ક્રિકેટના લાખો શોખિનો છે, પરંતુ તમામના નસીબમાં સ્ટેડિયમમાં જઈને મેચ જોવાનું હોતું નથી. મોટેભાગે ટેસ્ટ હોય, વન ડે હોય કે ટ્વેન્ટી-ટ્વેન્ટી ટિકિટના ભાવ જ એવા હોય કે લોકો ઘરે ટીવી પર જ મેચ જોવાનું પસંદ કરતા હોય છે. વળી, ટેસ્ટ મેચ પાંચ દિવસની હોય લોકો જોવાનું ઓછું પસંદ કરે છે. ત્યારે જો તમારે ખૂબ જ ઓછી ટિકિટમાં ટેસ્ટ મેચ જોવાની ઈચ્છા હોય તો અમદાવાદ આવવું પડશે. અહીં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર મેચની ટિકિટ માત્ર રૂ. 200 નક્કી કરવામાં આવી છે. જોકે આ પાછળનો હેતુ એક રેકોર્ડ બ્રેક કરવાનો હોવાનું માનવામાં આવે છે.
અમદાવાદ ખાતે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં 5 ભાવ નક્કી કરવામાં આવ્યા છે. મિનિમમ પ્રાઇસ 200 રૂપિયા છે. જ્યારે મેક્સિમમ પ્રાઇસ 2500 રૂપિયા છે, જે પ્રેસિડન્ટ ગેલેરી લેવલ-3નો ભાવ છે. એ સિવાય અન્ય ટિકિટના ભાવ 300, 350 અને 1 હજાર રૂપિયા છે.
આ પાછળનો હેતુ છે કે વધુને વધુ લોકો ક્રિકેટના સૌથી જૂના અને અસલી ફોર્મેટને માણવા સ્ટેડિયમમાં આવે. તેમજ આ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એક ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચ દરમિયાન સૌથી વધુ દર્શકોનો રેકોર્ડ સ્થાપિત કરી શકે.
હાલમાં જૂના રેકોર્ડે જોઈએ તો બિનસત્તાવાર રીતે એક ટેસ્ટમાં સૌથી વધુ દર્શકોનો રેકોર્ડ કોલકાતાના ઈડન ગાર્ડન્સના નામે છે.
ભારત-પાકિસ્તાનની 1998-99ની ટેસ્ટ દરમિયાન અહીં 4.65 લાખ દર્શકોએ હાજરી આપી હતી. જો કે, ઈએસપીએન ક્રિકઇન્ફો અનુસાર આ મેચમાં સત્તાવાર આંકડા જાહેર કરવામાં નહોતા આવ્યા. જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ટેસ્ટમાં સૌથી વધુ ઓડિયન્સનો રેકોર્ડ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના નામે છે. આ રેકોર્ડ 86 વર્ષ જૂનો છે જે હજી એમ ને એમ છે.
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 1936-37માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ટેસ્ટમાં દર્શકોની કુલ સંખ્યા 350,534 રહી હતી. આ રેકોર્ડ હજી અકબંધ છે. 1.32 લાખની બેઠક ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ દરમિયાનના 5 દિવસોમાં 3.51 લાખ દર્શકો આવશે તો નવો વર્લ્ડ રેકોર્ડ બની જશે.
ભારતમાં ક્રિકેટ ફિવર ઘણો ઊંચો હોય છે, પરંતુ ટેસ્ટ મેચમાં આટલા મોટા પ્રમાણમાં દર્શકો આવશે કે કેમ તે અત્યારથી કહેવું મુશ્કેલ છે.