ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર ૧૭ બેઠક જ મળી હતી. અતિ શરમજનક અથવા દયનીય હાલતમાં કોંગ્રેસ જેવી રાષ્ટ્રીય પાર્ટી મૂકાય તે હજુ ઘણાને માન્યામાં આવતું નથી. કોંગ્રેસને વિરોધપક્ષનું સ્થાન મળે તેટલી પણ બેઠક મળી નથી, છતાં ભાજપ સરકાર તેમને વિરોધપક્ષનું સ્થાન આપી રહી છે, પરંતુ કોંગ્રેસ પક્ષમાં ચાલતી અવ્યવસ્થા કહો કે ખેંચતાણ, હજુ સુધી તેમણે વિરોધપક્ષના નેતાનું નામ નક્કી કર્યું નથી. આથી સિચવાલયે તેમને પત્ર લખી ૧૯ જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે અને વિધાનસભાના વિરોધપક્ષના નેતાનું નામ જણાવવા કહ્યું છે.
આ વાત પ્રદેશાધ્યક્ષ જગદીશ ઠાકુરે દિલ્હી પહોંચાડી હોવાનું જાણવા મળ્યું છે.
ચૂંટણી બાદ કોંગ્રેસે બેઠકો તો યોજી, પણ તેમાં વિરોધપક્ષના નેતાનું નામ નક્કી ન થઈ શક્યું. બીજી બાજુ પક્ષે એક સમિતિ રચી છે જે ગુજરાતમાં થયેલી કારમી હારના કારણો શોધી અહેવાલ દિલ્હી ખાતે હાઈ કમાન્ડને સોંપશે. આવી હુંસાતૂંસી અને અનિર્ણાયક નેતાગીરી બાદ કોંગ્રેસેને બીજા કયા કારણોની જરૂર છે, તેવો ગણગણાટ પક્ષમાં થઈ રહ્યો છે.
કોંગ્રેસનો એક વર્ગ સમિતીનાં નાટકો બંધ કરવાના બદલે નક્કર તામ કરવાની તરફેણ કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે, ૧૯૯૯માં લોકસભામાં હાર પછી સોનિયા ગાંધીએ પહેલી વાર સમિતિ બનાવી ત્યારથી આ નાટક ચાલે છે.
૧૯૯૯માં બનાવેલી ૧૧ સભ્યોની સમિતિ એ.કે. એન્ટનીના પ્રમુખસ્થાને બનાવાયેલી પણ તેનો અહેવાલ કદી જાહેર જ ન કરાયો. એન્ટનીને ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા હાર બાદ પણ કારણ શોધવાની જવાબદારી સોંપાઈ હતી પણ કશું થયું નથી. ૨૦૨૧માં અસમ, કેરળ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીની હાર બાદ પણ સમિતિ બનાવવામાં આવી હતી. આ બધી સમિતીઓ છતાં કોંગ્રેસ હાર્યા કરે છે તેનો અર્થ એ કે, સમિતીનો અર્થ નથી.
એક તરફ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પકક્ડ જમાવી રહી છે ત્યારે બીજી બાજુ દરેક રાજ્યમાં જોવા મળતો જૂથવાદ પક્ષને કોતરી રહ્યો છે, પરંતુ આ વાતને જોઈએ તેટલી ગંભીરતાથી લેવામાં આવતી નથી.