કવર સ્ટોરી -રાજીવ પંડિત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો ગાજી રહ્યો છે. વાસ્તવમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ એ પહેલાં જ ભાજપે યુનિફોર્મ સિવિલ કોડ કાર્ડ ખેલી નાખેલું. આ વરસે યોજાયેલી ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપે એલાન કરેલું કે, અમે ફરી ચૂંટાઈશું તો યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરીશું.
હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પતી ગયું છે અને ગુજરાતની સાથે જ મતગણતરી થશે. ભાજપે એકાદ વરસ પહેલાં હિમાચલ પ્રદેશમાં પણ ફરી સત્તામાં આવીશું તો યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરીશું એવી જાહેરાત કરી નાંખી હતી. ગુજરાતમાં પણ ભાજપે એ જ તર્જ પર ફરી સત્તામાં આવીશું યુનિફોર્મ સિવિલ કોડ લાવીશું એવું એલાન કરી નાંખ્યું હતું.
ઉત્તરાખંડમાં ભાજપે સત્તામાં વાપસી પછી યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક ધારો લાગુ કરવા માટેની પ્રક્રિયા નક્કી કરવા સમિતિ બનાવી હતી. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે સમિતિની રચનાની જાહેરાત પહેલાં જ કરી દીધી છે. ચૂંટણીની જાહેરાત પહેલાંની રાજ્ય સરકારની છેલ્લી કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં સમાન નાગરિક ધારો લાગુ કરવાની વાતને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી હતી.
ભાજપે એલાન કર્યું છે કે, ભાજપ જીતીને ફરી સરકાર બનાવશે તો યુનિફોર્મ સિવિલ કોડના અમલ માટે ક્યાં પગલાં લેવાં એ નક્કી કરવા સુપ્રીમ કોર્ટ કે હાઇ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ એક કમિટી બનાવશે. આ સમિતિમાં ત્રણ કે ચાર બંધારણીય અને કાનૂની નિષ્ણાત હશે. સમિતિ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો કે નહીં અને લાગુ કરવો હોય તો કેવી રીતે કરવો તેની ભલામણો કરશે.
ભાજપની જાહેરાતથી યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો ફરી ચર્ચામાં છે. ભારતમાં આ મુદ્દો લાંબા સમયથી ગાજે છે પણ મોટા ભાગનાં લોકોને ખરેખર યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું તેની જ ખબર નથી. આપણું બંધારણ યુનિફોર્મ સિવિલ કોડ વિશે શું કહે છે ને તેનો અમલ કોણ કરી શકે એ વિશે પણ લોકોને બહુ ખબર નથી. રાજકારણીઓ આ મુદ્દો ઉઠાવે ત્યારે લોકો તેની ચર્ચા કરે છે પણ ખરેખર યુનિફોર્મ સિવિલ કોડ લાવવો ભારતમાં શક્ય છે કે નહીં તેની પણ લોકોને ખબર નથી. આ કારણે યુનિફોર્મ સિવિલ કોડ વિશે પાયાની જાણકારી જરૂરી છે.
ભારતના બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડની તરફેણ કરાઈ છે પણ અત્યાર સુધી તેનો અમલ નથી થયો. તેનું કારણ એ છે કે, આપણા બંધારણની બીજી કેટલીક જોગવાઈઓ યુનિફોર્મ સિવિલ કોડના અમલ આડે અવરોધરૂપ છે. યુનિફોર્મ સિવિલ કોડ એટલે દેશના તમામ નાગરિકો માટે અંગત અને સામાજિક બાબતોમાં સમાનતાનો કાયદો. દેશના તમામ નાગરિકો માટે ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય, રંગ, લિંગ કે બીજા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના વ્યક્તિગત અને સામાજિક જીવનને લગતા એકસરખા કાયદા હોય તેને યુનિફોર્મ સિવિલ કોડ કહેવાય.
