અનંત ચતુર્દશીમાં ગણપતિ બાપ્પાનું વિસર્જન શા માટે મહત્ત્વનું કહેવાય છે?

ઉત્સવ

ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા

ગણપતિ બાપ્પા મોરયા
મંગલમૂર્તિ મોરયા
ગણપતિ બાપ્પા મોરયા
પુઢચ્યા વર્ષી લવકર યા
ગણપતિ ગેલે ગાવાલા
ચેન પડેના આમ્હાલા…
ખૂબ જૂનો, પણ જાણીતો એવો, ખૂબ માનીતો પ્રસંગ ગણેશ ઉત્સવ… (બીઇંગ અ મહારાષ્ટ્રિયન ગુજરાતી મારા હૃદયની પણ નજીક છે.) એનો અંતિમ દિવસ, અનંત ચતુર્થી. ગણેશ ઉત્સવનો ૧૧મો દિવસ. વિસર્જનનો દિવસ. મહા મોટા ગણપતિ બાપ્પાનો ફાઈનલ વિસર્જનનો દિવસ. અહંકાર, આત્મશ્ર્લાઘા અને આંતરિક અંધકાર, ત્રણેયને વિસર્જિત કરવાનો સમય.
જેમ આપણે હવે મોડર્ન સમયમાં… થર્ટી ફર્સ્ટની ન્યુ યર પાર્ટીમાં શું પહેરીને, ‘આ નવા વર્ષમાં હું મારી ગંદી આદતો દૂર કરી, સારી હેબિટ પાળીશ’ એમ પ્લાન કરીને આપણે આપણામાં રહેલી ખરાબ આદતો કાઢતા હોઈએ છીએ અથવા પ્રોમિસ લેતા હોઈએ છીએ કે હું મારી ખરાબ આદતો વિસર્જિત કરીશ ને સારી વાતો સારી રીતભાતો નવસર્જિત કરીશ. એટલે કે મારી અંદરની ખરાબ વસ્તુ વિસર્જિત કરી એક સારી વસ્તુની આશાસહ આપણે જેમ ન્યુ યર પાર્ટીનાં રિઝોલ્યુશન લેતા હોઈએ છીએને એ જ ક્રિયા – સર્જનનું વિસર્જન ને વિસર્જન પછી નવસર્જન. એટલે પણ એ જ.
ગણેશોત્સવનું સર્વ મોટું ઉદાહરણ એ કે દરેકેદરેક વસ્તુ તમારે વિસર્જિત કરવાની છે. તો સર્વ પ્રથમ જીવિત માણસ તું પહેલાં તારો અહમ વિસર્જિત કરી દે. ‘લાલચ મત કર બંદે. પડ જાયેંગે વાંધે…’ હાહાહાહા.
આ આખા ગણેશ ઉત્સવમાં ગણપતિ બાપ્પાના વિસર્જનની વાત એકદમ મહત્ત્વની શા માટે કહેવાય છે ખબર છે? ગણપતિ બાપ્પાને તમે જેટલા ધામધૂમથી ઘરે બોલાવો, વધાવો, એટલા જ ધામધૂમથી, એટલી જ શ્રદ્ધાથી, એટલી જ મર્યાદાથી, તમારે એમને વિસર્જિત કરવા પડે. એમના ધામ મોકલવા પડે. દેવલોક. સાથે સાથે ઢોલ-નગારાં, ખાનપાન, રસ્તાના પૈસા, ટ્રાવેલિંગ એક્સપેન્સ, કપડાંલત્તા, દીવાદાંડી, બધી વસ્તુ સાથે તેમને જળ સમાધિ આપવી પડે તો તેઓ આપણી સાથે રહ્યા બાદ, આપણું જીવન અધ્યાત્મના રંગે રંગ્યા બાદ, આવનારા સારા દિવસો, તહેવારોના દિવસોના શ્રી ગણેશ માંડતા જાય. માણસોનાં મન ચોખ્ખાં કરતા જાય અને દેવીદેવતાઓના પ્રસંગો રૂપે પૃથ્વી ટ્રિપની શરૂઆત કરતા જાય. સીઝનની ઓપનિંગ સેરિમની કરીને! આપણી વિદાય લઈને એમના દેવલોક શાંતિથી પાછા પોતાના ઘરે જાય. (દેવોનાં પણ સગાંવહાલાં આપણે જને!)
