ગુજરાતમાં બે દિગ્ગજોનાં ખાતાં કેમ છિનવાયાં?

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે તેના કારણે ગુજરાતમાં રાજકીય ગરમીનો માહોલ છે જ ત્યાં શનિવારે રાત્રે ભૂપેન્દ્ર પટેલ સરકારના બે કૅબિનેટ મંત્રીઓ પાસેથી મહત્ત્વનાં ખાતાં છિનવી લેવાતાં રાજકીય ગરમી વધી ગઈ છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલ વિભાગનો હવાલો રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન મંત્રાલયનો હવાલો પોતાની પાસે લઈને બંનેને એક રીતે નવરા કરી દીધા છે. બંને હજુ કૅબિનેટમાં છે, પણ સૌથી મહત્ત્વનાં ખાતાં પાછાં લઈ લેવાતાં બંનેએ મંત્રીમંડળમાં રહીને ઘૂઘરો વગાડવા માટે બેસી રહેવા સિવાય કંઈ કરવાનું રહેતું નથી.
રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ત્રિવેદીનો મહેસૂલ વિભાગનો રાજ્ય કક્ષાનો પણ હવાલો અપાયો છે તો પૂર્ણેશ મોદી પાસેથી છિનવી લેવાયેલા માર્ગ અને મકાન મંત્રાયલમાં ઉદ્યોગ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ પંચાલને રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે. રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી બંને કૅબિનેટ કક્ષાના મંત્રી હતા એ તો ઠીક પણ હાલની ભાજપ સરકારમાં સૌથી કામગરા અને સક્રિય મંત્રી હતા.
રાજેન્દ્ર ત્રિવેદી તો ભૂપેન્દ્ર પટેલ કૅબિનેટના સૌથી સિનિયર મોસ્ટ મંત્રી હતા, બલ્કે હજુ છે. પટેલ મંત્રીમંડળની શપથવિધી વખતે ભૂપેન્દ્ર પટેલ પછી બીજા નંબરે રાજેન્દ્ર ત્રિવેદીએ શપથ લીધા હતા. સરકારની રચના પછી રાજેન્દ્ર ત્રિવેદીને સરકારના પ્રવક્તા બનાવાયા હતા ને શરૂઆતના દિવસોમાં રોજ ત્રિવેદી સાહેબ સરકારની કામગીરી વિશે મીડિયાને સંબોધવા હાજર થઈ જતા હતા.
ગુજરાતમાં મહેસૂલ વિભાગ સૌથી ભ્રષ્ટ વિભાગ ગણાય છે કેમ કે જમીનોના સોદાની ફાઈલો મહેસૂલ વિભાગ પાસે આવે છે. રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસૂલ વિભાગના ભ્રષ્ટાચારને નાથવા કમર કસેલી. રાજ્યમાં ગમે તે સ્થળે સબ-રજિસ્ટ્રાર કચેરી કે મહેસૂલ કચેરીમાં પહોંચી જઈ રાજેન્દ્ર ત્રિવેદી રજિસ્ટર ચેક કરતા હતા. દરેક વખતે ત્રિવેદી મીડિયાને પણ સાથે રાખતા હતા ને તેના કારણે ભાજપ સરકાર ભ્રષ્ટાચારને નાથવાના મુદ્દે ગંભીર હોવાની છાપ પડી હતી. પૂર્ણેશ મોદી પણ ફટાફટ નિર્ણયો લેવા અને ડર્યા વિના કામગીરી કરવા માટે જાણીતા હતા. ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગ પણ ભ્રષ્ટાચારનો અડ્ડો છે તેથી મોદી પણ ભ્રષ્ટાચારને નાથવા માટે કડકપણે રોડ-રસ્તાના નિર્માણને લગતા નિર્ણયોનો અમલ કરાવતા હતા.
ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા મંત્રી ક્યાંય દેખાતા જ નથી ત્યારે આ બંને મંત્રી એકદમ સક્રિય હતા. બંનેની પાંખો કાપી નખાઈ તેથી ભાજપમાં પણ સોપો પડી ગયો છે. ભાજપના કાર્યકરોનું માનવું છે કે, ભાજપની આંતરિક જૂથબંધીમાં બંનેનો ભોગ લેવાઈ ગયો છે. ગુજરાત ભાજપમાં અત્યારે આનંદીબેન પટેલ વર્સીસ અમિત શાહનો જંગ ચાલે છે. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલને નરેન્દ્ર મોદી સાથે ઘરોબો હોવાથી પ્રદેશ પ્રમુખપદ મળ્યું, પણ પાટીલ અમિત શાહના માનીતા નથી તેથી શાહ નારાજ હતા. શાહ સામે સુરક્ષા કવચ તરીકે પાટીલે આનંદીબેન સાથે હાથ મિલાવી લીધા છે તેથી હવે આ ગ્રુપ આનંદીબેન-પાટીલનું જૂથ છે.
રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી આ બંનેમાંથી કોઈ જૂથના નથી. બંને મૂળ હિંદુવાદી નેતા છે ને તેના કારણે ભાજપમાં છે. રાજેન્દ્ર ત્રિવેદીને અમિત શાહ સાથે ઘરોબો છે, પણ ત્રિવેદી જૂથબંધીના માણસ નથી. પૂર્ણેશ મોદી પણ શાહ કે આનંદીબેન જૂથમાંથી કોઈ જૂથના નથી પણ સુરતના હોવાથી પાટીલના કટ્ટર વિરોધી છે. ગુજરાતમાં વિજય રૂપાણીને વિદાય કરીને ભૂપેન્દ્ર પટેલને મંત્રી બનાવાયા ત્યારે પૂર્ણેશ મોદીનું નામ મંત્રી તરીકે નહોતું.
પૂર્ણેશ મોદી ઉપર બેઠેલા મોદીની લાગવગથી છેલ્લી ઘડીએ કેબિનેટ મંત્રી તરીકે આવ્યા એ પાટીલને નહોતું ગમ્યું પણ નરેન્દ્ર મોદી સામે બોલી શકાય નહીં તેથી કમને સ્વીકારવા પડેલા. પૂર્ણેશ મોદીને મહત્ત્વનું મંત્રાલય અપાયું એ પણ કમને સ્વીકારવું પડેલું. અલબત્ત પાટીલ મોદીને દૂર કરવા મથ્યા કરતા હતા ને હવે તેમનો દાવ આવી ગયો તેથી મોદીને નવરા કરી દેવાયા. ચોમાસામાં રાજ્યમાં ઠેર-ઠેર પડી ગયેલા ખાડાઓના કારણે ભાજપ સરકારની ટીકા થઈ રહી છે તેના નામે પૂર્ણેશ મોદી સામે પાટીલે સ્કોર સેટલ કરી દીધો છે એવું લાગે છે. પૂર્ણેશ મોદીને ત્યાં ચોક્કસ વ્યક્તિ પડીપાથરી રહેતી હતી ને બેફામ ભ્રષ્ટાચાર કરતી હતી એવું ભાજપના નેતાઓએ જ કહ્યું છે.
રાજેન્દ્ર ત્રિવેદી પાસે અચાનક મહેસૂલ વિભાગ છિનવી લેવાયો એ માટે રાજ્યમાં થયેલા કેટલાક જમીનના શંકાસ્પદ વ્યવહારો હોવાનું પણ ભાજપના નેતા કહી રહ્યા છે. આ ગેરરીતિ ભાજપ મોવડીમંડળના ધ્યાને આવતાં ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ લઈ લેવાયું એવી વાતો છે. આ વાતોમાં કેટલો દમ છે એ ખબર નથી, પણ એક વાત એવી પણ છે કે, રાજેન્દ્ર ત્રિવેદી સામે અધિકારીઓને પણ બહુ ફરિયાદો હતી. ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલે છે, સામાન્ય લોકો અને ભાજપના કાર્યકરો-નેતાઓ કરતાં અધિકારીઓનું વધારે સાંભળવામાં આવે છે, તેમના પર વધારે વિશ્ર્વાસ મુકાય છે, બલકે અધિકારીઓ કહે છે એ જ નિર્ણય લેવાય છે તેથી આ કારણ કામ કરી ગયું હોય એવી શક્યતા વધારે છે.
ખેર, ત્રિવેદી અને મોદી પાસેથી છિનવાયેલાં મંત્રાલય અમિત શાહ અને આનંદીબેન-પાટીલ જૂથે વહેંચી લીધાં છે. મહેસૂલ વિભાગમાં પાટીલના માનીતા હર્ષ સંઘવીને રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે તો માર્ગ-મકાન વિભાગમાં અમિત શાહના માનીતા જગદીશ પંચાલને રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે. જૂથબંધીથી પર બે મંત્રી પાસેથી મહત્ત્વનાં મંત્રાલયો આંચકીને જૂથબંધીમાં ગળાડૂબ બે મંત્રીને હવાલો અપાયો છે.
જો કે કારણ ગમે તે હોય, બે કૅબિનેટ મંત્રીને રવાના કરાયા તેના કારણે ગુજરાતની ભાજપ સરકારની કામગીરી સામે ફરી સવાલ ઊભા થયા છે. બંને મંત્રીને રવાના કરાયા તેની પાછળ ભાજપ ભ્રષ્ટાચારને ચલાવતો નથી એ કારણ જવાબદાર છે એવું સ્થાપિત કરવા પ્રયત્ન કરાય છે, પણ આ કારણ ગળે ઊતરે એવું નથી. ભૂપેન્દ્ર પટેલ સરકારને એક વર્ષ પણ નથી થયું ને બે મોટા ફેરફારો કરવા પડ્યા તેનો અર્થ એ થાય કે, ઓલ ઈઝ નોટ વેલ.
બીજો સૂચિતાર્થ એ પણ છે કે, કદાચ આ શરૂઆત છે ને ચૂંટણી જાહેર થતાં સુધીમાં બીજું પણ ઘણું બની શકે.

1 thought on “ગુજરાતમાં બે દિગ્ગજોનાં ખાતાં કેમ છિનવાયાં?

  1. If anyone has ever watched BBC’s ‘Yes Minister’ he would know that once a bureaucrat made this statement: Ministers come and go, Civil Service is forever. Without a clear guidelines about bureaucrats’ performance evaluation, they ARE the real power behind the throne. No wonder people become skeptical about voting.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.