પુરુષોએ પણ શા માટે કાન વીંધાવવા જોઈએ?

પુરુષ

ફોકસ -મુકેશ પંડ્યા

છેલ્લા ઘણા સમયથી પુરુષોમાં પણ કાન વીંધાવાની ફેશન શરૂ થઇ ગઇ છે. જોકે આ નવી ફેશન કહેવાય કે વર્ષો જૂની પ્રથાનો ફરી અમલ થઇ રહ્યો છે એમ કહેવું એ પ્રશ્ર્ન થઇ
પડ્યો છે.
આજની પેઢીને કદાચ ખબર ન હોય, પણ કાન વીંધાવવા એ આપણા ૧૬ સંસ્કારોમાંના એક ગણાય છે જે કર્ણવેધ તરીકે ઓળખાય છે. આજે ભલે કાન વીંધાવવાની ક્રિયા ફેશન ગણાય છે, પણ એક સમય એવો હતો કે પુરુષ હોય કે સ્ત્રી, કાન વીંધાવવા ફરજિયાત હતું જેને ધાર્મિક ક્રિયાઓ સાથે સાંકળી દેવામાં આવ્યું હતું, પરંતુ જેમ અન્ય ધાર્મિક ક્રિયાઓ જેમ કે ઉપવાસ, વ્રતો કે રિવાજો પાળવાનું કામ વધારે પડતું સ્ત્રીઓના શિરે થોપાઇ ગયું એમ કપાળ પર ચાંલ્લો કરવો કે કાન વીંધાવવા એ પણ મોટે ભાગે મહિલાઓ પૂરતું જ મર્યાદિત થઇ ગયું છે. જોકે હકીકત તો એ છે કે આ બધી માત્ર ધાર્મિક ક્રિયાઓ જ નથી, પરંતુ તેના અનેક વૈજ્ઞાનિક ફાયદા પણ છે.
આયુર્વેદ અનુસાર કાનમાં છિદ્ર પાડવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવી શકાય છે. એક્યુપ્રેશર નિષ્ણાતના જણાવ્યા મુજબ કાનના નીચેના ભાગમાં માસ્ટર સેન્સરલ અને માસ્ટર સેરેબ્રલ નામના બે કાનના લોબ હોય છે. જ્યારે આ ભાગ છૂટો પડી જાય છે ત્યારે બહેરાશ દૂર થાય છે. કાનની શ્રવણ શક્તિ સુધરે છે એટલે દીકરો હોય કે દીકરી, કાન વીંધાવવાથી તેમના કાનનું સ્વાસ્થ્ય સુધરે છે. એક એવી પણ માન્યતા છે કે કાનના નીચેના ભાગમાં એક બિંદુ હોય છે જેના વીંધાવાથી આંખોનું તેજ વધે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ કાન વીંધાવવાથી લકવા જેવી બીમારીનું જોખમ પણ ઘટે છે. આ કાનનું બિંદુ આપણા મસ્તક સાથે જોડાયેલું છે. કાન વીંધાવાથી મગજની કાર્યશક્તિ સુધરે છે. કાનની બૂટમાં મધ્યમાં આવેલું બિંદુ મગજના બે ભાગ ડાબા હેમિસ્ફિયર અને જમણા હેમિસ્ફિયર સાથે જ્ઞાનતંતુઓ વડે જોડાયેલું છે. આ બિંદુને વેધવાથી મગજની કાર્યશક્તિ ખીલે છે. બાળકોના નાની ઉંમરે કાન વીંધાવીએ તો તેમના મગજને વિકસાવી શકાય. વિદ્યાર્થી અવસ્થામાં આવું સાબૂત મગજ ખૂબ કામ લાગે. કાનને છિદ્ર પાડવાથી પાચનક્રિયા પણ મજબૂત થાય છે અને મેદસ્વીપણું પણ ઓછું થાય છે એવી માન્યતા છે.
કાન વીંધીને એમાં ઇયરરિંગ પહેરવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. આજની મહિલાઓ ઘર ઉપરાંત ઓફિસનાં કામ પણ સારી રીતે કરે છે. તેઓ ગર્ભાવસ્થા કે પ્રસૂતિની પીડા પણ સારી રીતે સહન કરી શકે છે. સ્ત્રી શક્તિનો અવતાર છે એમ
કહીએ તો એમાં અતિશયોક્તિ પણ નથી. કાન વીંધાવવાની ક્રિયા આજે પણ સ્ત્રીઓમાં ફરજિયાત છે તેમાં ધાર્મિક ક્રિયા કે ફેશન ઉપરાંત તેમની શારીરિક કે માનસિક શક્તિ વધારવામાં પણ આ ક્રિયા મહત્ત્વનો ભાગ ભજવતી હોય તો નવાઇ નહીં. એટલે જ કદાચ ભારતમાં ભૂતકાળમાં પુરુષો માટે પણ કાન વીંધાવવાનું ફરજિયાત હશે અને તેનો ૧૬ સંસ્કારોમાં સમાવેશ કરવામાં આવ્યો હશે એમ લાગે છે. રામાયણ અને મહાભારતની આપણા જીવન પર ઘણી અસર છે. તમે રામ, કૃષ્ણ કે તે સમયનાં કોઇ પણ પુરુષ પાત્રોને જોશો તો કાન વીંધેલા જોવા મળશે. કર્ણ કે જેનો અર્થ જ કાન થાય છે અને જે કુંતીમાતાના કાનમાંથી જન્મ્યો હતો તેના કાનનાં કુંડળની અને તે કુંડળ તેણે રાજા ઇન્દ્રને ભેટમાં આપી દીધાં હતાં તેની વાર્તા તો બધાએ સાંભળી જ હશે. આજે પણ તમને મોટા ભાગના રાજપૂત કે ક્ષત્રિયોમાં, પુરુષોમાં પણ કાન વીંધાવેલા જોવા મળશે. ઘણા શિક્ષકો વિદ્યાર્થીઓને સજા કરતી વખતે કાનની બૂટ પકડાવે છે એ હકીકતમાં સજા નહીં પણ મજા છે. કાનની બૂટ પકડવાથી ત્યાંનાં એક્યુપ્રેશર પોઇન્ટ્સ ઉત્તેજિત થાય છે. મગજ સતેજ થાય છે. વિદ્યાર્થીની સમજ શક્તિ અને સ્મરણ શક્તિ ખીલે છે. ભૂલોનું પુનરાવર્તન નથી થતું. કાનની બૂટ પકડવાથી એક્યુપ્રેશરથી થતા ફાયદા થાય છે તો કાનને વીંધવાથી એક્યુપંક્ચરથી થતા ફાયદા થાય છે.
ઘણી જાતિઓમાં તો એમ પણ માનવામાં આવે છે કે કાન વીંધવાથી પુરુષોમાં વીર્ય અને શુક્રાણુઓનું પ્રમાણ વધે છે. આ લોકોમાં છોકરાઓમાં પણ કાન વીંધવાનું ફરજિયાત છે.
જો પુરુષોમાં કાન વીંધવાની ફેશન શરૂ થઇ હોય તો એમાં નુકસાન કશું જ નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.