ભીડ બનીને નફરત કરવી કેમ આસાન છે

ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ – રાજ ગોસ્વામી

“જોની મેરા નામ ફિલ્મમાં, દેવ આનંદે આત્મવિશ્ર્વાસ સાથે ગાયું હતું-
નફરત કરને વાલોં કે સીને મૈં પ્યાર ભર દૂં
અરે મેં વો પરવાના હૂં પથ્થર કો મોમ કર દૂં.
આપણે બાળપણથી એવું શીખીને મોટા થયા છીએ કે પ્રેમમાં બહુ તાકાત છે, તે પથ્થર દિલને પણ પીગળાવી દે છે. આપણા વડીલો કહેતાં હતા કે સભ્ય માણસ પ્રેમ કરે, અસભ્ય માણસ નફરત કરે, પણ આપણે મોટા થઈને જોયું તો ખબર પડી કે માણસોનો ઈતિહાસ નફરતથી ભરેલો છે, આપણું મીડિયા વેરઝેર, યુદ્ધ, આતંક, નરસંહાર અને નફરતી અપરાધોના સમાચારોથી ભરેલું છે. આપણે સભ્ય અને સંગઠિત સમાજમાં રહેતા થયા તેને લગભગ પાંચ હજાર વર્ષ થયાં, તેમ છતાં આપણામાંથી નફરત કેમ ગઈ નથી? કદાચ એનું કારણ એ જ છે; સાથે રહેવાનું.
તમે અંગ્રેજીમાં એક વિધાન સાંભળ્યું હશે; નો બોન્ડ ઈઝ સ્ટ્રોંગર ધેન ટૂ પીપલ હેટિંગ ધ સેમ પર્સન-એક સમાન માણસને નફરત કરતા બે લોકો વચ્ચે મજબૂત લગાવ હોય. કૌટિલ્યએ કહ્યું તેમ, દુશ્મનનો દુશ્મન દોસ્ત કહેવાય. આમાં તથ્ય છે. બે માણસો વચ્ચે પ્રેમની જેટલી સંભાવના હોય છે, એક ટોળામાં નફરત કરવાની સંભાવના એના કરતાં વધુ હોય છે. નફરતનો ભાવ સામાજિક રીતે અસ્વીકાર્ય (સભ્ય સમાજનો એ એક પાયો છે હોવા છતાં), માણસોમાં જયારે અન્ય કોઈ માટે ઘૃણાની તીવ્ર લાગણી પેદા થાય ત્યારે, તે તેની આજુબાજુના લોકોને પણ ઘૃણા કરવા માટે પ્રેરિત
કરે છે.
ગયા વર્ષે, જર્નલ ઓફ એક્સ્પરિમેન્ટલ સોશ્યલ સાઈકોલોજી નામના સામાયિકમાં પ્રગટ થયેલા એક અભ્યાસમાં નિષ્કર્ષ આપવામાં આવ્યો હતો કે નફરતને જયારે (એકલ વ્યક્તિને બદલે) કોઈ સમૂહ, સંસ્થા તરફ વાળવામાં આવે ત્યારે, તેમાં સાર્થકતાનો અહેસાસ થાય.
આ પેપરના લેખક અને કેનેડાની વોટરલૂ યુનિવર્સીટીમાં પીએચડીના વિધાર્થી અબ્દો ઈલ્નાકૌરીએ આ તારણને સમજાવતાં કહ્યું હતું, ઈતિહાસની ઘણી જાણીતી સાંસ્કૃતિક કે રાજકીય ચળવળોમાં ત્યારે જોર આવ્યું હતું જ્યારે તેની સામે લડવા માટે એક સ્પષ્ટ શત્રુ હોય. લોકો સામે નફરત કરવા ચોક્કસ માણસો હોય તો તેમને એમાં જીવનનું એક પ્રયોજન નજર આવે અને તેમનામાં જુસ્સો આવે છે.
નફરત જ્યારે અંગતમાંથી બિનઅંગત બની જાય ત્યારે સરળ થઇ જાય છે. કોઈને નફરત કરવાનું ટોળામાં જેટલું સહેલું હોય છે તેટલું વ્યકતિગત સ્તરે આસાન નથી હોતું. માણસ એકલો હોય ત્યારે તે નૈતિક અથવા સભ્ય રીતે વર્તે છે, પણ એ જ માણસ જયારે ભીડનો હિસ્સો બની જાય ત્યારે તે હિંસા કરવા માટે સમર્થ બની જાય છે. ભીડમાં માણસની શરમ કે અંકુશ છૂટી જાય છે, તે તેનો દોષ, જવાબદારી અને નીરક્ષીર વિવેક ભીડને હવાલે કરી દે છે. તે પોતાની વ્યક્તિગત આઇડેન્ટિટીને જતી કરીને ભીડની આઇડેન્ટિટી ધારણ કરી લે છે. એ અંધ બનીને ભીડના વ્યવહારનું અનુસરણ કરે છે. એટલા માટે તે ભીડમાં એ બધું જ કરવા સક્ષમ બની જાય છે, જેને તે વ્યક્તિગત સ્તરે અનૈતિક, અસભ્ય કે ગેરકાનૂની ગણતો હોય છે.
સભ્ય સમાજની એ વિચિત્રતા છે કે માણસમાં નફરતની ભાવના ભીડના પ્રભાવમાં તીવ્ર બને છે. જેટલી મોટી ભીડ, અસભ્યતાની તીવ્રતા એટલી વધુ. ઈતિહાસમાં જેટલા પણ નરસંહાર થયા છે, તોફાનો થયાં છે અથવા મોબ લીન્ચિંગ થયાં છે તે ભીડના પ્રભાવમાં થયાં છે.
સમાજવિજ્ઞાનમાં તેને ધ કોન્ટેજન થિયરી કહે છે- સંસર્ગનો સિદ્ધાંત. ગુસ્તાવ લે બોન નામના ફ્રેંચ વિદ્વાને, ૧૮૯૫માં, ‘ધ ક્રાઉડ’ નામના પુસ્તકમાં, ફ્રેંચ ક્રાંતિ વખતે જે રીતે સામાજિક શિસ્ત અને વ્યવસ્થા ભાંગી પડી હતી, તેનો અભ્યાસ કરીને આ થિયરી આપી હતી. બોને લખ્યું હતું કે માણસો એકલા હોય ત્યારે વિવેકપૂર્ણ વ્યવહાર કરે છે, પણ ભીડમાં હોય ત્યારે લાગણીમાં આવીને અવિવેકી બની જાય છે. કોન્ટેજન થિયરી પ્રમાણે, સામૂહિક વ્યવહાર અતાર્કિક હોય છે અને ભીડમાં એકઠા થયેલા લોકોના સાંસર્ગિક પ્રભાવમાંથી પેદા થાય છે.
સાદા ઉદાહરણથી સમજવું હોય તો, તમારા મિત્રવર્તુળમાં એક મિત્ર સ્મોકિંગ કરતો હોય તો, સ્મોકિંગ નહીં કરતા મિત્રો પણ દેખા-દેખીમાં ફૂંકવાનું ચાલુ કરી દેશે. ભીડમાં લોકો સમાન રુચિઓ, મોટિવેશન્સ અને પ્રયોજનો શોધી લેતા હોય છે. એવી જ રીતે અંદોલનો અને ક્રાંતિઓ થતી હોય છે. સમૂહમાં માણસોનો વ્યવહાર બીજા લોકો તરફથી નથી આવતો. એ તેની અંદર મોજુદ જ હોય છે, પણ ભીડમાં તે બહાર આવી જાય છે.
