Homeએકસ્ટ્રા અફેરપેલે કેમ ઓલ ટાઈમ ગ્રેટ ગણાય છે?

પેલે કેમ ઓલ ટાઈમ ગ્રેટ ગણાય છે?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

વિશ્ર્વના સૌથી મહાન ફૂટબોલ ખેલાડી મનાતા પેલેએ ૮૨ વર્ષની ઉંમરે બુધવારે રાત્રે અંતિમ શ્ર્વાસ લીધા ને એ સાથે જ એક યુગ પૂરો થઈ ગયો. વિશ્ર્વમાં પોતે રમતા હોય એ રમતને લોકપ્રિયતા અપાવીને વૈશ્ર્વિક સ્તરે સ્થાપિત કરવામાં જેમનું યોગદાન મોટું મનાતું હોય એવા બહુ ઓછા ખેલાડીઓ પેદા થયા. પેલે આવા મહાન ખેલાડી હતા તેમાં બેમત નથી ને આ કારણે જ પેલેના નિધનથી આખું ફૂટબોલ જગત સ્તબ્ધ છે.
મહત્ત્વની વાત એ છે કે, એક ખેલાડી તરીકે તો પેલેની સિદ્ધિઓ બેજોડ છે જ પણ આંતરરાષ્ટ્રીય સ્તરેથી નિવૃત્ત થયા પછી પેલેએ ફૂટબોલના વિકાસમાં ને તેને લોકપ્રિય બનાવવામાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું. પેલેનું સાચું નામ એડસન અરાંતેસ દો નાસિમેન્તો હતું પણ ફૂટબોલના ચાહકોને તેમનું સાચું નામ પણ ખબર નહોતી. પેલે માટે નામ હી કાફી હતું. આવી જબરદસ્ત લોકપ્રિયતા ને ચાહના બહુ ઓછા ખેલાડીઓને મળે.
આજની પેઢી માટે પેલે પ્રમાણમાં અજાણ્યું નામ છે કેમ કે પેલે ૧૯૭૧માં તો આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા હતા. આ કારણ આજની પેઢી લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ઓળખે છે પણ પેલેથી બહુ પરિચિત નથી. જો કે મોટાભાગના સ્પોર્ટ્સ ક્રિટિક્સ પેલેને ગ્રેટેસ્ટ ઑફ ઓલ ટાઈમ માને છે કેમ કે તેમના જેવો દબદબો બીજો કોઈ ફૂટબોલ ખેલાડીનો રહ્યો નથી. આ સદીના સૌથી મહાન ફૂટબોલર ખેલાડીઓમાં સ્થાન પામતા પેલેનો ૧૯૫૦ના દાયકાથી શરૂ કરીને ૧૯૭૦ના અંત સુધી વિશ્ર્વ ફૂટબોલમાં દબદબો હતો. માત્ર ૧૮ વર્ષની ઉંમરે પેલેએ ૧૯૫૮ના વર્લ્ડ કપમાં પહેલીવાર પોતાની તાકાતનો દુનિયાને પરચો આપીને ચેમ્પિયન બનાવ્યું હતું. પેલે નોકઆઉટ રાઉન્ડમાં બ્રાઝિલની જીતનો હીરો હતો.
બ્રાઝિલે વેલ્સ સામેની ક્વાર્ટર ફાઇનલમાં એક જ ગોલ
કર્યો હતો ને બ્રાઝિલનો એકમાત્ર ગોલ પેલેએ કર્યો હતો.
પેલેએ ફ્રાન્સ સામે સેમીફાઈનલમાં હેટ્રિક કરીને ભવ્ય જીત અપાવી હતી. યજમાન સ્વીડન વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર હતું પણ પેલેએ સ્વીડન સામે ફાઇનલમાં બે ગોલ કરીને કચડી
નાંખ્યું હતું.
