દિગ્ગજો કેમ કોંગ્રેસ છોડી રહ્યા છે?

ઉત્સવ

સિંધિયાથી આઝાદ

કવર સ્ટોરી -ભાર્ગવ રાવલ

છેલ્લાં કેટલાંક વરસોથી એક પછી એક દિગ્ગજ નેતા કોંગ્રેસને રામ રામ કરી રહ્યા છે. શુક્રવારે આ યાદીમાં વધુ એક નામ ગુલામ નબી આઝાદનું ઉમેરાઈ ગયું. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ૨૦૧૯માં કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડ્યો ત્યારથી શરૂ થયેલો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. જ્યોતિરાદિત્ય પછી સુસ્મિતા દેબ અને જિતિન પ્રસાદ જેવાં દિગ્ગજ લોકોએ પણ કોંગ્રેસ છોડી દીધી હતી. એ બધાંને ગણવા બેસીશું તો પાર જ નહીં આવે તેથી નજીકના ભૂતકાળની વાત કરીએ.
આઝાદ ૨૦૨૨ના વરસમાં જ કોંગ્રેસને રામ રામ કરનારા કોંગ્રેસના દસમા ધુરંધર છે. આ પહેલાં આ વર્ષે કપિલ સિબ્બલ, આરપીએન સિંહ, સુનીલ જાખડ, અશ્ર્વિની કુમાર, કુલદીપ બિશ્નોઈ, હાર્દિક પટેલ, રાજુ પરમાર, નરેશ રાવલ અને જયવીર શેરગિલ જેવા દિગ્ગજ કોંગ્રેસ છોડી ચૂક્યા છે. આ એવા નેતા છે કે જે કોંગ્રેસની સરકારોમાં કે સંગઠનમાં ટોચના હોદ્દા પર રહી ચૂક્યા છે. બાકી કોંગ્રેસ છોડનારા નાના નાના નેતાઓનાં નામ ગણવા બેસીએ તો ગણ્યા ગણાય નહીં એટલાં નીકળે.
આપણે એ નામો ગણવાની માથાકૂટમાં નથી પડવું, કેમ કે મૂળ મુદ્દો કોંગ્રેસના દિગ્ગજ કહેવાતા નેતાઓ કોંગ્રેસ કેમ છોડે છે તેનો છે. ગુલામ નબી આઝાદ પચાસ વર્ષથી કોંગ્રેસ સાથે હતા. યુથ કોંગ્રેસના કાર્યકર તરીકે શરૂઆત કરનારા આઝાદ ૧૯૮૪થી છેક હમણાં લગી રાજ્યસભાના સભ્ય રહ્યા. કેટલીય વાર કેન્દ્રમાં મંત્રી બન્યા, જમ્મુ અને કાશ્મીરના મુખ્ય મંત્રી પણ બન્યા. આ બધું કોંગ્રેસે જ તેમને આપ્યું ને છતાં તેમણે કોંગ્રેસને છોડી દીધી. આઝાદ પહેલાં કોંગ્રેસ છોડનારા કપિલ સિબ્બલ, અશ્ર્વનીકુમાર, સુનીલ જાખડ સહિતના નેતાઓને પણ એ વાત લાગુ પડતી હતી.
આ નેતાઓ વરસો લગી કોંગ્રેસમાં રહ્યા, કોંગ્રેસે તેમને હોદ્દા આપ્યા તેના કારણે એ મોટા થયા. કોંગ્રેસમાં માઈ-બાપ મનાતા નેહરુ-ગાંધી ખાનદાનની વરસો લગી વફાદારી કરી ને હવે કોંગ્રેસ તથા નેહરુ-ગાંધી ખાનદાન મુશ્કેલીમાં છે ત્યારે આ નેતા એક પછી એક કેમ પક્ષ છોડી રહ્યા છે? જે પક્ષે તેમને બધું આપ્યું એ પક્ષને કપરા સમયમાંથી બહાર કાઢવાને બદલે આ નેતાઓ કેમ ભાગી રહ્યા છે? જે ખાનદાનની વફાદારી સૌથી મહત્ત્વની હતી એ જ ખાનદાન ભીડમાં છે ત્યારે તેના પડખે ઊભા રહેવાના બદલે કોંગ્રેસીઓ કેમ ભાગી રહ્યા છે?
ગુલામ નબી આઝાદે કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીને મોકલેલા પાંચ પેજના રાજીનામામાં બહુ બધી વાતો કરી છે, પણ રાજીનામાનું અને કોંગ્રેસની પડતીનું મુખ્ય કારણ રાહુલ ગાંધીને ગણાવ્યા છે. આઝાદે પાંચ પેજના રાજીનામામાં સાત પાત્રો અને ત્રણ સ્થિતિ વિશે લખ્યું છે, પણ સૌથી વધારે પ્રહાર રાહુલ ગાંધી પર કર્યા છે. આઝાદે રાહુલને કોંગ્રેસની બરબાદીનું કારણ ગણાવ્યા છે. કોંગ્રેસમાં સિનિયર નેતાઓની અવગણના થઈ રહી છે એવા આક્ષેપ પણ આઝાદે કર્યા છે.
