યુએસ સ્થિત ફાર્માસ્યુટિકલ જાયન્ટ ફાઈઝરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આલ્બર્ટ બૌરલાને હાલમાં દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની મીટિંગ દરમિયાન તેમની કોવિડ વેક્સીનની અસરકારકતા અંગે અઘરા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમણે વારંવાર પ્રશ્નોની અવગણના કરી હતી. આ અંગેનો એક વીડિયો વાયરલ થયો છે. ફાઈઝરની કોરોના વેક્સીનને લઈને ભારતમાં પણ વિવાદ શરૂ થયો છે . આ મુદ્દે ભાજપ કોંગ્રેસને ઘેરી રહી છે. ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે કોંગ્રેસે આ રસીનું સમર્થન કર્યું હતું.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં ફાઈઝરના સીઈઓ આલ્બર્ટ બોરલા રિબેલ ન્યૂઝના પત્રકારના સવાલો પર ભાગતા જોવા મળે છે. તે કોઈપણ સવાલનો જવાબ આપવાનું ટાળી રહ્યા છે. બોરલા ‘તમારો ખૂબ ખૂબ આભાર’ કહીને પ્રશ્નો ટાળી રહ્યા છે, જેને કારણે ફાઇઝરની રસીની અસરકારકતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યારે આ પત્રકાર ફાઈઝરના સીઈઓને વેક્સીન વિશે સવાલ પૂછવા માંગતો હતો ત્યારે બોરલા તેને ટાળતા હતા. તેમણે પત્રકારના પ્રશ્નોને ટાળી દીધા હતા. પત્રકારે પૂછ્યું કે ફાઈઝરની રસી ચેપને રોકી શકતી નથી. પણ તમે આ વાત કેમ છુપાવી? શું તેઓ ફાઇઝરની બિનઅસરકારક રસીઓ ખરીદનારા દેશોને રિફંડ આપશે. શું તેઓ હવે દુનિયાની માફી માંગશે? તો તેમણે કોઇ જવાબ નહોતો આપ્યો.
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આ વીડિયો શેર કરી કૉંગ્રેસને ઘેરી છે. નોંધનીય છે કે રાહુલ ગાંધી, ચિદમ્બરમ અને જયરામ રમેશે કોરોના દરમિયાન આ વિદેશી રસીનું સમર્થન કર્યું હતું અને ભારતમાં લોકો માટે આ રસી નહીં મંગાવવા બદલ મોદી સરકાર પર પસ્તાળ પાડી હતી, પરંતુ પીએમ મોદી મક્કમ રહ્યા હતા અને ભારતે તેની સ્વદેશી રસી કોવેક્સિન અને કોવિશિલ્ડ પર જ ભરોસો મૂક્યો હતો.