પેલેની ભવ્ય કારકિર્દીની એ ભવ્ય શરૂઆત હતી ને એ પછી પેલેએ કદી પાછું વળીને જોયું નથી. પેલેએ ૧૯૬૨માં ફરી બ્રાઝિલન વર્લ્ડ કપ જીતાડ્યો. ૧૯૬૬ના વર્લ્ડ કપમાં ઈજાના કારણે પેલે બધી મેચો નહોતો રમી શક્યો તેથી બ્રાઝિલ નહોતું જીત્યું પણ ૧૯૭૦ના વર્લ્ડ કપમાં બ્રાઝિલને ચેમ્પિયન બનાવીને પેલેએ ફરી પોતાની તાકાતનો પરચો આપ્યો હતો. ફૂટબોલની દુનિયામાં બ્લેક પર્લ અને બ્લેક ડાયમંડના નામથી ઓળખાતા પેલે ત્રણ વર્લ્ડ કપ જીતનારા એકમાત્ર ફૂટબોલર છે. વર્લ્ડ કપમાં ગોલ કરવામાં પણ પેલે સૌથી આગળ છે. પેલેએ ૧૯૫૮, ૧૯૬૨, ૧૯૬૬ અને ૧૯૭૦માં મળીને કુલ ૧૨ ગોલ કર્યા હતા ને આવો ભવ્ય રેકોર્ડ કોઈના નામે નથી.
આંકડાની રીતે પણ પેલે બીજા બધા ફૂટબોલરથી આગળ છે. પેલેએ પોતાની પ્રોફેશનલ કારકિર્દીમાં કુલ ૧૩૬૩ મેચ રમીને ૧૨૮૧ ગોલ કર્યા હતા. મતલબ કે, પેલેએ દરેક મેચદીઠ એકથી થોડોકો ઓછો ગોલ કર્યો છે. રોનાલ્ડો, મેસી કે મેરેડોના સહિતના મહાન મનાતા કોઈ ખેલાડીનો આવો ભવ્ય રેકોર્ડ નથી.
પેલે આજની પેઢી માટે રોલ મોડલ પણ છે. બ્રાઝિલના સાવ ગરીબ પરિવારમાં ઉછરેલા પેલેએ નાની ઉંમરે ઘરમાં મદદરૂપ થવા રીતસરની મજૂરી કરવી પડેલી. ગરીબી એટલી કારમી હતી કે ફૂટબોલ ખરીદવાનાં નાણા નહોતાં પણ જુદા જુદા તિકડમ લગાડીને ફૂટબોલ બનાવીને રમ્યા કરતા ને એ રીતે ફૂટબોલ શીખ્યા. ગરીબી પણ પેલેની ધગશને લગામ ના લગાવી શકી ને મહાન ફૂટબોલર તરીકે સ્થાપિત થયા.
પેલે છેક ૧૯૮૦ના દાયકા લગી પેલે વિશ્ર્વમાં ફૂટબોલના સર્વકાલિન સૌથી મહાનત્તમ ખેલાડી મનાતા હતા. આર્જેન્ટિના ૧૯૮૬માં ફરી વર્લ્ડ ચેમ્પિયન બન્યું પછી ડિયાગો મેરેડોનાનો વિશ્ર્વના ફૂટબોલ તખ્તે પ્રવેશ થયો. એ સાથે જ પેલે મહાન કે મેરેડોના મહાન એ મુદ્દે ચર્ચા શરૂ થઈ ને આ મુદ્દો વરસોથી ચર્ચાયા કરે છે. મહાનતાને માપવામાં કોઈ કાટલાં નથી હોતાં તેથી આ ચર્ચા ચાલતી જ રહેશે પણ મેરેડોનાની સરખામણીમાં પેલે વધારે સારો રેકોર્ડ ધરાવે છે અને વધારે બહેતર ખેલાડી પણ હતા તેમાં બેમત નથી.