આઝાદે લખ્યું છે કે કમનસીબે કોંગ્રેસમાં રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ ત્યારથી કોંગ્રેસની પનોતી શરૂ થઈ. જાન્યુઆરી ૨૦૧૩માં રાહુલને કોંગ્રેસના ઉપપ્રમુખ બનાવ્યા પછી તેમણે પાર્ટીના સલાહકાર તંત્રને સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધું. હાલ સિનિયર નેતાઓને સાઈડલાઈન કરી દેવાયા છે અને રાહુલ ગાંધીના ચમચા પક્ષ ચલાવી રહ્યા છે. રાહુલ ગાંધી ૭ સપ્ટેમ્બરથી ભારત જોડો યાત્રા શરૂ કરવાના છે. તેની સામે ગુલામ નબી આઝાદે કટાક્ષ કર્યો છે, ભારત જોડો યાત્રાની જગ્યાએ કોંગ્રેસ જોડો યાત્રા કાઢવાની જરૂર છે.
આઝાદનો પત્ર વાંચ્યા પછી એવું જ લાગે કે રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસ તૂટી રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના કારણે પક્ષ છોડીને ભાગી રહ્યા છે. આ વાત સાચી છે? કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને કારણે વરસોની વફાદારી છોડી છોડીને ભાગી રહ્યા છે?
આ સવાલનો સ્પષ્ટ રીતે હા કે નામાં જવાબ આપવો અઘરો છે, કેમ કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને કારણે વરસોની વફાદારી છોડીને ભાગી રહ્યા છે એ વાત સંપૂર્ણ સાચી નથી. કોંગ્રેસના દિગ્ગજો કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે તેના માટે ઘણાં કારણો જવાબદાર છે, માત્ર રાહુલ ગાંધી જવાબદાર નથી જ. રાહુલ ચોક્કસપણે એક કારણ છે, પણ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને કારણે જ વરસોની વફાદારી છોડી છોડીને ભાગી રહ્યા છે એવો આઝાદનો દાવો દમ વિનાનો છે.
રાહુલ ગાંધીમાં નેતૃત્વની ક્ષમતા નથી એ એક કરતાં વધારે વાર સાબિત થયું છે. રાહુલ રાજકીય કારકિર્દીની બાબતમાં ગંભીર નથી એ વાત પણ એટલી જ સાચી છે. ઈન્દિરા ગાંધી કે જવાહરલાલ નેહરુ જે રીતે રાજકારણમાં સંપૂર્ણપણે ખૂંપેલાં હતાં એવું રાજીવ ગાંધીમાં નહોતું, પણ સોનિયા ગાંધી રાજકારણમાં સંપૂર્ણપણે ખૂંપેલાં હતાં. કમનસીબે રાહુલે માતાને બદલે પિતાનો વારસો સાચવ્યો છે અને રાજકારણી તરીકે એ વધારે ગંભીર નથી. વચ્ચે વચ્ચે એ ગાયબ થઈ જાય છે એ જોતાં કોંગ્રેસને રાષ્ટ્રીય નેતૃત્વ પૂરું પાડવામાં રાહુલ સક્ષમ નથી જ તેમાં પ્રશ્ર્ન નથી.
જોકે કોંગ્રેસમાં બીજો કોઈ નેતા એવો નથી કે જે કોંગ્રેસને સક્ષમ નેતૃત્વ પૂરું પાડી શકે. આઝાદ જે કહેવાતા અનુભવી નેતાઓની વાતો કરે છે એ બધા નેતાઓ તો સાવ નકામા છે. બલકે આ અનુભવી નેતાઓએ જ કોંગ્રેસની ઘોર ખોદી કાઢી છે. આ નેતાઓને પોતાનું રાજ્યસભાનું સભ્યપદ સાચવવા સિવાય બીજા કશામાં રસ નથી. તેમણે પોતાનો સ્વાર્થ સાચવવા સિવાય બીજું કશું ન કર્યું. આ સ્વાર્થ સાચવવા માટે કોંગ્રેસમાં જૂથબંધી ઊભી કરી અને અત્યારે પણ એ જ કરી
રહ્યા છે.
આ અનુભવી નેતાઓ દેશમાં બદલાઈ રહેલા પવનને પારખી ન શક્યા. કોંગ્રેસની મુસ્લિમ તુષ્ટીકરણની નીતિ સામે હિંદુઓમાં આક્રોશ વધી રહ્યો છે એ સમજી ન શક્યા. સોશિયલ મીડિયા પર આ આક્રોશને વાચા મળી રહી છે તેની તેમને ખબર જ ન પડી, કેમ કે આ ઘરડા નેતાઓને સોશિયલ મીડિયાના પાવર વિશે કંઈ ગતાગમ જ નથી. ૨૦૧૪માં હિંદુત્વના મુદ્દે વિસ્ફોટ થયો અને જાગીને જોયું તો જગત દીસે નહીં જેવો ઘાટ થઈ ગયો ત્યારે એ હાંફળાફાંફળા થઈ ગયા, પણ તેનો મુકાબલો કઈ રીતે કરવો તેની ગતાગમ એ લોકોને એ વખતે પણ નહોતી પડી ને અત્યારે પણ નથી પડી. આજે પણ એ લોકોને ભાજપનો મુકાબલો કઈ રીતે કરવો તેની સમજણ નથી પડતી.
