સંજય રાઠોડ મુદ્દે ભાજપના નેતા હવે ચૂપ કેમ?

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શપથવિધિના ૩૯ દિવસ પછી મહારાષ્ટ્ર મંત્રીમંડળનું વિસ્તરણ તો થઈ ગયું પણ સંજય રાઠોડને મંત્રી બનાવવાના મુદ્દે ભાજપમાં કચવાટ છે. સંજય રાઠોડ ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી હતા પણ બેઆબરૂ થઈને મંત્રીપદ છોડવું પડેલું. પૂણેની ૨૩ વર્ષની ટિકટોક સ્ટાર પૂજા ચવ્હાણનાં અપમૃત્યુ કેસમાં નામ ખરડાતાં ભાજપે ભારે દેકારો મચાવી દીધેલો. ઉદ્ધવ પહેલાં તો રાઠોડને રવાના કરવા તૈયાર નહોતા પણ ભાજપ પૂરી તાકાતથી મચી પડતાં રાઠોડને રવાના કર્યા વિના ઉદ્ધવનો છૂટકો નહોતો.
ભાજપે એ વખતે જે વલણ લીધેલું એ બરાબર હતું કેમ કે રાઠોડ સામેના આક્ષેપો ગંભીર હતા. પૂજા ચવ્હાણ માત્ર બાવીસ વર્ષની હતી અને પોતાનાથી ૨૮ વર્ષ મોટા સંજય રાઠોડ સાથે તેને શરીર સંબંધ હતા એવું કહેવાય છે. બલકે પૂજાના મોત પછી તેને લગતા નક્કર પુરાવા પણ મળેલા. પૂજા અને રાઠોડ વચ્ચે શરીર સંબંધ હતા તેના કારણે પૂજા સંજના સંતાનની મા બનવાની હતી પણ તેને ગર્ભપાત કરાવવાની ફરજ પડાયેલી એવા આક્ષેપ થયા હતા.
પૂજાએ ગર્ભપાત કરાવ્યો તેના બીજા જ દિવસે ૨૦૨૧ના ફેબ્રુઆરીમાં આપઘાત કરી લીધો હતો. પૂણેના વાણાવાડી વિસ્તારમાં આવેલા હેવન પાર્ક બિલ્ડિંગમાંથી કૂદીને જીવન ટૂંકાવનારી પૂજાનો આપઘાત શંકાસ્પદ હતો. પૂજા રાઠોડને નડતી હતી તેથી તેનો કાંટો કાઢી નાખવા હત્યા કરાયાની શંકા પણ એ વખતે વ્યક્ત કરાયેલી. આ આક્ષેપો ગંભીર હતા એ જોતાં ભાજપે રાઠોડના રાજીનામાના મુદ્દે દેકારો મચાવ્યો એ યોગ્ય હતો.
આ વાત દોઢ વર્ષ જૂની છે અને દોઢ વર્ષમાં જ ભાજપ બદલાઈ ગયો. એકનાથ શિંદેએ સંજય રાઠોડને મંત્રી બનાવ્યા તેની સામે ભાજપની બોલતી બંધ છે. રાઠોડને રાજીનામું આપવાની ફરજ પડાઈ ત્યારે ભાજપ વિરોધ પક્ષમાં હતા ને દેવેન્દ્ર ફડણવીસ વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. રાઠોડ સામેના વિરોધની આગેવાની ફડણવીસે લીધી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલ, આશિષ શેલાર, સુધીર મુનગંટીવાર, ચિત્રા વાઘ, કિરીટ સોમૈયા સહિતનાં ભાજપનાં આગેવાનો કૂદી પડ્યાં હતાં. તેમના ઉગ્ર વિરોધના કારણે જ રાઠોડે વનમંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું હતું.
હવે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છે અને જેના નામનાં ફડણવીસ છાજીયાં લેતા હતા એ સંજય રાઠોડ તેમના સાથી છે, પણ ફડણવીસને તેની સામે વાંધો નથી. એ વખતે રાઠોડના નામની હાય હાય બોલાવનારા ભાજપના બીજા નેતા પણ રાઠોડના સાથી છે, પણ એક યુવાન છોકરી સાથે શરીર સંબંધ બાંધીને તેને મોતના મોંમાં ધકેલનારા રાઠોડ પોતાના મંત્રી છે તેની સામે કોઈને વાંધો નથી.
ભાજપના નેતાઓ માટે દોઢ વર્ષ પહેલાં જ રાઠોડ મહાપાપી હતા, એ રાઠોડ હવે પવિત્ર થઈ ગયા છે, ભાજપના નેતાઓની હરોળમાં બેસવા માટે લાયક થઈ ગયા છે. આ દોઢ વર્ષમાં સંજય રાઠોડ તો ત્યાંના ત્યાં જ છે, તેમની સામેના આક્ષેપો પણ એ જ છે એ જોતાં રાઠોડમાં ફરક નથી પડ્યો પણ ભાજપના નેતાઓનો સ્તર નીચો ઊતરી ગયો છે એ સ્પષ્ટ છે.
