નીતીશકુમારની સરખામણીમાં વડા પ્રધાન પદની રેસમાં મમતા બેનરજી કેમ પાછળ પડી રહ્યા છે?

અવર્ગીકૃત ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પશ્ચિમ બંગાળમાં એક પછી એક ભ્રષ્ટાચારના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. આ સાથે પ. બંગાળમાં ED અને CBIના દરોડા ચાલુ છે. અગાઉ પૂર્વ કેબિનેટ પ્રધાન પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખરજીના ફ્લેટમાંથી 52 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. અને હવે ફરી એક ટ્રાન્સપોર્ટ બિઝનેસમેનના ઘરેથી 17 કરોડથી વધુની રકમ મળી આવી છે. આ કિસ્સામાં પણ એક પ્રભાવશાળી કનેક્શન સામે આવી રહ્યું છે. શિક્ષણ ભરતી કૌભાંડ, પશુઓની દાણચોરી, કોલસાની દાણચોરી અને ચિટફંડ કેસમાં ટીએમસી નેતાઓના નામ સતત સામે આવી રહ્યા છે. આનાથી તૃણમૂલ કોંગ્રેસની છબી ખરાબ થઈ રહી છે. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ ભલે ટીએમસી રાજ્યની ચૂંટણીમાં સતત જીત મેળવી રહી છે, પરંતુ આ કૌભાંડો એક યા બીજી રીતે અડચણરૂપ બન્યા છે. વિધાનસભા ચૂંટણી બાદ ટીએમસીના નેતાઓએ મમતા બેનરજીને પીએમ પદના ઉમેદવાર ગણાવ્યા હતા, પરંતુ હવે સવાલ ઉઠવા લાગ્યો છે કે શું બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સરખામણીમાં મમતા બેનરજી વડાપ્રધાનની રેસમાં વિપક્ષો માટે સર્વસ્વીકાર્ય ચહેરો બની શકશે?

પ. બંગાળના પાડોશી રાજ્ય બિહારમાં નીતીશ કુમારે બીજેપી સાથેનું ગઠબંધન તોડીને આરજેડીના તેજસ્વી યાદવ સાથે ગઠબંધન સરકાર બનાવી હતી. બિહારના રાજકારણમાં આવેલા બદલાવથી માત્ર પટનામાં રાજકીય લેન્ડસ્કેપ જ બદલાયો નથી, પરંતુ દિલ્હીમાં વિપક્ષી છાવણીનું ગણિત પણ બદલાઈ ગયું છે. નીતીશની રાજરમતમાં ભાજપનો પરાજય થયો છે.

તાજેતરમાં મહારાષ્ટ્રની સરકાર પણ બદલાઈ ગઇ છે. મહારાષ્ટ્રમાં એનસીપીના વડા શરદ પવાર તેમ જ ઉદ્ધવ ઠાકરેના જૂથને મોટો ઝટકો લાગ્યો છે.અહીં ભાજપનું કમળ અભિયાન સફળ રહ્યું હતું, પરંતુ નીતીશ કુમારે ભાજપ સાથે ગઠબંધન તોડીને ભાજપને ઝટકો આપ્યો છે. નીતીશની નજર હવે 2024ની લોકસભાની ચૂંટણી પર છે. બિહારમાં મહાગઠબંધનની નવી સરકારની રચના વખતે નીતીશનું નિવેદન હતું કે તેજસ્વી રાજ્યની કમાન સંભાળશે. તેમની તાજેતરની દિલ્હી મુલાકાત દરમિયાન, નીતીશ કુમાર ડાબેરી છાવણીના તમામ નેતાઓ સહિત શરદ પવાર અને અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. આ સાથે તેમણે અન્ય વિપક્ષી પાર્ટીના નેતાઓ સાથે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે બીજો કે ત્રીજો મોરચો નહીં, પરંતુ વિપક્ષનો મુખ્ય મોરચો હશે. 2024ની લોકસભા ચૂંટણીમાં તમામ વિપક્ષી પાર્ટીઓ એક થશે. તમામ પક્ષો સાથે મળીને એજન્ડા તૈયાર કરશે.

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી બાદ મમતા બેનરજીનો વિપક્ષી પાર્ટીઓ સાથે અણબનાવ ચાલી રહ્યો છે. તાજેતરમાં મતા બેનરજી પણ દિલ્હીનો આંટો મારી આવ્યા હતા. તેમના દિલ્હી પ્રવાસને વિપક્ષી પાર્ટીઓ તરફથી બહુ સમર્થન મળ્યું નથી. નીતીશ કુમાર અને મમતા બેનરજીને લઈને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. જોકે, એમાં પણ નીતીશકુમારનું જ પલડું ભારી દેખાય છે. વિપક્ષો એમની જ તરફેણ કરશે. ડાબેરીઓ સાથે જોડાણ કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. સીતારામ યેચુરી, ડી રાજા અને દીપાંકર ભટ્ટાચાર્ય સાથે નીતીશકુમાર મુલાકાત કરી જ ચૂક્યા છે.

નીતીશ કુમાર હાલમાં ભલે ના પાડે કે તેઓ વડા પ્રધાન પદની રેસમાં નથી, પણ એ તો જ્યારે હાથમાં લાડવો આવે ત્યારે ખાવાની વાત છે. જ્યારે વિપક્ષને બહુમત મળે અને વડા પ્રધાન કોને બનાવવો એ અંગે ચર્ચા થાય ત્યારે નીતીશ કુમાર વિપક્ષોની લાગણીને માન આપીને વડા પ્રધાન બનવા તૈયાર પણ થઇ જાય તેમની માટે કશું જ અશક્ય નથી. વડા પ્રધાન પદ માટે આમ હાલ તો વિપક્ષી નેતાઓમાં વડા પ્રધાન પદની રેસમાં બિહારના નીતીશ કુમારનો ઘોડો આગળ દોડી રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.