(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં આર્થિક ડેટા પર નજર સાથે નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યું છે. વ્યાપક આર્થિક પડકારોની ચિંતા ફરીથી સપાટી પર આવતા સેન્ટિમેન્ટ કથળ્યું હતું અને શેરબજાર મંગળવારે બપોરે પ્રારંભિક સુધારો ગુમાવી બેઠું હતું. રોકાણકારોની નજર સપ્તાહના અંતમાં જાહેર થનારા કેટલાક મુખ્ય આર્થિક ડેટા પર મંડાયેલી છે. તમામ 13 મુખ્ય સેક્ટોરલ ઇન્ડેક્સમાં ઘટાડો થયો હતો, જેમાં ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં લગભગ 1%નો ઘટાડો થયો હતો. બજારના સાધનોએ જણાવ્યું હતું કે, યુએસ અને યુરોપીયન બેંકિંગ સંસ્થાઓમાં નાણાકીય મુશ્કેલીઓ ઓછી થવાથી રોકાણકારોમાં થોડો વિશ્વાસ પછી ફર્યો છે, તેમ છતાં, એકંદરે અંડરટોન હજુ પણ નેગેટિવ છે. રોકાણકારો સ્થાનિક અને યુ.એસ. બંનેમાં મેક્રો ઇકોનોમિક ડેટાની પણ રાહ જોઈ રહ્યા છે.
વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી જીડીપી અને જોબ ડેટા 30 માર્ચે જાહેર થવાના છે, જે ફુગાવા અને વૃદ્ધિ પર યુએસ ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિની કાર્યવાહીની અસરનો સંકેત આપી શકે છે. ભારતમાં વ્યક્તિગત શેરોમાં, પેટીએમના શેર લગભગ ત્રણ ટકા વધીને એક મહિનાની ટોચે પહોંચી ગયા હતા. પીએનસી ઇન્ફ્રાટેકના શેર 8.19 અબજ રૂપિયાના હાઇવે પ્રોજેક્ટ માટે સૌથી નીચી બિડર જાહેર થયા પછી 7% થી વધુ આગળ વધ્યા હતા. દિલીપ બિલ્ડકોન 7.80 અબજ રૂપિયાના ઓર્ડર માટે સૌથી નીચી બિડર તરીકે ઉભરી આવ્યા પછી 8% થી વધુ ઉછળ્યો હતો. બીજી બાજુ, કલ્યાણ જ્વેલર્સે 8% થી વધુ ગુમાવ્યા બાદ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું કે વોરબર્ગ પિંકસની માલિકીની હાઇડેલ ઇન્વેસ્ટમેન્ટ બ્લોક ડીલ દ્વારા કંપનીમાં 2.5% હિસ્સો વેચવાની યોજના ધરાવે છે.