અને મિરજ ગ્રામીણ પોલીસ પણ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો અને ચાંદની આ ઘટના બાદથી ફરાર થઈ ગઈ હોવાની માહિતી પોલીસ અધિકારીએ આપી હતી.
દરમિયાન સવારે મિરજ તાલુકાના બેડગ ખાતે એક દીકરાએ બાપને ટ્રેકટર નીચે કચડીને મારી નાખ્યો હોવાની બીજી ઘટના પણ બની હતી. આ ઘટનાની તપાસ હજી ચાલી રહી હતી ત્યારે બપોરના સમયે હત્યાની બીજી ઘટના બનતા આસપાસના પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો.