એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સહિતની કેન્દ્ર સરકારની એજન્સીઓ મનિષ સિસોદિયા સહિતના ભાજપ વિરોધી રાજકીય પક્ષોના નેતાઓને જેલમાં ધકેલવામાં વ્યસ્ત છે ત્યારે ઈન્ટરપોલે ભારતમાં બૅંકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડીને ફરાર થઈ ગયેલા હીરાના વેપારી મેહુલ ચોકસીનું નામ રેડ કોર્નર નોટિસ લિસ્ટમાંથી હટાવી દીધું. મેહુલ ચોકસીનું નામ ઈન્ટરપોલના રેડ કોર્નર નોટિસ લિસ્ટમાંથી હટી ગયું તેનો મતલબ એ કે, હવે મેહુલ ચોકસી દુનિયાના કોઈ પણ દેશમાં મુક્ત રીતે ફરી શકશે.
આઘાત અને વધારે તો શરમની વાત એ છે કે, મેહુલ ચોકસીએ પોતાનું નામ ઈન્ટરપોલ રેડ કોર્નર નોટિસ લિસ્ટમાંથી હટાવવાની કાર્યવાહી શરૂ કરી ત્યારે સીબીઆઈ ધોરતી હતી. સીબીઆઈને કદાચ રાજકારણીઓને સાણસામાં લેવાના કામમાંથી જ ફુરસદ નથી. સીબીઆઈએ આ કાર્યવાહીને રોકવા કોઈ પ્રયત્ન જ ન કર્યા ને હવે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા નીકળ્યા છે. સીબીઆઈએ ઈન્ટરપોલને ચોકસી સામે ફરી રેડ કોર્નર નોટિસ બહાર પાડવા અપીલ કરી છે.
મેહુલ ચોકસી પીએનબીનું ૧૩,૫૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને ભાગી ગયો છે અને હાલ કાનૂની રીતે ફરાર છે. તેના પર ચાંપતી નજર રાખીને તેને સાણસામાં લેવાનો હોય તેના બદલે સીબીઆઈએ મેહુલ ચોકસીનું નામ ઈન્ટરપોલ રેડ કોર્નર નોટિસ લિસ્ટમાંથી હટાવવાની કાર્યવાહી રોકવા કશું કર્યું જ નહીં એ સીબીઆઈ કઈ રીતે કામ કરે છે ને કોના લાભાર્થે કામ કરે છે તેનો વધુ એક નાદાર નમૂનો છે.
દુનિયાના ૧૯૫ દેશો જેના સભ્ય છે એ ઈન્ટરપોલ એટલે કે ઈન્ટરપોલ પાલીસ કોઈ પણ વ્યક્તિ સામે રેડ કોર્નર નોટિસ અથવા રેડ નોટિસ જાહેર કરે તેનો મતલબ એ કે, એ વ્યક્તિને ઈન્ટરપોલના સભ્ય એવા દેશોમાંથી કોઈ પણ દેશ ધરપકડ કરી શકે છે. ઈન્ટરપોલની સ્પષ્ટતા પ્રમાણે, રેડ નોટિસ અથવા રેડ કોર્નર નોટિસ દુનિયાભરના દેશોની એજન્સી પોતાને ત્યાં આરોપી હોય એવી કોઈ વ્યક્તિને શોધવા અથવા અસ્થાયી રીતે ધરપકડ કરવાની માગ કરતી વિનંતી કરે ત્યારે બહાર પડાય છે. જેમનું પ્રત્યાર્પણ, આત્મસમર્પણ કે એ પ્રકારની કોઈ કાર્યવાહી બાકી હોય અને વ્યક્તિ ફરાર થઈ ગઈ હોય તેની સામે રેડ કોર્નર નોટિસ બહાર પડે છે.
રેડ કોર્નર નોટિસનો અર્થ ધરપકડ વોરંટ નથી થતો અને ઈન્ટરપોલના સભ્ય દેશે પોતાના કાયદાને આધારે બીજા દેશના આરોપીની ધરપકડ કરવી છે કે નહીં એ નક્કી કરે છે. જો કે આ વ્યક્તિને લાંબો સમય જેલમાં ના રાખી શકાય કેમ કે જે દેશમાં તેની ધરપકડ કરવામાં આવી હોય એ દેશમાં તેણે કોઈ કાયદાનો ભંગ કર્યો છે કે નહીં એ મહત્ત્વનું છે. ધરપકડ કરાઈ હોય એ દેશમાં ગુનો કર્યો હોય તો કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે અને કાયદાનો ભંગ ના કર્યો હોય તો જે તે વ્યક્તિને કોર્ટમાં રજૂ કરીને વધારે સમય કસ્ટડીમાં રાખવી કે નહીં એ નક્કી થાય.
મોટાભાગના કિસ્સામાં ઈન્ટરપોલ ધરપકડ કરે પછી જે દેશમાં વ્યક્તિ વોન્ટેડ હોય એ દેશના હવાલે કરી દેવામાં આવે કે જેથી ત્યાં કાનૂની કાર્યવાહી કરી શકાય. દેશો એકબીજા સાથે સંબંધો જાળવવા માટે બીજા દેશના આરોપીને સોંપી દેવાનું મુનાસિબ માને છે. કાયદાકીય રીતે ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ કોઈ પણ આરોપી વિરુદ્ધ સૌથી મોટું એલર્ટ છે. દરેક દેશ તરફથી આપવામાં આવેલી જાણકારીના આધારે ઈન્ટરપોલ જનરલ સેક્રેટેરિયેટ નિયમિત રીતે રેડ કોર્નર નોટિસ લિસ્ટને અપડેટ કર્યા કરે છે.
રેડ કોર્નર નોટિસ જાહેર થયા પછી ભાગેડુ વ્યક્તિ ઈન્ટરપોલના સભ્ય દેશમાં મુક્ત રીતે હરીફરી ના શકે. બલ્કે જઈ જ ના શકે કેમ કે જે દેશમાં જાય ત્યાંની પોલીસ ક્યારે ઉઠાવીને જેલમાં ધકેલી દે તેનો ભરોસો નહીં. આ કારણે મેહુલ ચોકસી ફફડતા જીવે રહેતો હતો. આ માનસિક ગુલામીમાંથી છૂટવા મેહુલે રેડ કોર્નર નોટિસ હટાવવા ઈન્ટરપોલના લિયોન હેડક્વાર્ટરમાં અપીલ કરી હતી.
મેહુલ ચોક્સી બેંકોને અબજો રૂપિયાનો ચૂનો ચોપડીને ૨૦૧૮માં દેશ છોડી ભાગી ગયો તેના ૧૦ મહિના પછી તેની સામે ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ હતી. સીબીઆઈને ભાગેડુ ચોકસી સામે ઈન્ટરપોલ નોટિસ બહાર પડાવતાં આટલો સમય કેમ લાગ્યો એ મોટો સવાલ છે. મેહુલ ચોકસી એન્ટીગુઆ અને બાર્બુડામાં છૂપાયેલો હતો પણ સીબીઆઈને તેને લાવવામાં રસ જ નહોતો. બાદમાં ચોકસીને ત્યાંની નાગરિકતા મળી ગઈ હતી. તેનો મતલબ એ થયો કે, સીબીઆઈ ચોકસીને બીજા દેશની નાગરિકતા મળે તેની રાહ જોઈ તેને ફાયદો કરાવતી હતી.
ચોકસીને બીજા દેશના નાગરિકતા મળી ગઈ પછી સીબીઆઈ અચાનક જાગી અને ચોકસીને પોતાને સોંપી દેવા કહ્યું પણ બીજા દેશની સરકાર પોતાના નાગરિકને એમ થોડી સોંપી દે ? દરમિયાનમાં મેહુલ ચોકસી ૨૦૨૧માં ડોમિનિકા રીપબ્લિક નામના દેશમાંથી પકડાયો હતો. ચોકસી મે, ૨૦૨૧માં એન્ટીગુઆથી ફરાર થઈ પાડોશી દેશ ડોમિનિકા પહોંચ્યો હોવાનો દાવો કરાયો હતો. ડોમિનિકીની પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ વાતની ઈન્ટરપોલ દ્વારા જાણ કરાતાં એક ટીમ તેનું પ્રત્યાર્પણ કરાવવા માટે ડોમિનિકા પહોંચી હતી. સીબીઆઈએ ચોકસીની કસ્ટડી માટે પ્રયત્ન કરેલો. એ વખતે ચોકસીએ સીબીઆઈની અરજીના જવાબમાં દલીલ કરી હતી કે ભારતમાં જેલોની સ્થિતિ દયનીય છે તેથી તેના જીવને જોખમ હોઈ શકે છે. ચોકસીએ પોતાની તબિયત ખરાબ હોવાનું બહાનું પણ રજૂ કરતાં કહેલું કે, એન્ટીગુઆ જઈને ત્યાંના એક ન્યુરોલોજિસ્ટ પાસેથી ટ્રીટમેન્ટ કરાવવા માગે છે. આ દલીલોથી પીગળીને બ્રિટિશ ક્વીનની પ્રિવી કાઉન્સિલે ચોકસીને છોડી મૂકેલો. ડોમિનિકાની જેલમાં ૫૧ દિવસ પસાર કર્યા પછી ડોમિનિકાએ તેને ફરીથી એન્ટીગુઆના હવાલે કરી દીધો હતો. ચોકસી એન્ટીગુઆ પહોંચ્યો તેના થોડા દિવસ પછી ડોમિનિકાની કોર્ટે ચોક્સી સામેનો કેસ પણ રદ્દ કરી દીધો હતો.
ચોકસીએ એ પછી રેડ કોર્નર નોટિસ રદ કરાવવા અપીલ કરેલી. ઈન્ટપોલની કમિશન ફોર ક્ધટ્રોલ ફાઈલ્સ નામની પાંચ સભ્યની કમિટીએ તેના પર સુનાવણી કરી હતી. આ સમિતિને કોઈપણ આરોપી સામેની રેડ કોર્નર નોટિસને રદ કરી શકે છે. સમિતિએ એ જ કર્યું તેથી ચોકસી હવે આઝાદ પંછી છે ને પંછી બનું ઉડતા ફિરુ મસ્ત ગગનમાં ગાતો ગાતો દુનિયામાં જ્યાં જ જવું હોય ત્યા જઈ શકશે.
સીબીઆઈ ચોકસીના કેસમાં દરેકવાર કેમ મોળી અને મોડી પડે છે એ ખબર નથી પણ તેના કારણે સીબીઆઈ જરાય વિશ્ર્વસનીય નથી એ ફરી સાબિત થયું છે.