મંદિર વિશ્ર્વ -પ્રથમેશ મહેતા
ભારતના સૌથી ધનિક ભગવાનની જયારે વાત આવે ત્યારે શ્રી તિરુપતિ બાલાજીની વાત અચૂક આવે. પણ એ ભગવાનની સાચી ઓળખ નથી. શ્રી તિરુપતિ બાલાજી પ્રત્યે લોકોની શ્રદ્ધા અને ભક્તિ અપાર છે. તેમની માનતા માનેલી હોય તે અવશ્ય પૂરી થાય તેવી શ્રદ્ધા રાખનાર માત્ર ભારતમાં જ નહીં વિશ્ર્વભરમાં ફેલાયેલા લાખો લોકો છે. સાવ સાધારણ વ્યક્તિથી લઈને, ખેલાડીઓ, કલાકારો અને નેતાઓ પણ વાર તહેવારે તેમના શ્રી ચરણે શીશ ઝુકાવવા પહોંચી જાય છે. પણ તિરુપતિની સૌથી અનોખી પરંપરા એટલે ત્યાં જઈને મુંડન કરાવવાની. શા માટે ભક્તો તેમના ચરણે પોતાના વાળનું દાન કરે છે? ચાલો જાણીએ.
આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુમાલા પહાડીઓ ઉપર ભગવાન વિષ્ણુની શ્રી વેંકટેશ્વરના સ્વરૂપમાં આરાધના થાય છે. ભગવાન વેંકટેશ્વર પોતાના પત્ની પદ્માવતી (માતા લક્ષ્મી) સાથે તિરુમાલામાં વાસ કરે છે. તિરૂપતિ બાલાજી મંદિર સાથે જોડાયેલી બે કથાઓ પ્રચલિત છે. પહેલી કથા ભગવાન વિષ્ણુના શ્રી વરાહ અવતાર સાથે જોડાયેલી છે, અને બીજી કથા માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના શ્રી વેંકટેશ્વર સ્વરૂપ સાથે જોડાયેલી છે.
પ્રથમ કથા
કહેવાય છે કે આદિ કાળમાં એક વખત સમગ્ર પૃથ્વી જળમય થઇ ગઈ હતી. ક્યાંય પગ મૂકવાની જગા બચી નહોતી. આવું થવા પાછળનું કારણ એટલે આત્યંતિક અગ્નિને રોકવા પવન દેવે પોતાની ગતિ તીવ્ર કરી નાખી હતી. પવનના વેગથી વાદળો ફાટી ગયાં અને અતિવૃષ્ટિ થઇ. તેને કારણે સમગ્ર પૃથ્વી જળમગ્ન થઇ ગઈ. આ અવસ્થાને કારણે પૃથ્વી પર જીવન સામે સંકટ ખડું થયું. તે સમય પૃથ્વી ઉપર પુન: જીવનનો સંચાર કરવા ભગવાન વિષ્ણુએ આદિ વરાહ અવતાર ધારણ કર્યો.
જળસમાધિ લીધેલ પૃથ્વીને ઉપર લાવવા આદિ વરાહે પોતાના દંતનો ઉપયોગ કરીને પૃથ્વીને ખેંચી લીધી. તે પછી બ્રહ્માજીના યોગબળથી પૃથ્વી ઉપર ફરીથી જીવોનો વાસ થયો. આ ઘટના પશ્ર્ચાત બ્રહ્માજીના અનુરોધને વશ ભગવાન વિષ્ણુએ પોતાની અર્ધાંગના (ચતુર્ભુજ ભૂદેવી) સાથે ‘ક્રીદચલા વિમના’ ઉપર વાસ કર્યો અને લોકોને ધ્યાન યોગ અને કર્મ યોગનું જ્ઞાન તેમજ વરદાન આપવાનો નિર્ણય કર્યો.
બીજી કથા
કળિયુગનો પ્રારંભ થતાં જ આદિ વરાહ વેંકટાદ્રિ પર્વત છોડીને સ્વસ્થાને, પોતાના લોકમાં પરત ફર્યા. આ બાજુ બ્રહ્માજી ચિંતિત રહેવા લાગ્યા અને નારદજીને વિનંતી કરી કે લોક કલ્યાણ માટે ભગવાન વિષ્ણુને ફરી પૃથ્વી પર પોતાનું સ્થાન લેવા સમજાવે. નારદજી એક વખત ભ્રમણ કરતાં કરતાં ગંગા તટ ઉપર ગયા, જ્યાં ઋષિઓ એ વાતે અસમંજસમાં હતાં કે પોતાના યજ્ઞનું ફળ ત્રિદેવોમાંથી કોને મળશે. તેમની શંકાનું સમાધાન કરવાનું કાર્ય નારદજીએ મહર્ષિ ભૃગુને સોંપ્યું. ભૃગુ ઋષિ સર્વ દેવતાઓ પાસે ગયા. પરંતુ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુએ તેમની વાત ઉપર ધ્યાન ન આપ્યું, જેનાથી તેઓ ક્રોધિત થઇ ગયા. ક્રોધાવસ્થામાં મહર્ષિ ભૃગુએ ભગવાન વિષ્ણુની છાતી ઉપર લાત મારી. તેમ છતાં ભગવાન વિષ્ણુએ ઋષિના પગ દબાવ્યા, એ વિચારથી કે ક્યાંક તેમના પગમાં દુખાવો ન થઇ ગયો હોય. આ જોઈને ઋષિ ભૃગુએ સર્વ ઋષિઓને ઉત્તર આપ્યો કે તેમના યજ્ઞનું ફળ હંમેશા ભગવાન વિષ્ણુને સમર્પિત થશે.