ભારતમાં વ્યક્તિગત તથા સામાજિક જીવનને લગતા કાયદાની જે વ્યાખ્યા છે તેમાં લગ્ન, વારસાઈ, દામ્પત્યજીવન, ભરણપોષણ, છૂટાછેડા સહિતના મુદ્દા આવી જાય છે. યુનિફોર્મ સિવિલ કોડ હોય તેનો સાદા શબ્દોમાં મતલબ એ થાય કે, લગ્ન, વારસાઈ, દામ્પત્યજીવન, ભરણપોષણ, છૂટાછેડા સહિતના મુદ્દા અંગે દેશના તમામ નાગરિકો માટે એકસરખા કાયદા હોવા જોઈએ. લોકશાહીમાં સમાનતા એ પાયાનો સિદ્ધાંત છે અને યુનિફોર્મ સિવિલ કોડ સમાનતાના સિદ્ધાંત પર બનેલો
કાયદો છે.
આપણા બંધારણમાં કલમ ૧૪ હેઠળ સમાનતાનો સિદ્ધાંત સ્વીકારાયો છે. ભારતના બંધારણમાં સમાનતાનો અધિકાર મૂળભૂત અધિકાર છે. બંધારણની કલમ ૪૪ દેશના તમામ નાગરિકોને એક સમાન અધિકારોની ખાતરી આપે છે. તેના આધારે કલમ ૪૪ હેઠળ સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલની તરફેણ કરાઈ છે. ૧૯૫૬માં સંસદે ઠરાવ કરીને સ્વીકાર કર્યો હતો કે, દેશના તમામ નાગરિકો માટે લગ્ન સહિતની અંગત બાબતોને લગતા કાયદા એકસરખા હોવા જોઈએ. દેશના બંધારણમાં પણ એ સૂચનનો સમાવેશ કરાયો કે, દેશના તમામ નાગરિકો માટે એકસરખા પર્સનલ લો હોવા જોઈએ. આ બંધારણનો માર્ગદર્શક સિદ્ધાંત છે પણ તેનો અમલ કદી ના થયો તેનું કારણ અલગ અલગ પર્સનલ
લો છે.
અમેરિકા, યુ.કે. સહિતના લોકશાહી દેશોમાં તમામ નાગરિકો માટે એકસરખા પર્સનલ લો છે પણ ભારતમાં દરેક ધર્મ અને સમુદાય માટેના અલગ અલગ પર્સનલ લો છે. પર્સનલ લોમાં લગ્ન, છૂટાછેડા, વારસાઈ, દત્તક અને ભરણપોષણ એ પાંચ બાબતોને આવરી લેવાય છે. દરેક ધર્મમાં આ પાંચેય બાબતો માટેના અલગ અલગ નિયમો હોવાથી આ માન્યતા અનુસાર પર્સનલ લો બનાવાયા તેના કારણે ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કદી ના થયો.
ભારતમાં હિંદુઓ, શીખ, જૈન અને બૌદ્ધધર્મીઓ માટે હિંદુ મેરેજ એક્ટ છે. હિંદુ મેરેજ એક્ટ હેઠળ આ ચારેય ધર્મના પુરૂષોને એક જ પત્નીની છૂટ છે. હિંદુ પુરૂષ એક સમયે એક જ પત્ની સાથે રહી શકે. બીજાં લગ્ન કરવાં હોય તો છૂટાછેડા લેવા પડે, પત્ની આત્મનિર્ભર ના હોય તો તેને ભરણપોષણ પણ આપવું પડે. જો કે હિંદુઓના આદિવાસી સહિતના ઘણા સમુદાયોને આ હિંદુ મેરેજ એક્ટ લાગુ પડતો નથી. તેમના માટેના કાયદા હિંદુઓથી સાવ અલગ છે ને ઘણા કાયદા અન્ય ધર્મનાં લોકો જેવા છે. ગુજરાતના આદિવાસી પુરૂષોને મુસ્લિમ પુરૂષોની જેમ એક સાથે ચાર પત્ની રાખવા સુધીની છૂટ મળેલી છે એ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
મુસ્લિમોને અંગત બાબતોમાં મુસ્લિમ પર્સનલ લો લાગુ છે. મુસ્લિમ પર્સનલ લો હેઠળ મુસ્લિમ પુરૂષને એક સાથે ચાર પત્ની રાખવાની છૂટ છે, મુસ્લિમ પુરૂષ પહેલાં ટ્રિપલ તલાક બોલીને પત્નીને છૂટાછેડા આપી શકતો અને તલાક અપાય તો ભરણપોષણ નહીં આપવામાંથી પણ તેને મુક્તિ મળતી. ટ્રિપલ તલાકનો કાયદો નાબૂદ થયો પણ બીજા બધા કાયદા હજુ અમલમાં છે જ.
