એક તરફ ગુજરાત સરકાર ખેડૂતોને ટેકાના ભાવ આપ્યાની મોટી જાહેરાતો કરે ચે ત્યારે બીજી બાજુ ખેડૂતો રાતે પાણીએ રોવે છે. ખેડૂતોને પાકના ભાવ મળી રહ્યાં નથી. આણંદ જિલ્લામાં કોબીજની ખેતી કરનારા ખેડૂતો પાયમાલ બની ગયા છે. રૂપિયાના ભાવે કોબીજ વેચવા ખેડૂતો મજબૂર બન્યા છે. કોબીજનો યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતો ખોટની ખેતી કરી રહ્યાં છે. ખેડૂતો એવા કંટાળ્યા છે કે કોબીજના ખેતરોમાં પશુઓ ચરવા છૂટા મૂક્યા છે.
આ જ સ્થિતિ રાજકોટની છે. પાંચ રૂપિયામાં તમને બીજું કંઈ ન મળે પરંતુ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં 5 રૂપિયામાં એક કિલો લસણ મળી રહ્યું છે, આવી ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોએ ફરિયાદ કરી કે લસણના કિલોના ભાવ 5થી 8 રૂપિયા બોલાઈ રહ્યા છે. જ્યારે મણ લસણ તૈયાર કરતાં 500 રૂપિયાનો ખર્ચ થાય છે. મણના ભાવ 100થી 150 રૂપિયા મળતાં ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ નીકળતો નથી ત્યારે ખેડૂતોએ સરકારને અપીલ કરી છે કે લસણના પોષણક્ષમ ભાવ મળે. નહીં તો ખેડૂતોએ રાતા પાણીને રોવાનો વારો આવશે.
આ તો ફક્ત બે પાકની વાત થઈ. થોડા દિવસ પહેલાં જ સરકાર મસમોટા ટેકાના ભાવની ભલામણો કરતી જાહેરાતો કરી હતી. ખરી વાસ્તવિકતા એ છે કે ખેડૂતોને પાકના ભાવ મળી રહ્યાં નથી. સરકાર ફક્ત કાગળો પર કૃષિ વિકાસનું ગુલાબી ચિત્ર બતાવી રહી છે પણ વાસ્તવિકતા અલગ છે. આ ખેડૂતોની હાલત ખરાબ બની ગઈ છે અને સરકાર આંખે પાટા બાંધીને બેઠી છે, તેવી હૈયાવરાળ પણ ખેડૂતો ઠાલવી રહ્યા છે.
કેમ કોબીના ખેડૂતોએ ખેતરોમાં પશુઓ ચરવા મૂકી દીધા?
RELATED ARTICLES