બીજું એ કે આ ઘરડા લોકો યુવાનોને તક આપવામાં માનતા નથી. સોનિયાના કહેવાતા મોટા ભાગના સલાહકારો ૬૦ વર્ષ ઉપરના છે. સોનિયા પરના પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને તેમણે યુવા નેતાઓને વેતરી જ નાખ્યા છે. તેના કારણે કોંગ્રેસ પતી ગઈ છે. કોંગ્રેસ પતી ગઈ તેથી રાજ્યસભામાં તેના સભ્યોની સંખ્યા ઘટવા માંડી છે. મોટા ભાગના જૂના નેતાઓને રાજ્યસભામાં મોકલી શકાય તેમ જ નથી. વરસો લગી સત્તા ભોગવનારા આ નેતાઓને હવે કોંગ્રેસમાંથી સત્તા ભોગવવાના ચાન્સ દેખાતા નથી તેથી ભાગી રહ્યા છે.
ઘણા નેતા એ કારણે પણ કોંગ્રેસ છોડી
રહ્યા છે કે યુવાનો માટે કોઈ તક નથી ને ઘરડા ખસતા જ નથી. કોઈ પણ પક્ષમાં એક હદ પછી ઘરડા લોકોએ ખસી જવું જોઈએ, પણ કોંગ્રેસીઓ તેમાં માનતા જ નથી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ૨૦૧૯માં કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી ત્યારે તેનું કારણ એ જ હતું કે તેમને બદલે ઘરડા કમલનાથને તક મળી હતી. સિંધિયાએ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને જિતાડવામાં બહુ મોટું યોગદાન આપેલું, પણ સત્તા ભોગવવાની આવી ત્યારે અનુભવી કમલનાથને તક મળી.
જ્યોતિરાદિત્ય સિંધિયાને એ પછી પ્રદેશ પ્રમુખપદ જોઈતું હતું એ પણ ન અપાયું. સિંધિયાએ પોતાનો આક્રોશ ઠાલવ્યો, પણ કોંગ્રેસે તેમને ગણકાર્યા નહીં. ઊલટાનું મધ્ય પ્રદેશના રાજકારણમાંથી સિંધિયાનો કાંટો જ કાઢી નાખવા ઉત્તર પ્રદેશમાં સહપ્રભારી બનાવી દેવાયેલા. તેનું પરિણામ છેવટે સિંધિયાના બળવામાં આવ્યું હતું. યુપીમાં જિતિન પ્રસાદના કિસ્સામાં પણ એવું જ થયું હતું.
જિતિન પ્રસાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા છતાં ૨૦૨૦માં ઉત્તર પ્રદેશની ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી માટે બનાવેલી સમિતિઓમાંથી જિતિન પ્રસાદનો કાંટો કાઢી નખાયેલો. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવી છ સમિતિ બનાવી તેમાંથી એકપણ સમિતિમાં પ્રસાદને નહોતા લેવાયા. જિતિન પ્રસાદ બ્રાહ્મણોના દિગ્ગજ નેતા છે, છતાં તેમને સાવ હડધૂત કરીને બાજુ પર મૂકી દેવાયેલા. એ પછી પ્રસાદને સાવ નવરા કરી દેવા માટે બંગાળના પ્રભારી બનાવીને બહાર મોકલી દીધેલા. અકળાઈને પ્રસાદે કોંગ્રેસને રામ રામ કરી દીધા. આ તો બે ઉદાહરણ આપ્યાં, પણ સુસ્મિતા દેબ, આરપીએન સિંહ સહિતના નેતાઓએ આ કારણે જ કોંગ્રેસ છોડી દીધી હતી.
ટૂંકમાં કોંગ્રેસ પાસે કોઈ નીતિ નથી, તેનો જનાધાર ખસી ગયો છે તેથી કોંગ્રેસ ફરી સત્તામાં આવી શકે તેમ નથી. યુવાનો કોંગ્રેસને સત્તામાં લાવવા ફરી મહેનત કરવા તૈયાર છે, પણ તેમને તક મળતી નથી. જેમના કારણે તક મળતી નથી તેમને સત્તાની લાય છે તેથી અમુક સમય લગી સત્તા ન હોય તો તેમનાથી રહી શકાતું નથી. કપિલ સિબ્બલે આ કારણે કોંગ્રેસ છોડેલી ને અખિલેશ યાદવની મદદથી રાજ્યસભામાં ગોઠવાઈ ગયા. આઝાદને પણ રાજ્યસભામાં મોકલ્યા હોત તો એ પણ બેસી રહ્યા હોત.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.