હેં મિત્રો! કદાચ આપણી જેમ, તેઓ પણ પોતાનાં માતા-પિતાને તેમના આપણી સાથે રહેવાના અનુભવની વાતો શેર કરતા હશે? કે મા, પિતાજી, આ વખતે તો ભાઈ સુઘડતા પર ધ્યાન આપવામાં આવ્યું. ચોખ્ખાઈ રાખવાની ટ્રાય કરી, મહામારીના ડરથી. ખાવાની વસ્તુઓમાં ચોખ્ખાઈ રખાઈ એ સારી વાત થઈ, પણ હવે થનારા ખરાબ અનુભવ, હવે વિસર્જન ઉત્સવ પછીની ગંદકીનું શું કરવું કંઈ સમજાતું નથી. પપ્પા (શિવજી) તમે કાંઇક ઉપાય બતાવો. માતે (પાર્વતી)… વિષ્ણુ દેવ અને લક્ષ્મી માતાની પૃથ્વી વિઝિટ પહેલાં (દિવાળી) તમે એક ટ્રિપ કરતાં આવો. પૃથ્વી પર ઉત્સવની સફળતા પછી જન ગણ સંભાળવો થોડોક મુશ્કેલ થઈ જાય છે. માનવો ઉત્સાહિત બહુને માટે. તેમને પણ મારી જેમ માઠાં તરત લાગી જાય છે. તમે જેમ મને, મારી બહેનને અને કાર્તિકેય ભાઈને પ્રેમ, અધ્યાત્મ ને વાત્સલ્યથી બધું સમજાવો છો, તેમ માનવગણને પણ સમજાવી આવો.
માણસો ‘મા’ શબ્દનું ખૂબ માન જાળવે છે. તેઓ તમારી વાત ખૂબ માને છે. માટે નવરાત્રીમાં તમે જઈ આવો અને પવિત્રતા ને આનંદનો અવતાર સમજાવતાં આવજો. દુર્વિચારોનો નાશ કરતાં આવજો. હું શ્રી ગણેશ કરી આવ્યો છું. હવે તમારાં પગલાંની રહ જોવાય છે.
આમ સ્વર્ગમાં ગણપતિ માતા-પિતા અને ભાઈભાંડુંઓ મળીને આપણી જેમ ઓપન માઇન્ડ સાથે વિષયો પર સંવાદ કરતા હશે, બરાબરને મિત્રો! ઈમેજિનેશન કરવાં તો સુંદર જ કરવાં. કહે છેને જ્યાં ન પહોંચે આપણા રવિ ત્યાં પહોંચે કવિ. આ લાઈન એમ ને એમ થોડી કહી છે: મારી માતા કહે કે શબ્દ બહુ જ વિચારીને ખર્ચવા, કારણ કે શબ્દમાં એટલી બધી તાકાત છે જે શાંત (સંત) માણસને અશાંત કરી શકે અને અશાંત માણસને (સંત) શાંત કરી શકે. એટલી બધી શબ્દમાં શક્તિ હોય છે. એટલે વિચારવું તો સારું વિચારવું. બોલવું તો સારું બોલવું. જે બોલાય તે બોલી જવું, પણ સારું બોલવાનો પ્રયત્ન કરવો. અને… ગમે તેટલું કઠિન જીવન મળે, રિયાલિટીમાં જે છે એના કરતાં સારું જીવન જીવવાનો આપણો પ્રયત્ન ને પુરુષાર્થ સારો હોય. એ સિવાય લગભગ જીવનમાં બીજું કશું સત્ય કે સદાય કાઇ વસ્તુઓ રહેવાની ગેરંટી કે આયોજન છે જ નહીં અને હશે જ નહીં. એ આ વિસર્જનનો સંદેશ કે હે મનુષ્ય, કુદરતમાં રહી કૃત્રિમ બનાવવાનો પ્રયત્ન કરીશ તો એ શક્ય નથી બનવાનું.
ભલે તમે એક નાનકડી વસ્તુ દસ વર્ષના પ્રયાસ પછી બનાવી હશે અને ૧૦૦ વર્ષે ચાલી શકે એમ હોય, તો પણ એનું વિસર્જન થવાનું નક્કી જ છે. ફરી પાછું એનું સર્જન અને પાછું જે સર્જન થયું છે એનો વિનાશ થવો નક્કી જ છે. મારી દૃષ્ટિએ તો સંધિ છોડો તો અર્થ વિસર્જનનો એ જ થયો. વિનાશ થઇને ફરી સર્જન. સર્જન થયેલી વસ્તુનો વિનાશ. એ જ પ્રકૃતિનો એકમાત્ર નિરંતર ચાલતો આવતો નિયમ છે. જે આદિ-અનાદિ કાળથી માણસોની કુળ, પ્રથા, પ્રભુતા કે આકાશ-પાતાળ બધું જ એક વસ્તુની ખાતરી લઈને જ યાહોમ થયું છે કે એવરીથિંગ ઈઝ ટેમ્પરરી. દરેકેદરેક વસ્તુનું સર્જન થયું છે એનો વિનાશ નિશ્ર્ચિત છે. એકદમ તાળીઓની લાઇનવાળો ડાયલોગ છેને કે-
જન્મા હૈ ઉસકી મૃત્યુ નિશ્ર્ચિત હૈ.
તૂ આયા હૈ તો તેરા જાના ભી તય હૈ.
