એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

કૉંગ્રેસને રામ રામ કરનારા ગુલામ નબી આઝાદે પોતાના નવા પક્ષની રચનાની જાહેરાત ના કરી પણ જમ્મુમાં જંગી રેલી કરીને પાર્ટી સ્થાપવાનો સંકેત આપીને પોતાના રાજકીય ઈરાદા સ્પષ્ટ કરી દીધા. આઝાદે કૉંગ્રેસ છોડી ત્યારે તેમની સાથે થોકબંધ નેતાઓએ પણ કૉંગ્રેસ છોડી દીધી હતી. આ બધા નેતા આઝાદના નવા પક્ષમાં જોડાશે એ જોતાં આઝાદનો પ્રાદેશિક પક્ષ જમ્મુ અને કાશ્મીરના રાજકારણમાં કાઠું કાઢશે એવી અટકળો છે પણ આ અટકળો સાચી પડવા વિશે શંકા છે. તેનું કારણ એ કે, ગુલામ નબી આઝાદને જમ્મુ અને કાશ્મીરમાં મોટા નેતા ગણવામાં આવે છે પણ આઝાદનો પ્રભાવ મર્યાદિત છે.
આઝાદ મુસ્લિમ છે પણ મૂળ કાશ્મીર ખીણના નેતા નથી તેથી કાશ્મીર ખીણમાં પણ તેમનો પ્રભાવ કેટલો પડે એ સવાલ છે. જમ્મુ અને કાશ્મીરમાં સત્તા કબજે કરવા કાશ્મીર ખીણમાં સફળ થવું જરૂરી છે. આઝાદ ડોડા જિલ્લાના સોતી નામના ગામમાં પેદા થયા. ડોડા જિલ્લો જમ્મુ ડિવિઝનમાં છે. આઝાદ જમ્મુની જીજીએમ સાયન્સ કોલેજમાં ભણ્યા છે અને પછી માસ્ટર્સ ડિગ્રી કરવા શ્રીનગર ગયેલા. ટૂંકમાં તેમનો ઉછેર અને શિક્ષણ બધું જમ્મુમાં જ થયું છે. જમ્મુમાં ભાજપનો પ્રભાવ છે અને હિંદુ-શીખોની બહુમતી છે. આઝાદે મુખ્યમંત્રી તરીકે લીધેલાં પગલાંના કારણે કાશ્મીરી પંડિતોને પણ તેમના તરફ માન છે.
આઝાદે કાશ્મીરી પંડિતોને પાછા ખીણમાં વસાવવા દિલથી પ્રયત્ન કરેલા. મનમોહનસિંહની સરકાર હતી ત્યારે આઝાદના આગ્રહથી મોટા ઉપાડે પંડિતોને કાશ્મીરમાં પાછા લાવવા માટે યોજના જાહેર કરાયેલી. એપ્રિલ ૨૦૦૮માં મનમોહનસિંહ કાશ્મીર ગયા ત્યારે કાશ્મીરી પંડિતોને નોકરીઓ ને ધંધો-રોજગાર આપવા માટે ૧૬૪૮ કરોડનું તોતિંગ પેકેજ જાહેર કરેલું. કાશ્મીરમાં ત્યારે પીડીપીના ટેકાથી કૉંગ્રેસની સરકાર હતી ને ગુલામ નબી આઝાદ મુખ્યમંત્રી હતા.
આઝાદે તાબડતોબ ૨૧૮ કરોડ રૂપિયાનું આંધણ કરીને કાશ્મીરમાં પાછા ફરવા માગતા પંડિતો માટે કામચલાઉ મકાન ઊભાં કરાવી દીધેલાં. આઝાદે સવલતો ઊભી કરી પણ આતંકવાદનો પ્રભાવ હોવાથી પંડિતો ડરી ગયેલા. આ કારણે પચ્ચીસેક કુટુંબોને બાદ કરતાં બીજા પંડિતોએ પાછા આવવામાં રસ ના બતાવ્યો. એ પચ્ચીસ કુટુંબ પણ પછી પાછાં ભાગી ગયાં ને આપણે ઠેરના ઠેર આવીને ઊભા રહી ગયા. જો કે તેના કારણે આઝાદે પંડિતોને વસાવવા આપેલું યોગદાન ભુલાતું નથી.
ગુલામ નબી આઝાદ જમ્મુ તથા કાશ્મીરના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે જમીન ફાળવવાનો નિર્ણય પણ લીધો હતો. આઝાદની સરકાર પીડીપીના ટેકાથી ટકી હતી. મુસ્લિમ કટ્ટરવાદીઓએ કાશ્મીર ખીણમાં આ નિર્ણયને કાશ્મીરમાં હિન્દુઓને વસાવવાની હિલચાલમાં ખપાવીને જોરદાર વિરોધ પેદા કરાવ્યો હતો. પીડીપી આ વિરોધમાં જોડાઈ હતી. એ વખતે મુફતી મોહમ્મદ સઈદ જીવતા હતા. તેમણે આ મુદ્દે કૉંગ્રેસ સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો. પોતાની મતબેંકને સાચવવા માટે મુફતીએ કટ્ટરવાદીઓ જેવું જ વલણ અપનાવ્યું હતું.