હવ યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરવો હોય તો હિંદુ મેરેજ એક્ટ અને તમામ પર્સનલ લો નાબૂદ કરવા પડે. ભારતના બંધારણમાં કલમ ૨૫ લઘુમતીઓને તેમની ધાર્મિક માન્યતા પ્રમાણે જીવવાની છૂટ છે. બંધારણની કલમ ૨૫થી ૨૮ હેઠળ દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર અપાયેલો છે. ધાર્મિક સમુદાયોને પોતાને લગતી બાબતો અંગે નિર્ણયો લેવાની છૂટ છે. આ જોગવાઈના કારણે પર્સનલ લો નાબૂદ ના થઈ શકે તેથી આ પર્સનલ લો નાબૂદ કરવા અઘરા છે.
યુનિફોર્મ સિવિલ કોડ નથી નથી સમાનતાના સિદ્ધાંતનો ભંગ થાય છે. યુનિફોર્મ સિવિલ કોડ આવે તો લઘુમતીઓને મળેલા અધિકારોનો ભંગ થાય છે. આ વિરોધાભાસના કારણે યુનિફોર્મ સિવિલ કોડ લાવી શકાતો નથી.
રસપ્રદ વાત એ છે કે, ભારતમાં બંધારણનું અર્થઘટન કરવા માટે સર્વોચ્ચ મનાતી સુપ્રીમ કોર્ટ પણ યુનિફોર્મ સિવિલ કોડની તરફેણ કરી ચૂકી છે. સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર ૨૦૧૫માં ભારપૂર્વક યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરવાની તાકીદ કરેલી. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહેલું કે, દેશમાં દરેક ધર્મના લોકો માટે અલગ અલગ કાયદા હોય એ ના ચાલે. સુપ્રીમ કોર્ટે ચીમકી આપી હતી કે, સરકાર યુનિફોર્મ સિવિલ કોડનો અમલ નહીં કરે તો પોતે ફરમાન કરીને યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરાવવો પડશે. કમનસીબે સુપ્રીમ કોર્ટે આ ચીમકીનો અમલ ના કર્યો. ૨૦૧૯માં પણ સુપ્રીમ કોર્ટે યુનિફોર્મ સિવિલ કોડની તરફેણ કરી હતી પણ પછી કશું ના થયું.
ભારતમાં ગોવા એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં છે. ગોવામાં મુસ્લિમ પુરૂષને એક સાથે ચાર પત્ની રાખવાની છૂટ નથી કે બીજી કોઈ વિશેષ છૂટ નથી. હિંદુ સહિત બીજા ધર્મનાં લોકોને જે કાયદા લાગુ પડે એ મુસ્લિમોને પણ લાગુ પડે છે. તમામ ધર્મ, સંપ્રદાય, સમુદાયનાં લોકો માટે એકસમાન કાયદો છે. આ કાયદો પોર્ટુગીઝ સરકારે બનાવેલો. ગોવા ભારતમાં ભળ્યું પછી એ કાયદો અમલમાં રહ્યો તેના કારણે યુનિફોર્મ સિવિલ કોડ છે, બાકી આપણી સરકારોએ તો કશું કર્યું નથી.
હવે ભાજપે આ મુદ્દો ઉપાડ્યો છે તો આશા રાખીએ કે ભાજપ ગણતરીનાં રાજ્યોના બદલે સમગ્ર દેશમાં આ કાયદો લાગુ કરે. બંધારણીય નિષ્ણાતોનું માનવું છે કે, રાજ્ય સરકારો પાસે યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરવાનો અધિકાર જ નથી. આ કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્ર હેઠળ આવતી બાબત છે, તેમાં રાજ્ય સરકારનું કંઈ ના ચાલે. જે રીતે ટ્રિપલ તલાકની નાબૂદીનો કાયદો સંસદે પસાર કરેલો એ રીતે યુનિફોર્મ સિવિલ કોડ માટે સંસદમાં કાયદો પસાર કરવો પડે.
ભાજપે એ કામ કરવું જોઈએ.
રાજ્યોની ચૂંટણી આવે ત્યારે આ મુદ્દો ઉખેળવાને બદલે સંસદમાં કાયદો પસાર કરાવીને કાયમ માટે આ વિવાદનો ઉકેલ લાવી દેવો જોઈએ.