ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં યોગી કેમ નહીં?

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભાજપમાં સંસદીય બોર્ડ અથવા તો પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણયો લેવામાં સર્વોચ્ચ મનાય છે. ૧૧ સભ્યોના આ બોર્ડમાં ભાજપના દિગ્ગજોનો સમાવેશ થાય છે ને આ ડઝન શાણા માણસો ભાજપનું ભાવિ નક્કી કરે છે. પાર્લામેન્ટરી બોર્ડ પછી બીજા નંબરે
સેન્ટ્રલ ઈલેક્શન કમિટી આવે છે કે જે ચૂંટણીને લગતા તમામ નિર્ણયો લે છે.
ભાજપમાં લાંબા સમયથી પાર્લામેન્ટરી બોર્ડ અને સેન્ટ્રલ ઈલેક્શન કમિટીમાં લગભગ અડધોઅડધ જગાઓ ખાલી હતી. આ જગાઓ ક્યારે ભરાશે ને મોદી કોના પર કળશ ઢોળશે તેની ભાજપના નેતાઓને તો ચટપટી હતી જ પણ સામાન્ય લોકોને પણ બહું ઉત્સુકતા હતી. આ ઉત્સુકતાનો અંત લાવીને ભાજપે બુધવારે નવા પાર્લામેન્ટરી બોર્ડ અને સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની જાહેરાત કરી ને તેમાં મોદીની સ્ટાઈલ પ્રમાણે આશ્ર્ચર્યોની ભરમાર છે.
ભાજપના ૧૧ સભ્યોના પાર્લામેન્ટરી બોર્ડમાં આ પહેલાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બંને સભ્ય હતા કેમ કે બંને ભાજપના ધુરંધરો છે પણ નવા પાર્લામેન્ટરી બોર્ડમાંથી બંને દિગ્ગજોને રવાના દેવામાં આવ્યા છે. ગડકરીએ થોડા દિવસો પહેલાં રાજકારણ છોડી દેવાની ઈચ્છા વ્યક્ત કરેલી ને મોદીએ તેનો તખ્તો તૈયાર કરી દીધો છે.
નવા પાર્લામેન્ટરી બોર્ડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ છે કે જે જૂના પાર્લામેન્ટરી બોર્ડમાં હતા. ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ પણ હોદ્દાની રૂએ છે પણ બાકીના ચહેરા સાવ નવા અને અણધાર્યા છે. ભાજપના નવા પાર્લામેન્ટરી બોર્ડમાં સર્બાનંદ સોનોવાલ, બીએસ યેદુરપ્પા, કે. લક્ષ્મણ, ઈકબાલ સિંહ લાલપુરા, સુધા યાદવ, સત્યનારાયણ જાટિયા એ છ નવા ચહેરાને લેવાયા છે ને સ્વીકારવું જોઈએ કે આ પૈકી એક પણ નેતાનો સમાવેશ પાર્લામેન્ટરી બોર્ડમાં થશે એવી ભાજપના નેતાઓને પણ આશા નહોતી.
ભાજપના નેતાઓને સૌથી મોટો આંચકો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બાદબાકીથી લાગ્યો છે. યુપીમાં ભાજપને સળંગ બીજીવાર જીતાડનારા યોગી આદિત્યનાથ પાર્લામેન્ટરી બોર્ડમાં એન્ટ્રી મારશે એવું પાકા પાયે મનાતું હતું પણ મોદીએ યોગીને પણ કોરાણે મૂકી દીધા છે. યોગીને મોદીના રાજકીય વારસ માનવામાં આવે છે પણ મોદી હજુ એવું નથી માનતા તેનો આ સ્પષ્ટ સંકેત છે. યોગીની જેમની સાથે હરીફાઈ છે એ અમિત શાહ પાર્લામેન્ટરી બોર્ડમાં છે પણ યોગી નથી એ સૂચક છે.
ભાજપે ચૂંટણી અંગે નિર્ણયો લેનારી ૧૫ સભ્યોની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં પાર્લામેન્ટરી બોર્ડના તમામ ૧૧ સભ્યો ઉપરાંત ભૂપેન્દ્ર યાદવ, દેવેન્દ્ર ફડણવીસ, ઓમ માથુર, અને વનથી શ્રીનિવાસનને સ્થાન આપ્યું છે. સેન્ટ્રલ ઈલેક્શન કમિટીમાં પણ યોગી આદિત્યનાથ કે શિવરાજસિંહ ચૌહાણ નથી એ સૂચક છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી છે. તેમને ભાજપની ચૂંટણી અંગેની વ્યૂહરચના ઘડનારી સેન્ટ્રલ ઈલેક્શન કમિટીમાં લેવાયા છે પણ જેમણે દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં ભાજપને જીત અપાવી એ યોગી આદિત્યનાથને નથી લેવાયા એ વાત ભાજપના નેતાઓને પણ આંચકો આપનારી છે પણ તેમાં આંચકો પામવા જેવું કંઈ નથી. પાર્લમેન્ટરી બોર્ડ અને ઈલેક્શન કમિટી બંનેમાં મોદીના માનીતા અને ખાસ તો કહ્યાગરા માણસોનો સમાવેશ કરાયો છે. યોગી મોટા નેતા છે, હિંદુત્વનો ચહેરો છે પણ મોદીના માનીતા નથી તેથી પાર્લામેન્ટરી બોર્ડમાં નથી.