એક નાનકડી વાર્તાથી આ સમજાય તેવું છે. એક નગરમાં બધા લોકો એક કૂવામાંથી પાણી પીતાં હતાં. એક દિવસ રાજા અને તેના મંત્રીઓએ જોયું કે નગરવાસીઓ કૂવાનું પાણી પીને બેસુધ થઇ ગયા છે. થોડા દિવસમાં, નગરવાસીઓ ગાંડા થવા લાગ્યા. એક પછી એક, બધા ગાંડા થઇ ગયા. નગરમાં એક પણ માણસ ડાહ્યો માણસ ન બચ્યો. બધા જ એક સરખો ગાંડો વ્યવહાર કરવા લાગ્યા. ત્યાં સુધી કે તેઓ એકબીજાને સ્વસ્થ અને રાજા તેમજ તેના મંત્રીઓને ગાંડા ગણતા થઇ ગયા, કારણ કે નગરમાં બહુમતી લોકોનો વ્યવહાર એક સમાન હતો, પણ મહેલના મુઠ્ઠીભર લોકો જુદા લાગતા હતા, એટલે એ ગાંડામાં ખપી ગયા. રાજાને થયું કે નગરમાં જીવવું હશે અને રાજ ચાલુ રાખવું હશે તો, તેમણે પણ લોકો જેવા જ થવું પડશે. છેવટે, રાજા અને તેના મંત્રીઓએ એ જ કૂવાનું પાણી પી લીધું.
ભારતમાં આપણે આ ગાંડપણ જોઈ રહ્યા છીએ.
સોશ્યલ મીડિયા, ટીવી ન્યૂઝ, વોટ્સઅપ ફોરવર્ડ મારફતે એક એવી ભીડ તૈયાર કરવામાં આવી રહી છે જે સહી-ગલતનો ભેદ ભૂલી રહી છે. એક એવો ડર, એક એવો શત્રુ આપણી સામે ઊભો કરવામાં આવી રહ્યો છે જેથી આપણે ભીડમાં સામેલ થઇ જઈએ. આપણને ગુસ્સો આવે છે અને પછી આપણે એ ગુસ્સો ભીડને હવાલે કરીએ છીએ. પાછલાં કેટલાંય વર્ષોથી જે ઘટનાઓ બની રહી છે અને એમાં સતત ઉમેરો થતો રહ્યો છે, તે વ્યક્તિગત સભ્યતાનું ભીડની અસભ્યતામાં તબદીલ થઇ જવાના કારણે છે.
જે બાબત આપણને ગમતી ના હોય અને જેની આપણે નફરત કરતા હોઈએ, તેને ભીડમાં સામેલ કરી દેવાનું એક સૌથી મોટું જોખમ એ છે કે આપણે એ જ કરવા લાગી જઈએ છીએ. ઉશ્કેરણી સામે સંયમી રહેવું એ સિદ્ધિ છે. નફરતના જવાબમાં નફરતી ના બની જવું એ સિદ્ધિ છે. રાક્ષસનો વિરોધ કરતી વખતે રાક્ષસ ના બની જવું એ સિદ્ધિ છે. હિંસાનો વિરોધ કરતી વખતે ગાંધીજી હિંસક ના બન્યા એ સિદ્ધિ હતી. બાકી, હિંસાનો પ્રયોગ તેમને હિંસક બનાવવા જ થયો હતો, અને એમાં ગાંધીજીનો જ પરાજય થયો હોત, પણ એ ભીડનો હિસ્સો બન્યા નહોતા.
લીબિયાનો નિર્દયી તાનાશાહ કર્નલ મુઆમ્મર ગદાફી, તેની નફરતના નિશાને ચઢેલા લોકોને સાર્વજનિક રીતે ફાંસી આપવાનો શોખીન હતો. લીબિયન લોકો આવું જોઈને જ મોટા થયા હતા. જ્યારે ગદાફીનો પાપનો ઘડો ભરાઈ ગયો, ત્યારે તે ખુદ મોબ લીન્ચિંગનો શિકાર બન્યો હતો. નફરત એક એવો સાપ છે, જે એને દૂધ પિવડાવનારને જ ડસી જાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.