આપણે કોઈ પણ વસ્તુ તૂટી જાય કે ફૂટી જાય તો તેને ચોંટાડવા માટે ગ્લૂ, ગુંદર કે ફેવિકોલની મદદ લઈએ છીએ. અરે કોઈ કાગળ ફાટી જાય તો એને ચોંટાડવાનું કામ પણ આ ગ્લૂ કરે છે.
આપણે બધાએ જ આપણા જીવનમાં અનેક વખત ગ્લૂનો ઉપયોગ કર્યો જ હશે, પણ તેનો ઉપયોગ કરતી વખતે ક્યારેય મગજમાં એવો વિચાર આવ્યો છે કે બધી વસ્તુઓને ચોંટાડવા માટે સક્ષમ એવું આ ગ્લૂ એની બોટલમાં કેમ નથી ચોંટી જતું? કદાચ નહીંને? બટ ડોન્ટ વરી આજે અમે આ સવાલનો જવાબ લઈને આવ્યા છીએ અને આ લેખના અંત સુધીમાં પહોંચતા પહોંચતા તમને ખ્યાલ આવી જ જશે કે તૂટેલી વસ્તુ કે કાગળને ચોંટાડતું ગ્લૂ એની બોટલ સાથે કેમ નથી ચોંટતું.
વાત જાણે એમ છે કે ગ્લૂ પોલિમર નામના એક રસાયણથી તૈયાર કરવામાં આવે છે. પોલિમર એ સ્ટ્રેન્ડ છે, જે ચિકણું અને ખેંચી શકાય એવું હોય છે. આ પોલિમરમાં પાણી ઉમેરીને તેને પ્રવાહી સ્વરૂપમાં તૈયાર કરવામાં આવે છે. પાણી સાથે મિક્સ થઈને પોલિમર એ લિક્વિડ સ્ટેજમાં આવે છે, જે ગ્લૂને સૂકાવવા નથી દેતું.
હવે તમે જ્યારે કોઈ પણ વસ્તુને ચોંટાડવા માટે ગ્લૂને બહાર કાઢો છો એટલે આ ગ્લૂ હવાના સંપર્કમાં આવે છે. જેને કારણે ગ્લૂમાં રહેલાં પાણીનું બાષ્પીભવન થઈ જાય છે અને બાકી રહી જાય છે માત્ર પોલિમર. પાણી વિના આ પોલિમર ફરી એક વખત ચિકણું અને સ્ટીકી થઈ જાય છે. બોટલ જ્યાં સુધી બંધ રહે છે ત્યાં સુધી ગ્લૂ તેમાં પ્રવાહી સ્વરૂપમાં જળવાઈ રહી છે અને બોટલમાં ચોંટી જતું નથી.
જેવું બોટલ ખૂલે છે અને હવાના સંપર્કમાં આવે છે એટલે ગ્લૂની અંદર રહેલા પાણીનું બાષ્પીભવન થઈ જાય છે અને ગ્લૂ બોટલની અંદર ચોંટી જાય છે અને તે જામવા લાગે છે.
બોટલની અંદર ગ્લૂ કેમ નથી ચોંટતું એનું કારણ જાણીને ચોક્કસ તમારી ઉત્સુક્તા સંતોષાઈ હશે અને જ્યારે હવે તમને કોઈ આ બાબતે સવાલ પૂછશે તો તમે આ કારણ જણાવીને એના જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ કરી શકશો.