(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અનૈતિક સંબંધની શંકા કરી કથિત ત્રાસ આપનારા પતિને પતાવી દેવા પત્નીએ પડોશી દંપતીને સુપારી આપી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. વસઈ ક્રાઈમ બ્રાન્ચે હત્યાના ૪૮ કલાકમાં જ ગુનો ઉકેલી પત્ની સહિત ત્રણની ધરપકડ કરી હતી.
મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચના વસઈ યુનિટના ઈન્ચાર્જ શાહુરાજ રનાવરેની ટીમે બિલાલ ઉર્ફે મુલ્લા નિઝામ પઠાણ (૪૦), તેની પત્ની સૌફિયા બિલાલ પઠાણ (૨૮)ને વાપીથી પકડી પાડ્યાં હતાં. દંપતીએ આપેલી માહિતી પછી મૃતકની પત્ની આશિયા અન્સારીની પણ ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ગોરેગામ પૂર્વમાં શહીદ ભગત સિંહ નગર ખાતે રહેતો કમરુદ્દીન મોહમ્મદ ઉસ્માન અન્સારી (૩૫) પત્ની આશિયાના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. આશિયાના અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાનું કહી તેની સાથે ઝઘડા કરતો હતો. પતિના કથિત ત્રાસથી કંટાળી આશિયાએ પડોશમાં રહેતા દંપતી બિલાલ અને સૌફિયાને હત્યાની સુપારી આપી હતી.
કમરુદ્દીનની હત્યા માટે એક લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું, જેમાંથી ૨૦ હજાર રૂપિયા દંપતીને ચૂકવવામાં આવ્યા હતા. બાકીની રકમ બીજી ફેબ્રુઆરીએ આપવાનો વાયદો આશિયાએ કર્યો હતો. નક્કી થયા મુજબ ઘરેલુ સમસ્યાઓનો હલ લાવવા માટે બાબા પાસે જવાને બહાને અન્સારીને નાયગાંવ ખાડીકિનારે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ગળા અને માથા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અન્સારીની હત્યા કરવામાં આવી હતી.
વસઈની વાલિવ પોલીસને ૨૭ જાન્યુઆરીની સાંજે ચાર વાગ્યાની આસપાસ અન્સારીનો મૃતદેહ ખાડીકિનારેથી મળી આવ્યો હતો. જે. જે. હૉસ્પિટલમાં કરાયેલા પોસ્ટમોર્ટમમાં તેની હત્યાની વાત સામે આવી હતી. મૃતકનાં કપડાંને આધારે તપાસ કરવામાં આવી હતી. બાંગુરનગર પોલીસમાં મૃતકની મિસિંગ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતકનું પડોશી દંપતી ઘટના બાદથી ગુમ છે. ફરાર દંપતી ગુજરાતના વાપીમાં હોવાની માહિતી મળતાં તેમને વાપીથી તાબામાં લેવાયું હતું.