વિધાનસભાના શિયાળુ સત્રમાં કોંગ્રેસે રાજ્ય સરકારને ઘણે મામલે ઘેરી છે. આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ વીજળીની બાબતમાં સરકાર કઈ રીતે ખાનગી કંપનીઓને ફાયદો કરવા સરકારી એકમો બંધ રાખે છે અને લોકો પર વધારે બોજ નાખે છે તે મામલે આક્ષેપો કર્યા હતા.
રાજ્ય સરકાર ખાનગી કંપનીઓને લાભ મળે તે માટે પોતાના પાવર સ્ટેશન બંધ રાખી ખાનગી કંપનીઓ પાસેથી અબજો રૂપિયામાં વીજળી ખરીદતી હોવાનો કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, સરકાર પાસે પોતાના પબ્લિક સેક્ટર યુનિટના 16 પાવર સ્ટેશન છે. જેમાંથી સાત સંપૂર્ણ બંધ છે અને 9 પાવર સ્ટેશન માત્ર 50 ટકા કેપેસિટીમાં ચાલે છે. ત્યારે સરકાર પોતાના પાવર સ્ટેશન યુનિટ બંધ રાખી ખાનગી કંપની પાસેથી ઊંચા દરે વીજળી ખરીદે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રાજ્ય, કેન્દ્ર અને ખાનગી કંપનીઓ મળીને કુલ 21114 મેગાવોટનું વીજ ઉત્પાદન થાય છે જે પૈકી માત્ર 6070 મેગાવોટ વીજળી રાજ્ય હસ્તકના વીજ મથકો પેદા કરી રહ્યાં છે. રાજ્ય ઉપર ખાનગી વીજળીનું ભારણ વધતું જાય છે. છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર અને ખાનગી કંપનીઓએ વીજ ઉત્પાદન ક્ષમતામાં 5535 મેગાવોટનો વધારો કર્યો છે પરંતુ રાજ્ય હસ્તકના વીજમથકોમાં શૂન્ય ટકા વધારો થયો છે. ગુજરાતમા વીજળી ઘણી મોંઘી છે અને ખેડૂતો સહિત તમામ વર્ગ ત્રસ્ત છે.
રસિયો રૂપાળો…ખેડૂતોએ જવાબ આપ્યો વીજ કર્મચારીઓને
રસિયો રૂપાળો લાઈટબિલ ભરતો નથી…ગુજરાત રાજ્ય વીજ કંપનીના પાટણના એક કર્મચારીનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. જેમાં તેઓ ગામના લોકોને વીજબિલ ભરવા વિનવી રહ્યા હતા. તેમણે રસિયો રૂપાળો રંગરેલિયો લાઈટબિલ ભરતો નથી…જેવા શબ્દો ગાયા હતા. આનો જવાબ અમુક ગામજનોએ આપ્યો હતો જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
એક ખેડૂતે જણાવ્યું હતું કે બે રૂપિયા ડુંગરીના ભાવ આવે છે એટલે રસિયો રૂપાળો બિલ ભરતો નથી. જ્યારે બીજાએ કહ્યું હતું કે ઘરમાં માત્ર એક ઝીરોનો બલ્બ છે, ફ્રીજ નથી, ટીવી નથી તો પણ બિલ આઠસો રૂપિયા આવે છે એટલે તે લાઈટબિલ નથી ભરતો.
ગુજરાતમાં વીજળીના દરોને લઈને ગઈ વિધાનસભાની ચૂંટણીમા પણ ભારે આક્ષેપો થયા હતા. જોકે વધારે વીજબિલ સાથે હજુ ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી તે પણ હકીકત છે ત્યારે ગુજરાત સરકારે આ મામલે ગંભીરતાથી વિચારી પગલાં લેવા જોઈએ, તેમ લોકો કહી રહ્યા છે.