પરંતુ ઋષિએ ભગવાન વિષ્ણુની છાતી ઉપર લાત મારી તેનાથી લક્ષ્મીજી ક્રોધિત થઇ ગયા. પોતાના પતિનું અપમાન તેમનાથી સહન થયું નહીં. તેઓ ઇચ્છતા હતાં કે ભગવાન ઋષિને દંડ આપે, પણ એવું થયું નહીં. પરિણામે તેમણે વૈકુંઠનો ત્યાગ કર્યો અને તપશ્ર્ચર્યા કરવા પૃથ્વી ઉપર આવી ગયા અને કરવીરાપુરા (કોલ્હાપુર)માં ધ્યાન મગ્ન થયાં.
આ તરફ ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મીના વિયોગથી દુ:ખી હતાં. થોડો સમય બાદ તેઓ પણ પૃથ્વી ઉપર આવી માતા લક્ષ્મીને ગોતવા લાગ્યા. અનેક જંગલો અને પહાડો ઉપર ગોતવા છતાં માતા લક્ષ્મીને ગોતવામાં તેઓ અસમર્થ રહ્યાં. આ જોઈ, બ્રહ્માજીએ તેમની મદદ કરવાનો નિર્ણય કર્યો. તેઓ ગાય અને વાછરડાનું સ્વરૂપ લઈને માતા લક્ષ્મી પાસે આવ્યા.
લક્ષ્મીજીએ તેમને જોયાં અને તે વખતના સત્તાધીશ ચોલા રાજાને સોંપી દીધા. રાજાએ તેમને ગોવાળોને સોંપી દીધા. પરંતુ ગાય માત્ર ભગવાન વિષ્ણુના સ્વરૂપ શ્રીનિવાસ સિવાય કોઈને દૂધ આપતી નહોતી. આ જોઈને ગોવાળે ગાયને મારવાનો પ્રયત્ન કર્યો. ત્યારે ભગવાન શ્રીનિવાસે ગોવાળ ઉપર હુમલો કરી ગાયને બચાવી અને ચોલા રાજાને રાક્ષસના રૂપમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો. રાજાએ દયાની પ્રાર્થના કરી ત્યારે ભગવાન શ્રીનિવાસે કહ્યું કે દયા
ત્યારે જ મળશે જયારે પોતાની દીકરી પદ્માવતીના વિવાહ મારી સાથે કરે.
આ વાતની જાણ દેવી લક્ષ્મી (પદ્માવતી)ને થતાં તેઓ ત્યાં આવ્યા અને તેમણે ભગવાનને ઓળખી લીધાં. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી એકમેકને ભેટી પાડ્યા અને પછી તેમનું સ્વરૂપ પથ્થરની મૂર્તિમાં પરિવર્તિત થઇ ગયું. તે પછી બ્રહ્માજી અને શિવજીએ હસ્તક્ષેપ કરીને લોકોને આ અવતારના ઉદ્દેશ્યની જાણકારી આપી. કહે છે કે કોઈ કાળમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુએ વેંકટેશ્વર સ્વામીના રૂપે અવતાર લીધો હતો. એવું પણ કહેવાય છે કે કળિયુગના કષ્ટોથી લોકોને તારવા તેમણે અવતાર લીધો હતો. તેથી જ આ રૂપમાં માતા લક્ષ્મી પણ સમાહિત છે. તેથી અહીં બાલાજીને સ્ત્રી અને પુરુષ બંનેના વસ્ત્રો પહેરાવવાની પરંપરા છે. બાલાજીને પ્રતિદિન નીચે ધોતી અને ઉપર સાડીથી શ્રુંગાર કરાય છે.
તિરુપતિમાં વાળ કેમ દાન કરાય છે?
વાળ દાન પાછળ એવું કારણ મનાય છે કે ભગવાન વેંકટેશ્વર કુબેર પાસેથી લીધેલું ઋણ ચૂકવે છે. કથા અનુસાર જયારે ભગવાન વેંકટેશ્વરના પદ્માવતી સાથે વિવાહ થયા હતાં ત્યારે પરંપરા અનુસાર વર દ્વારા ક્ધયાના પરિવારને એક પ્રકારે શુલ્ક આપવું પડતું હતું, પરંતુ ભગવાન વેંકટેશ્વર એ શુલ્ક આપવા અસમર્થ હતા, તેથી કુબેર દેવ પાસેથી ઋણ લઈને પદ્માવતી સાથે લગ્ન કર્યા અને વચન આપ્યું કે કળિયુગના અંત સુધી તેઓ કુબેરનું બધુંજ ઋણ ચૂકવી દેશે.
તેમણે લક્ષ્મી દેવીને એક વચન આપ્યું કે જે કોઈ ભક્ત તેમને આ ઋણ ચૂકવવામાં મદદ કરશે તેમને માતા લક્ષ્મી તેનું દસ ગણું ધન પ્રદાન કરશે. તે કારણે તિરૂપતિ જતાં શ્રદ્ધાળુઓ વાળ અર્પણ કરીને ભગવાન વિષ્ણુનું ઋણ ચુકવવામાં મદદ કરે છે.