ગમે તેટલી મસમોટી મહાન વસ્તુઓની રચના કરશો તો પણ એનો નાશ અને એનો અંત નક્કી છે. ગમે તેટલા મોટા માનસિક રીતે હવાઈ કિલ્લા દુશ્મનીના કે દોસ્તીના બનાવશો, નફરતના કે પ્રેમના બનાવશો, પાવર વાપરશો તો પણ એનો અંત નિશ્ર્ચિત છે. જે થયું છે એનો અંત નિશ્ર્ચિત છે. વહેલો કે મોડો, એ આપણા હાથમાં નથી. એ જ સમયની સરપ્રાઇઝ છે. એ સમયની શક્તિ છે. સર્જિત વસ્તુનું વિસર્જન નિશ્ર્ચિત છે, એમ ખરાબ વસ્તુનો પણ અંત નિશ્ર્ચિત છે. સારી વસ્તુનો પણ અંત નિશ્ર્ચિત છે. જન્મ છે તો મૃત્યુ છે, અહમ છે તો પ્રેમ અને નિર્દોષતા છે જ. પ્રેમ છે તો પ્રેમનો અહમ અને એનું પણ સમાપન છે. તમે આજે બાળક છો. તમે કાલે જવાન થવાના. કાલે જવાના છો. તમે તો વૃદ્ધ થવાના જ છો અને મિત્રો સાચું કહું છું, માત્ર ખરાબ વાતો નહીં, સારી વાતો પણ ભુલાઈ જવાની છે. સમયનો ખેલ છે માટે આ વિસર્જન પરથી આ વખતના બે વર્ષના મોટા મહામારીના ગાળા બાદ જ્યારે ગણપતિ ભગવાને ગલીઓમાં ઉપસ્થિતિ દાખવી છે. એનો અર્થ આપણે માનવજાતિએ લેવો જોઈએ કે દરેકેદરેક દુ:ખનો અંત છે. જેમ દરેકેદરેક સુખનો પણ અંત છે. માત્ર ને માત્ર જો આ વસ્તુ આપણે સમજવાનો પ્રયાસ કરીશું અને આપણામાં વિટંબણાઓને, વિકૃતિઓને વિસર્જિત કરી નાખીશું આ વખતે! તો ખરેખર કહું છું. ગણપતિ બાપ્પા પોતાની સાથે ઘીની મીઠાઈઓ કે સોનાનાં ઘરેણાં લઈ જવા કરતાં આપણા બધાની અંતરની વિકૃતિઓ ને વિડંબણા (આપણે દિલથી જો બાપાને કહી દઈશું તો) તે લઈ જશે. તેમનું તો પેટ એટલું બધું વિશાળ છે કે આપણી બધાની અંદરની વાતો પચાવી લેશે. બધી જ આપણી ગંદકી પોતાની સાથે લઈ જશે અને આપણને હળવાફૂલ કરીને મૂકી દેશે. એવી મારી ગેરંટી છે.
બે વર્ષની મોટી મહામારીના કારણે આખા મહારાષ્ટ્રમાં, આખા વિશ્ર્વમાં, જનસમુદાય સંઘ સાથે ન મળે એટલા માટે લોકડાઉન અને આવી બધી પબ્લિક ઉત્સવોની વસ્તુઓ બંધ કરવામાં આવી હતી. અત્યારે પણ ઘણા બધા ભાગ પડ્યા હશે વિચારોના કે આ સારું, આ ખરાબ. આ થવું જોઈતું નહોતું, આ આમ થવું જોઈતું હતું… એ બધું ચાલતું જ રહેશે. સત્ય એ છે કે બે વર્ષની જુદાઈ પછી બાપાના ભક્તો માટે વિશ્ર્વભરમાં અને ખાસ કરીને આપણા મહારાષ્ટ્રમાં બાપાનું આગમન થયું અને જે જલસાથી ધૂમ મચાવીને નગાડા-ઢોલ-તાશ સાથે, મીઠાઈઓ, લાડુ, મોદક સાથે એકબીજાની સારી ભાવના સાથે, જે આપણો જનસમુદાય ઊમટ્યો અને ગણપતિ બાપ્પાનું વિસર્જન કર્યું. આ વખતે આપણે બધાની ભૂલ માફ કરીને એક જ પ્રાર્થના કરીએ કે હે ગણપતિ બાપ્પા, આ વખતે અમારાં તન-મન-ધનની દરેક ગંદકી કાઢી જજો અને પ્રસન્ન મન, સ્વસ્થ તન અને શુભ લક્ષ્મી, શુભ ધન અમે મેળવી શકીએ એવું પહેલું પગથિયું તો ભરાવજો, પ્લીઝ!
સદીઓથી ચાલતી આવી પ્રથાઓ અને પ્રણાલીઓ છે. સાવ તો હંબગ નહીં જ હોય, અર્થ વગરની નહીં જ હોય અને હવે તો વિશ્ર્વ માની રહ્યું છે કે ભારતીય સંસ્કૃતિઓ, ભારતીય પ્રથા અને સનાતની સંસ્કૃતિ, સનાતન ધર્મનું ચલણ એ સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક રીતે અને સામાજિક રીતે ઉચ્ચતમ કુદરત સાથેનો સંગમ છે. ચાલોને વૈજ્ઞાનિક રીતે આપણે માનીએ, માણીએ, સમજવાનો પ્રયત્ન કરીએ, જાણીએ અને સન્માન આપીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.