Bollywood ની આ જોડી પણ થઈ અલગ, ફેન્સના તૂટ્યા દિલ

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

મનોરંજનની દુનિયામાં સંબંધો બનવા અને બગડવા એ કંઇ નવી વાત નથી. હવે ફિલ્મી દુનિયાના ફેમસ કપલના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. આધારભૂત સૂત્રો જણાવે છે કે બી-ટાઉનના ફેમસ કપલમાંથી એક એક્ટર ટાઈગર શ્રોફ અને એક્ટ્રેસ દિશા પટણીએ તેમના સંબંધોનો અંત લાવી દીધો છે. જોકે, દિશા અને ટાઈગરે ક્યારેય સત્તાવાર રીતે તેમના સંબંધોને સ્વીકાર્યા નથી, પરંતુ હવે અહેવાલો આવી રહ્યા છે કે બંને અલગ થઈ ગયા છે.
ટાઈગર શ્રોફ અને દિશા પટણી લાંબા સમયથી સાથે હતા. બંનેને ઘણી વખત ડિનર, પાર્ટી અને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રીને ચાહકોએ પસંદ કરી હતી. આવી સ્થિતિમાં તેમના અલગ થવાના સમાચાર તેમના ફેન્સ માટે ખૂબ જ નિરાશાજનક છે. જોકે, આ વિશે હજુ સુધી કપલ તરફથી કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ અભિનેતાના મિત્રના નિવેદનો આ અહેવાલોને સમર્થન આપે છે. આમ પણ છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે ટાઇગર અને દિશાએ તેમના લગભગ 6 વર્ષ જૂના સંબંધોનો અંત લાવી અલગ થવાનો નિર્ણય લીધો છે.
સમાચાર અનુસાર, આ કપલે વર્ષની શરૂઆતમાં અલગ થવાનો નિર્ણય લીધો હતો અને હાલમાં બંને સિંગલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના અલગ થવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ એ વાત ચોક્કસ સામે આવી છે કે છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે ઘણો અણબનાવ હતો. ટાઈગરના એક મિત્રે તાજેતરમાં જ કન્ફર્મ કર્યું છે કે ટાઈગર અને દિશાનો સંબંધ પૂરો થઈ ગયો છે અને તેને પણ થોડા અઠવાડિયા પહેલા આ વિશે ખબર પડી હતી.
અભિનેતાના મિત્રએ એમ પણ જણાવ્યું હતું કે ટાઇગરે આ વિશે હજી કોઇને જણાવ્યું નથી. તે હાલમાં તેના કામ પર જ ધ્યાન કેન્દ્રીત કરવા માગે છે.
રિપોર્ટ્સનું માનીએ તો ટાઇગર અને દિશા બંને ભલે અલગ થઇ ગયા હોય, પરંતુ સોશિયલ મીડિયા પર હજી તેઓ એકબીજાને ફોલો કરે છે. તેઓ હજી પણ એકબીજાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. બંને સારા મિત્રોની જેમ વર્તી રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા પટણી 29 જુલાઈના રોજ રિલીઝ થનારી એક વિલન 2માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની જોડી જોન અબ્રાહમ સાથે છે. અર્જુન કપૂર અને તારા સુતારિયા પણ આ પ્રોજેક્ટનો એક ભાગ છે. દિશાએ તાજેતરના ઇન્ટરવ્યુમાં ટાઇગર શ્રોફને શિસ્ત શીખવવાનો શ્રેય આપ્યો હતો.
બીજી બાજુ, ટાઇગર શ્રોફ હીરોપંતી 3, ગણપત અને કરણ જોહરની સ્ક્રુ ઢીલામાં જોવા મળશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.