મેરેડોનાએ ૧૯૮૬માં આર્જેન્ટિનાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું એ પહેલાં પેલે વિશ્ર્વમાં મહાનત્તમ ફૂટબોલ ખેલાડી તરીકે સર્વસ્વીકૃત હતા. પેલેએ બ્રાઝિલ તરફથી રમતાં ૯૨ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૭૭ ગોલ કર્યા તેની સામે મેરેડોનાના ૯૧ મેચમાં માત્ર ૩૪ ગોલ છે. પેલેના પ્રતિ મેચ ૦.૮૩ ગોલની સરેરાશ સામે મેરેડોનાની સરેરાશ માત્ર ૦.૩૭ ગોલ પ્રતિ મેચ છે. મોટી ટૂર્નામેન્ટ્સમાં પણ પેલેનો રેકોર્ડ બહેતર છે.
પેલે ૧૯૫૮, ૧૯૬૨, ૯૧૬૬ અને ૧૯૭૦ એમ ચાર ફૂટબોલ વર્લ્ડકપ રમ્યા હતા. આ ચારમાંથી ત્રણ વર્લ્ડપ
બ્રાઝિલે જીત્યા એ જોતાં વર્લ્ડ કપમાં પેલેની જીતનો રેશિયો ૭૫ ટકા છે. બે વર્લ્ડકપમાં પેલે ઈજાના કારણે બધી મેચો નહોતા રમ્યા પણ એ બ્રાઝિલની ચેમ્પિયન ટીમનો હિસ્સો હતા ને બ્રાઝિલની જીતમાં તેમનું યોગદાન પણ હતું. મેરેડોના ચાર વર્લ્ડકપ રમ્યો તેમાંથી આર્જેન્ટિના માત્ર ૧૯૮૬માં ચેમ્પિયન બન્યું તેથી વર્લ્ડકપમાં મેરેડોનાની જીતનો રેશિયો ૨૫ ટકા જ છે. આ વર્લ્ડ કપમાં મેરેડોના આર્જેન્ટીનાનો કેપ્ટન હતો ને બેસ્ટ પ્લેયર એવોર્ડ મળેલો.
મેરેડોનાના ચાહકો મેરેડોનાને પેલેની સમકક્ષ ગણે છે કેમ કે મેરેડોનાએ એકલા હાથે આર્જેન્ટિનાને સુપર પાવર બનાવ્યું એવી તેમની દલીલ છે. તેમનું કહેવું છે કે, પેલે રમતા હતા એ વખતના બ્રાઝિલ પાસે ઘણા સ્ટાર્સ હતા. તેની સરખામણીમાં આર્જેન્ટિના પાસે ઓછા સ્ટાર ખેલાડી હતા તેથી મેરેડાનોને એકલા હાથે આર્જેન્ટિનાને ચેમ્પિયન બનાવવા બદલ મહાન ગણવો જોઈએ. વાસ્તવમાં બ્રાઝિલ પહેલીવાર ચેમ્પિયન જ પેલેના સમયમાં બન્યું. એ પહેલાં બ્રાઝિલે કદી વર્લ્ડ કપ નહોતો જીત્યો જ્યારે મેરેડોનાએ ૧૯૮૬માં આર્જેન્ટિનાને વર્લ્ડકપ જીતાડ્યો એ પહેલાં આર્જેન્ટિના ૧૯૭૮માં વર્લ્ડ કપ જીતી ચૂકેલું.
ખેર, આ સરખામણી કે ચર્ચાનો અંત નથી પણ એક વાત ચોક્કસ છે. ફૂટબોલ જગતના મહાનત્તમ ખેલાડીઓની જ્યારે પણ વાત નીકળે છે ત્યારે સૌથી પહેલાં પેલેનું જ નામ લેવાય છે. પેલે ફૂટબોલનો પર્યાય છે અને જ્યાં સુધી ફૂટબોલ રમાશે ત્યાં સુધી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular