શા માટે સામ્યવાદી સરકારે પદ્મભૂષણ વૈજ્ઞાનિકને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો હતો?

ઉત્સવ

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

નામ્બી નારાયણન કોણ? રાષ્ટ્રપતિના હસ્તે દેશનો એક સર્વોચ્ચ પુરસ્કાર પદ્મભૂષણ મેળવ્યો તે પહેલાં તો મોટાભાગનાએ આ નામ સાંભળ્યું પણ નહોતું. થોડા દિવસ પહેલા ગુજરાત સરકાર સામે ખોટા કેસ ઊભા કરવા માટે સુપ્રીમ કોર્ટના આદેશથી ભૂતપૂર્વ પોલીસ અધિકારી શ્રીકુમારની ધરપકડ થઈ ત્યારે ફરીથી નામ્બી નારાયણનને યાદ કરવામાં આવ્યા. હવે નામ્બી નારાયણની જિંદગી પરથી બનેલી ફિલ્મ પણ રિલિઝ થઈ છે. દેશના એક શ્રેષ્ઠ વૈજ્ઞાનિક નામ્બી નારાયણનની જિંદગી બરબાદ કરી નાંખી એમને ખતમ કરવા ભૂતકાળમાં કેરળની સામ્યવાદી સરકારે કેવી ગંદી રમત રમી હતી એની વાત આજે કરવી છે.
નામ્બી નારાયણન ‘ઇસરો’ (ઇન્ડિયન સ્પેઇસ રીર્સચ ઓર્ગેનાઇઝેશન)માં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા. તેઓ ક્રાયોઝેનીક્સ વિભાગના વડા હતા. આમ આદમીની ભાષામાં કહીએ તો અવકાશયાનને સ્પેશમાં મોકલવા માટે જે ખાસ પ્રકારનું એન્જિન બનાવવામાં આવે છે તેને ક્રાયોઝેનીક્સ એન્જિન કહેવાય છે. આ એન્જિનની મદદથી સેટેલાઇટને અવકાશમાં તરતો મૂકવામાં આવે છે. ક્રાયોઝેનીક એન્જિનની ટેકનોલોજીમાં માહેર થયા વગર આપણે અવકાશ વિજ્ઞાનમાં સફળતા પામી શકીએ નહીં. સ્વાભાવિક છે કે વિશ્ર્વના બીજા માહેર દેશો આ ટેક્નોલોજી આપણને આપવા તૈયાર નહીં જ થાય.
તમને જાણીને નવાઈ લાગશે કે નામ્બી નારાયણનને એટલા માટે જ ખોટા કેસમાં ફસાવીને ખતમ કરી નાખવાનો પ્રયત્ન થયો. કારણ કે તેમણે ‘વિકાસ એન્જિન’ તરીકે ઓળખાતું એન્જિન બનાવ્યું હતું. ૧૯૯૦ના દાયકામાં ક્રાયોઝેનીક એન્જિન બનાવવાની ટેક્નોલોજી પર એક માત્ર વૈજ્ઞાનિક નામ્બી નારાયણન જ કામ કરી રહ્યા હતા. અગાઉ ભારતે સ્પેસ વિજ્ઞાનની કેટલીક ટેક્નોલોજી રશિયા પાસેથી ખરીદવાની કોશિશ કરી હતી, પરંતુ અમેરિકાએ આ સોદા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. છેવટે આપણી તમામ આશા નામ્બી નારાયણન પર જ હતી. એકાએક જ ૧૯૯૪માં નામ્બી નારાયણન સામે જાસૂસ હોવાનો અને રોકેટને લગતી સંવેદનશીલ માહિતી વિદેશી એજન્ટોને વેચતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. એમની ધરપકડ કરીને એમને જેલમાં નાખી દેવામાં આવ્યા. કસ્ટડીમાં એમના પર કલ્પી ન શકાય એવો અત્યાચાર ગુજારવામાં આવ્યો. પાછળથી નારાયણને કહ્યું હતું કે કલાકો સુધી એમને ઊભા રાખવામાં આવતા, દિવસો સુધી ઊંઘથી વંચિત રાખવામાં આવતા અને પીવા માટે પાણી પણ આપવામાં આવતું નહીં. જો તેઓ આ કાલ્પનિક ગુનાની કબુલાત નહીં કરે તો એમના કુટુંબના અન્ય સભ્યો અને સાથીદારોને પણ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવતી હતી. ૫૦ દિવસ સુધી નામ્બી નારાયણન પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. જામીન પર છૂટ્યા પછી ભાંગી પડેલા નામ્બીએ સવાલ પૂછયો હતો કે : ‘૧૯૯૪માં જે ટેક્નોલોજીનું ભારતમાં અસ્તીત્વ જ નહોતું એને હું કઈ રીતે વેચી શકવાનો હતો અને જે ટેક્નોલોજી મે વેચી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો એ ટેક્નોલોજી તો વિશ્ર્વ આખામાં સામાન્ય રીંગણાની જેમ બજારમાં વેચાઇ રહી છે!’ આ ઘટના પછી નામ્બી નારાયણનની કારકિદી ખતમ થઈ ગઈ અને એની સાથે જ ક્રાયોઝેનીક એન્જિન બનાવવાનું ભારતનું સપનું દાયકાઓ પાછળ ઠેલાઈ ગયું. જોકે છેવટે ૨૦૧૪ના જાન્યુઆરી મહિનામાં આપણે ક્રાયોઝેનીક એન્જિન બનાવવામાં સફળ થયા.
