કોરોના બાદ રેલવેએ ઘણા કન્સેશન રદ કર્યા છે. આ સાથે ઘણી ટ્રેનના સ્ટોપેજમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભાવનગર પાસે આવેલું સણોસરા પણ આમાંનું એક છે.
ભાવનગર રેલ મંડળ અંતર્ગત સણોસરા રેલ મથક પર અનેક ઉતારુઓ હોવા છતાં ઓખા અને જેતલસર રેલગાડી ઉભી રાખવામાં આવતી નથી. સ્વાભાવિક છે કે આને લીધે પ્રવાસીઓ હેરાન થઈ ગયા છે. તેવા પ્રશ્ન સાથે ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિએ ટ્રેનને સ્ટોપેજ આપવાની માંગ કરી છે.
પશ્ચિમ રેલવે અંતર્ગત ભાવનગર રેલ મંડળમાં સિહોર અને ધોળા વચ્ચે આવેલ સણોસરા રેલ મથક પર કેટલીક સ્થાનિક ઉતારું ગાડીઓને ઉભી રાખવાની માંગ કરી હતી. સણોસરા ખાતેથી સણોસરા, ઈશ્વરિયા, વાવડી (ગજાભાઈ), રેવા, ગોલરામા, માલપરા, કૃષ્ણપરા, રામધરી, ચોરવડલા સહિત આજુબાજુના દસ જેટલા ગામોના પ્રવાસીઓ મોટી સંખ્યામાં લાભ લેતા હોય છે. અગાઉ અહીંયા ઊભી રહેતી ટ્રેન કોરોના બાદ શરૂ થતાં અહીંયા ઊભી રાખવામાં આવતી નથી.
આ અંગેની રજૂઆત સંબંધિત વિભાગોમાં તપાસ સૂચિત કરીને ઓખા ભાવનગર અને જેતલસર ભાવનગર વચ્ચે આવજા કરતી ગાડીઓ ઊભી રાખવા માંગ થયેલી છે. આ રેલગાડીઓ સ્થાનિક ઉતારું હોવા છતાં સણોસરા ઊભી રાખવામાં આવતી નથી. આવા ઘણા નાના નાના સ્ટેશન છે જ્યાં સ્ટોપેજ બંધ થઈ ગયા છે અને રેલવેએ આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. એક તો આવા સ્ટેશનો પર બહુ ઓછી ટ્રેન ઊભી રહેતી હોય છે અને તેમાં તેના સ્ટોપેજ પણ બંધ કરી દેવામાં આવે તો પ્રવાસીઓ સ્વાભાવિક રીતે પરેશાન થાય ત્યારે રેલવેએ આ સેવાઓ ફરી શરૂ કરવી જોઈએ.