મહેબૂબાએ જે કર્યું એ પણ આઝાદે દિલથી પ્રયત્ન કરેલા જ. આઝાદ સરકારે પંડિતો માટે ટ્રાન્ઝિટ એકોમોડેશન એટલે કે કામચલાઉ ઘર ઊભાં કરેલાં. શરૂઆતના તબક્કામાં પંડિતો આ કામચલાઉ મકાનોમાં રહે ને પછી ધીરે ધીરે કાશ્મીર ખીણમાં તેમનાં પોતાનાં મકાનોમાં જઈને રહેવા માંડે એવી યોજના સરકારે બનાવેલી. કાશ્મીર ખીણમાં પંડિતોનાં જે ઘરો છે તેમાંથી ૯૦ ટકા મકાનો પંડિતો માટે કામનાં નથી. પંડિતો કાશ્મીરમાંથી ભાગ્યા તેનું કારણ એ હતું કે તેમને નિશાન બનાવીને હુમલા કરાતા.
આતંકવાદીઓ તેમનાં ઘરો સળગાવી દેતા ને એવા સંજોગો પેદા કરી દીધેલા કે પંડિતો રહી જ ના શકે. જે પંડિતો સમજદાર હતા તેમણે પોતાનાં ઘર સ્થાનિક મુસ્લિમોને વેચી દીધાં. વાસ્તવમાં તો આ ઘરો પડાવી જ લેવાયાં હતાં. એક વાર પંડિતો પાછા આવીને વસે તો તેમનાં મૂળ ઘર પાછાં અપાવવાની પણ આઝાદની તૈયારી હતી. આ યોજના ભલે કારગર સાબિત ના થઈ પણ તેના કારણે પંડિતોને તેમના તરફ આદર છે. આઝાદ પોતાનો પક્ષ બનાવે તો હિંદુઓ તેમને મત આપી શકે એ જોતાં આઝાદ ભાજપને મદદ કરવાના બદલે ભારે પડી જાય એવું બને.
બીજી તરફ જમ્મુ અને કાશ્મીરમાં જેમની સામે આઝાદે લડવાનું છે એ પૈકી ભાજપ જમ્મુમાં જ્યારે મહેબૂબા મુફતી અને ઉમર અબ્દુલ્લા બંને કાશ્મીર ખીણમાં પ્રભાવ ધરાવે છે. મહેબૂબા મુફતી એકદમ આક્રમક અને ઉગ્ર મિજાજ ધરાવતાં નેતા છે. તેમની પાર્ટી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)નો કાશ્મીર ખીણમાં ભારે પ્રભાવ છે. કાશ્મીર ખીણમાં મુસ્લિમોની બહુમતી છે અને મોટા ભાગના મુસ્લિમો ભાજપના કટ્ટર વિરોધી છે. મહેબૂબા પોતાની આ મતબૅંક સાચવવા વિશે બહુ સતર્ક છે, કોઈ પણ ભોગે આ મતબૅંકને સાચવવા મથે છે.
આ મતબૅંકને સાચવવા માટે મહેબૂબા કઈ હદે જઈ શકે તેનો પરચો કૉંગ્રેસને પણ મળેલો છે. બલ્કે ગુલામ નબી આઝાદને જ મળેલો છે કેમ કે આઝાદે અમરનાથ જતા શ્રદ્ધાળુઓ માટે જગા ફાળવી તેના વિરોધમાં પીડીપીએ ટેકો પાછો ખેંચી લીધેલો. આઝાદ મેદાનમાં ઊતર્યા છે ત્યારે પીડીપી અને નેશનલ કોન્ફરન્સ આ મુદ્દો પણ ઉઠાવશે જ. ખીણમાં આ મુદ્દા બહુ કામ કરે ને આઝાદની વિરુદ્ધ જાય એ જોતાં આઝાદ માટે કાશ્મીર ખીણમાં પગપેસારો કરવો મુશ્કેલ છે. આઝાદ બહુ બહુ તો કૉંગ્રેસનો ગરાસ લૂંટી શકે પણ પીડીપી અને નેશનલ કોન્ફરન્સના ગઢમાં ગાબડું પાડી શકે એવી શક્યતા ઓછી છે.
અલબત્ત આઝાદનો રેકોર્ડ જોતાં એ સફળ થાય એ જરૂરી છે કેમ કે કાશ્મીરના મુસ્લિમ નેતાઓમાં આઝાદ જ એવા નેતા છે કે જે સેક્યુલર છે, હિંદુઓને પાછા ખીણમાં લાવી ન શકે તો કંઈ નહીં પણ પ્રયત્ન કરી શકે છે. આઝાદે ભૂતકાળમાં પોતાની આ પ્રતિબદ્ધતા સાબિત કરેલી છે તેથી શંકા ના કરી શકાય. બીજા નેતાઓના ચાવવાના ને બતાવવાના જુદા જુદા છે. એ લોકો બહાર પંડિતો માટે આંસુ સારે છે ને અંદરખાને તેમને ભગાડવા મથે છે એ જોતાં આઝાદ સફળ થાય તો કાશ્મીર ખીણમાં હિંદુઓને વસાવવાની આશા ઊભી થાય. ઉ

 

Google search engine