આ નિમણૂંકો દ્વારા મોદીએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે ભાજપમાં બિગ બોસ પોતે છે અને પોતે ઈચ્છે એ મોટો થઈ શકે છે ને પોતે ઈચ્છે તેને પછાડી શકે છે. મોદીએ શિવરાજસિંહ ચૌહાણ અને નીતિન ગડકરી જેવા ધુરંધરોને કાઢીને જેમને લીધા તેમાંથી યેદુરપ્પાને બાદ કરતાં બીજો કોઈ નેતા એવો નથી કે જેનું પોતાની આગવી ઓળખ હોય. તેમની એક માત્ર ઓળખ એ જ છે કે, મોદીના માનીતા છે.
મોદીએ સર્બાનંદ સોનોવાલને સ્થાન આપ્યું છે કેમ કે તેમણે સરળતાથી અમિત શાહના માનીતા હિંમત બિસ્વ સરમા માટે આસામનું મુખ્યમંત્રીપદ છોડી દીધું. સોનોવાલના રૂપમાં પ્રથમ વખત નોર્થ ઈસ્ટમાંથી કોઈ નેતાને સંસદીય બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે એ રીતે આ પસંદગી મહત્ત્વની છે પણ ભાજપ પાસે બીજા વિકલ્પ પણ હતા.
સુષ્મા સ્વરાજના નિધન પછી ભાજપ સાંસદીય બોર્ડમાં કોઈ મહિલા નહોતાં. મોદીએ હરિયાણાનાં સુધા યાદવને લઈને મહિલા પ્રતિનિધિત્વ આપ્યું છે. સુધા યાદવ ઓબીસી છે, કારગિલ શહીદનાં પત્ની છે પણ જાહેર જીવનમા તેમનું કોઈ યોગદાન નથી. મધ્યપ્રદેશના રાજ્યસભા સાંસદ અને દલિત નેતા સત્ય નારાયણ જાટિયાને લેવાયા છે કેમ જટિયા મોદીના માનીતા છે.
યેદુરપ્પા કર્ણાટકમાં ચાર વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. કર્ણાટકમાં ભાજપનો પાયો નાંખનારા યેદુરપ્પાની પસંદગી સામે વાંધો ના લઈ શકાય પણ કે, લક્ષ્મણની પસંદગી આંચકાજનક છે. ડૉ. કે. લક્ષ્મણ તેલંગાના ભાજપના પ્રદેશ અધ્યક્ષ હતા પણ તેમનું નામ એવું મોટું નથી કે રાષ્ટ્રીયકક્ષાએ મહત્ત્વ મળે.
પાર્લામેન્ટરી બોર્ડ અને સેન્ટ્રલ ઈલેક્શન કમિટી બંનેના સભ્યોની પસંદગી બીજી એક મહત્ત્વની વાતનો પણ સંકેત આપે છે. ભાજપ એટલે કે નરેન્દ્ર મોદી ભાજપની શુદ્ધ હિંદુ પાર્ટી તરીકે ઈમેજ મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. અત્યાર સુધી ભાજપ દેખાવ ખાતર તો દેખાવ ખાતર પણ એક-બે મુસ્લિમ નેતાને સેન્ટ્રલ ઈલેક્શન કમિટીમાં લેતો હતો. સેન્ટ્રલ ઈલેક્શન કમિટીમાં મુખ્તાર અબ્બાસ નકવી કે શાહનવાઝ હુસૈનમાંથી કોઈ એક મુસ્લિમ નેતાને સમાવીને એવો મેસેજ અપાતો કે ભાજપને મુસ્લિમોની આભડછેટ નથી.
આ વખતે એ દેખાવ પણ ભાજપે છોડી દીધો છે અને સેન્ટ્રલ ઈલેક્શન કમિટીમાં કોઈ મુસ્લિમ સભ્ય નથી. આ પહેલાં શાહનવાઝ હુસૈન સેન્ટ્રલ ઈલેક્શન કમિટીમાં હતા પણ તેમને કોરાણે મૂકી દેવાયા છે. મુખ્તાર અબ્બાસ નકવીને રાજ્યસભામાં ફરી ના મોકલાતાં એ સાવ નવરા જ છે તેથી તેમને સેન્ટ્રલ ઈલેક્શન કમિટીમાં સમાવીને મોદી મુસ્લિમ પ્રતિનિધિત્વનો દેખાવ કરી શક્યા હોત પણ મોદીએ એવો દેખાવ પણ કર્યો નથી.
સેન્ટ્રલ ઈલેક્શન કમિટીમાંથી શાહનવાઝ હુસૈનની બાદબાકી સાથે હવે ભાજપમાં રાષ્ટ્રીયસ્તરે એક પણ મોટા હોદ્દા પર કે મહત્ત્વની નિર્ણયો લેનારી સમિતીમાં કોઈ મુસ્લિમ નથી. લોકસભામાં કે રાજ્યસભામાં ભાજપનો એક પણ મુસ્લિમ સાંસદ નથી, મોદી સરકારમાં એક પણ મુસ્લિમ મંત્રી નથી ને પાર્લામેન્ટરી બોર્ડ અને સેન્ટ્રલ ઈલેક્શન કમિટી એ બંને ભાજપની નિર્ણયો લેનારી સર્વોચ્ચ સંસ્થાઓમાં પણ કોઈ મુસ્લિમ નથી.
ભાજપ હવે શુદ્ધ અને સંપૂર્ણ હિંદુ પાર્ટી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.