ભાજપમાંથી એક માત્ર ચિત્રા વાઘ પોતાના વલણ પર અડગ રહીને મક્કમ સાબિત થયાં છે. રાઠોડના મંત્રીમંડળમાં સમાવેશની જાહેરાત કરાઈ ત્યારે જ ચિત્રાએ ફૂંફાડો મારી દીધેલો. ચિત્રા વાઘે ટ્વિટ કરેલી કે, પૂજાનાં મૃત્યુ માટે જવાબદાર માજી મંત્રી સંજય રાઠોડને ફરીથી મંત્રીપદ અપાયું એ બહુ મોટી કમનસીબી કહેવાય. હું આ મુદ્દે સંજય રાઠોડ સામે લડવાનું ચાલુ રાખીશ, પૂજાને ન્યાય અપાવવા માટે લડતી રહીશ. ચિત્રા વાઘે વીડિયો મેસેજ દ્વારા પણ આ જ વાત કરીને એલાન કર્યું છે કે, અમારી બહેન પૂજાને ન્યાય અપાવવાની અમારી લડત ચાલુ રહેશે, ન્યાયતંત્રમાં અમને સંપૂર્ણ વિશ્ર્વાસ છે.
આઘાત તો એ જોઈને લાગે કે, ભાજપના કહેવાતા મરદ નેતાઓમાંથી કોઈ નેતા એવું કહેવા પણ આગળ આવતો નથી કે, ચિત્રાની વાત સો ટકા સાચી છે અને અમે ચિત્રાની સાથે છીએ. ચિત્રાના એલાન પછી એકનાથ શિંદેએ એવો લૂલો બચાવ કર્યો કે, પૂજા ચવ્હાણ કેસમાં પૂણે પોલીસે રાઠોડને ક્લીન ચીટ આપી હતી એ જોતાં હવે તેમને મંત્રીમંડળમાં લેવા સામે વાંધો લેવાનો કોઈ સવાલ નથી. શિંદેએ એવી જાહેરાત પણ કરી કે, આ મુદ્દે ભાજપના નેતાઓ સાથે પોતે વાત કરશે અને કોઈ પણ ગેરસમજ હશે તો દૂર કરશે. ચિત્રાએ તેની સામે પણ ફૂંફાડો મારીને એલાન કર્યું છે કે, રાઠોડને અપાયેલી ક્લિન ચિટ શંકાસ્પદ છે અને તેની સામે અમે કોર્ટમાં જઈશું.
ચિત્રાની હિંમતને સલામ મારવી જોઈએ કેમ કે ભાજપના ભડવીરો સાવ પાણી વિનાના સાબિત થયા છે ત્યારે ચિત્રા એકલાં મર્દાનગીથી લડી રહ્યાં છે, ભાજપના નેતાઓથી
વિપરીત એક યુવતીના શંકાસ્પદ મોતને મુદ્દે અવાજ ઉઠાવી રહ્યાં છે.
ચિત્રા એકલાં ક્યાં સુધી અવાજ ઉઠાવી શકશે એ સવાલ છે. શિંદે અને ભાજપના નેતાઓને રાઠોડ સામે વાંધો નથી એ જોતાં રાઠોડને કશું થાય એવું લાગતું પણ નથી પણ આ ઘટનાક્રમે બે વાત સાબિત કરી છે. પહેલી વાત એ કે, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને ઉથલાવીને ભાજપે કશું ખાટ્યું નથી ને એકનાથ શિંદેએ ભાજપની હૈસિયત પગલૂછણિયા જેવી બનાવી દીધી છે.
એકનાથ શિંદે ભાજપને ગાંઠતા જ નથી ને પોતાનું ધાર્યું કરે છે. ભાજપ પાસે વધારે ધારાસભ્યો હોવા છતાં મુખ્યમંત્રીપદ લઈને શિંદેએ પોતાનો સિક્કો જમાવી દીધેલો. એ પછી ભાજપની વધારે મંત્રીપદની માગણીને તેમણે ના ગણકારી ને છેવટે ભાજપને શિંદે જેટલા જ મંત્રીપદ માટે ફરજ પાડી ને રાઠોડને પણ ધરાર મંત્રી બનાવ્યા.
બીજું એ કે, ભાજપે નીતિમત્તાને સાવ કોરાણે મૂકી દીધી છે. એક સમયે ભાજપ રાઠોડને મંત્રીપદેથી હટાવવા પૂરી તાકાતથી મચી પડ્યો હતો અને રાઠોડને મંત્રીપદેથી રાજીનામાની ફરજ પાડીને જ ભાજપે જંપ લીધો હતો. રાઠોડને એક યુવતીના મોત માટે જવાબદાર ગણાવીને ભાજપે દેકારો મચાવી દીધેલો. હવે તેને પોતાનો સાથી બનાવતાં તેમને કોઈ શરમ નથી નડતી, ભાજપને પોતે જે મુદ્દો ઉઠાવેલો એ જ મુદ્દો મહત્ત્વનો લાગતો નથી.
નૈતિકતાના અધ:પતનની આ ચરમસીમા કહેવાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.