આ આધુનિક ટેક્નોલોજીનો ફાયદો ઉઠાવવામાં આપણને ૨૦ વર્ષ પાછળ રાખનાર જવાબદાર કોઈ હોય તો એ કેરળની સામ્યવાદી સરકાર હતી. સામ્યવાદીઓ કોના ઇશારે કામ કરે છે એ વિશે અહીં વધુ કહેવાની જરૂર નથી. વર્ષો સુધી નામ્બી નારાયણન પોતાને થયેલા અન્યાય માટે જવાબદાર પોલીસ અધિકારીઓને યોગ્ય સજા અપાવવા કેરળની વિવિધ સરકારો પાસે ધક્કા ખાતા રહ્યા, પરંતુ કોઈ સરકારે એમને ન્યાય આપ્યો નહીં. ૧૯૯૬માં તો ત્યારની કેરળ સરકારે સીબીઆઇના રિપોર્ટ સામે વાંધો લઈ ફરીથી પોલીસને જ તપાસ કરવા કહ્યું હતું. જોકે સુપ્રીમ કોર્ટે સરકારની મેલી મૂરાદ પર પાણી ફેરવી દીધું હતું. નામ્બી નારાયણનનો કેસ કોર્ટમાં ચાલવા પર આવ્યો ત્યારે તપાસ કરનાર એજન્સી સીબીઆઇએ કબુલ કરવું પડ્યું કે આઇબીએ (ઇન્ટેલીજન્સ બ્યુરો) આખે આખો ખોટો કેસ ઊભો કર્યો હતો. ૧૯૯૬ની ત્રીજી જૂને ડીઆઇજી શરદકુમારે સીબીઆઇનો રિપોર્ટ ત્યારના હોમસેક્રેટરીને મોકલ્યો ત્યારે સાથેની નોટમાં લખ્યું હતું : “આ કેસની તપાસ દરમિયાન એવુ પ્રતિપાદીત થતું હતું કે સેન્ટર ઇન્ટેલિજન્સ બ્યૂરોના કેટલાક અધિકારીઓએ ગંભીર ભૂલ કરી હતી. આવા અધિકારીઓ સામે પગલા લેવા માટે આ સાથે વિગતો બીડવામાં આવી છે. આ બોગસ કેસ ઊભો કરીને તપાસને આડે માર્ગે લઈ જવા માટે જે આઇબી અધિકારીઓના નામો આપવામાં આવ્યા એમા ડેપ્યુટી ડાયરેક્ટર આર બી શ્રીકુમાર, જોઇન્ટ ડાયરેક્ટર મેથ્યુ જોન, આસીસ્ટન્ટ ડાયરેક્ટર સી આર નાયર વગેરે હતા. નામ્બી નારાયણન સિવાય બીજા પાંચ વૈજ્ઞાનીકોની પણ ધરપકડ કરીને એમને અપાર શારીરિક અને માનસિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ તમામ માટે આર. બી. શ્રીકુમારને જવાબદાર ગણવામાં આવ્યા હતા.
આ આર બી શ્રીકુમાર કોણ છે એ જાણો છો? આજથી લગભગ ૧૫ વર્ષ પહેલા ગુજરાત વિરુદ્ધ ઝેર ઓકનારા તિસ્તા સેતલવાડના ખાસ સાથીદાર તરીકે આર બી શ્રીકુમારે ગુજરાત પોલીસમાં રહીને કામ કર્યું હતું. નામ્બી નારાયણન અને એમના સાથીદારોને એટલી હદે શારીરીક અને માનસીક યાતના આપવામાં આવી હતી કે તેઓ લગભગ અર્ધ પાગલ બની ગયા હતા. આ શ્રીકુમારે ગુજરાતના આતંકવાદીઓ વિરુદ્ધ કરાયેલા એન્કાઉન્ટર બાબતે જોરશોરમાં નાટકીય વિરોધ કર્યો હતો, પરંતુ જ્યારે નામ્બી નારાયણનના માનવ અધિકારની વાત આવી ત્યારે એક કાવતરાના ભાગ હેઠળ સામ્યવાદી સરકારના એજન્ટ તરીકે કામ કર્યું.
નવાઈની વાત એ છે કે આટલા મોટા આતંરરાષ્ટ્રિય કાવતરાનો ઘટસ્ફોટ થયો હોવા છતાં એ સમયે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડિયા સંપૂણપણે ચૂપ રહ્યું હતું. ટીવીના કોઈ સ્ક્રીન કાળા કરવામાં આવ્યા નહોતા, કેરળની સરકારને કોઈએ ફાસિસ્ટ કહી ન હતી. ઊલટાનું વૈજ્ઞાનીકોને ફસાવનાર પોલીસ અધિકારી સી વાય મેથ્યુસને કેરળના મુખ્ય માહિતી અધિકારી બનાવવામાં આવ્યા હતા!
કોર્ટના હુકમ પછી લડાઈ ચાલુ રહી લાંબી લડાઈના અંતે ૨૦૧૮ના સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે નામ્બી નારાયણનને ૫૦ લાખ રૂપિયાનું વળતર આપવા માટે હુકમ કર્યો હતો. કોર્ટે ન્યાયાધીશ બી. કે. જૈનના અધ્યક્ષપણા હેઠળ એક કમિટી બનાવીને કેરળ પોલીસે ભજવેલા ભાગની તપાસ કરવા હુકમ કર્યો હતો.
જેએનયુ (જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી)માં પ્રજાના પૈસે જલસા કરનારા કનૈયાકુમાર અને ઉમર ખાલીદ જેવાઓની ટૂકડે ટૂકડે ગેંગને લવીંગ કેરી લાકડીએ અડવામાં પણ આવે તો અન્યાય અન્યાયની ચીસો પાડનાર બૌદ્ધિકો અને મિડિયાના મોંઢે પણ નારાયણન સામે થયેલા અન્યાય વખેત તાળાં લાગી ગયાં હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.