કેતકી જાની
સવાલ: એક ઑનલાઈન ઍપ છે, જે લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે યોગ્ય પાત્ર પસંદગીનું પ્લેટફોર્મ છે. એક છોકરા સાથે મારી ઓળખાણ થઈ છે. અમે રૂબરૂ પણ આગળ મળશું જ છતાં આઠ-દસ મહિના તેનાથી વાતચીત, વીડિયો કોલ વગેરે દરમિયાન મને મનમાં ક્યાંક લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. મારે ત્રીસ વર્ષ થયા હોવાથીએ ઘરવાળાનું દબાણ છે અને મારી પણ લગ્ન કરવાની ઈચ્છા છે. મારે તે છોકરાને બારીકાઈથી ઓળખવો હોય તો શું કરવું? તેનું મગજ સ્થિર નથી હોતું, આજે આ કાલે તે વાત, કેમ જાણવું કે તે સારો જીવનસાથી બનશે? તેના વિશે શું જાણવું જરૂરી છે?
જવાબ: બહેન, લગ્ન એ અમુક કે તમુક ઉંમર થઈ એટલે કે ઘરવાળા દબાણ કરે ત્યારે જ કરી લેવા તેવો કોઈ લોડ મગજ ઉપર રાખવાની લેશમાત્ર જરૂર નથી તેવો મારો મત છે. આ કાંઈ નાનપણમાં રમતાં તે ઢીંગલા – ઢીંગલીની રમત નથી કે ઘરઘત્તા રમવાનો સમય પતી ગયો કે બધું નાંખો એક ડબ્બામાં અને ખેલ ખતમ. લગ્ન જીવનભરનો ખૂબ જ અંતરંગ સંબંધ છે, તેને માટે એવી વ્યક્તિ સામે હોવી જોઈએ કે તમે આજે આંખો મીંચીને કોઈપણ સામે તેને ઊભો કરી શકો કે આ છે મારો હમસફર અને તે પણ જીવનભરનો. પ્રેમ અને વિશ્ર્વાસ આ બંને તત્ત્વ જ્યાં સુધી ના કેળવાય ત્યાં સુધી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે માત્ર તમે બતાવ્યા તે કારણોસર લગ્ન કરી લેવા.
ખરેખર તમારી આખી જિંદગી માટે ઘાતક બની શકવાની શકયતા નકારી ના જ શકાય. આગળ કેટલાંક મુદ્દા નોંધું છું જેના દ્વારા તે છોકરાનું વ્યક્તિત્વ તમે જાણી શકો. સૌથી પ્રથમ વાત કે આપ બંને હજી સુધી મળ્યા નથી. તમે હવે તેને મળવા માટે ઈચ્છા વ્યક્ત કરો. જો તે તમને મળવા માટે ત્રણ-ચાર વખત કહ્યા બાદ પણ એકદમ ક્ષુલ્લક કહી શકાય તેવા બહાના કાઢી તમારી સાથેની મુલાકાત ટાળે તો સચેત થઈ જાવ. કેમ કે તમારી જેમ તમને મળવાનો તલસાટ તેને નથી. મતલબ તે તમારી ભાવનાઓ જોડે રમી રહ્યો છે, તેને લગ્ન કરી સંબંધ વધારવામાં રસ નથી.
આ દરમિયાન તે તમારી જીદથી મળવા તૈયાર થાય પણ લાસ્ટ મોમેન્ટ કોઈપણ કારણે ના આવે તે પણ ખતરાની ઘંટડી સમજવી. તે ક્યાં રહે છે? શું કરે છે? તેનો પરિવાર તમારાં વિશે જાણે છે? તે ક્યાં નોકરી / ધંધો કરે છે? તેના મિત્રો કોણ છે? આ બધું જ તમે જાણો છો? અને હા, આ બધું જ એ તમારાં વિશે પણ જાણે છે? જાણવાની ઈચ્છા રાખે છે? જો આ બાબતોનો જવાબ ‘ના’ હોય તો તમે સૌપ્રથમ જાણવા પ્રયત્ન કરો. તેનો આધાર / પેનકાર્ડ માગો. ‘કંઈક ખોટું થઈ રહ્યું છે’ – તમારા મનમાં થયેલ આ શંકાનું મૂળ શોધવાનું કામ તમારું છે. તેની સાથે વીડિયો કોલમાં હમેંશા સંયમિત રહો. જો પહેલાં તમારાથી તેના દબાણમાં કપડાં ઉતારવા કે તેવી કોઈ ભૂલ થઈ ગઈ હોય અને તેને કારણે કાંઈક ખોટું થવાની ભાવના આવી હોય તો તેને ઈગ્નોર ના કરતાં સચેત થઈ જાવ. વીડિયો કોલમાં માત્ર વાત જ કરવી અને તે બીજું કંઈ કરવા દબાણ કરે તો સ્પષ્ટ શબ્દમાં ‘ના’ પાડવી. તેની વાતચીતમાં તમારાં માટે આદર – સન્માન દેખાવું અને તમે તે અનુભવો તે અનિવાર્ય છે. વાતે વાતે ગુસ્સો કરવાનો સ્વભાવ તમારી આવતીકાલ અંધકારમય કરી શકે.
તેને વાતોમાં અન્ય લોકોની વાતોનો ઉલ્લેખ તે કેવી રીતે કરે છે તે પરથી આ વાતો પારખી જજો. કોઈપણ વાતે તમારી મરજી/સહમતીનું મૂલ્ય તેને માટે છે? આ પ્રશ્ર્નનો જવાબ પણ તમારે જ મેળવવો પડશે. વાતેવાતે પુરુષ પ્રધાન માનસિકતા વાતચીતમાં વ્યક્ત થાય તેવા પુરુષ સાથે જીવન વ્યતીત કરવું મુશ્કેલ હોય છે, માટે તે સ્ત્રીઓની વાતો કેવી રીતે કરે છે? સ્ત્રીઓ માટે તેના મનમાં કેવું માન સન્માન આદર છે, તે તમે જુઓ. અને છેલ્લે એ તમારી દૂર રહી પણ કાળજી રાખે છે? તમારાં અંગત સુખદુ:ખમાં તેને સામેલ કરવા જેવા ગુણો તેનામાં છે? તે જુઓ. તે કોઈ ધાકધમકી આપતો હોય તો તેને હિંમતથી અવગણો, અસ્તુ.