Homeએકસ્ટ્રા અફેરભાજપ આખા દેશમાં સમાન સિવિલ કોડ કેમ નથી લાવતો?

ભાજપ આખા દેશમાં સમાન સિવિલ કોડ કેમ નથી લાવતો?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો ગાજી રહ્યો છે. ગુજરાતમાં આ વખતે ભાજપના સેનાપતિ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ છે ને ભાજપની કમાન સંપૂર્ણપણે અમિત શાહના હાથમાં છે. સામાન્ય રીતે શાહ મીડિયાને પોતાની પાસે ફરકવા દેતા નથી પણ અત્યારે ગરજ છે એટલે એક પછી એક ચેનલને ઈન્ટરવ્યૂ આપી રહ્યા છે. આ ઈન્ટરવ્યૂમાં શાહ ગુજરાતમાં ૨૭ વર્ષના શાસનમાં કરેલ વિકાસની વાત તો કરે જ છે પણ યુનિફોર્મ સિવિલ કોડની વાત પર પણ સતત ભાર મૂકે છે.
વાસ્તવમાં શાહે ચૂંટણીની જાહેરાત પહેલાં જ આ મુદ્દાને ગાજતો કરી દીધેલો. કેન્દ્રીય ચૂંટણીપંચે ચૂંટણીની જાહેરાત કરી એ પહેલાં જ ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકારે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક ધારો લાગુ કરવા માટે સમિતિની રચનાની જાહેરાત કરી નાખી હતી. ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા અમલી થાય એટલે સરકાર નીતિવિષયક કે ચૂંટણીને અસર કરે એવા નિર્ણયો ના લઈ શકે. આ કારણે ભાજપ સરકારે ચૂંટણીની જાહેરાત પહેલાંની રાજ્ય સરકારની છેલ્લી કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં સમાન નાગરિક ધારો લાગુ કરવાની વાતને સૈધ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી.
ભાજપે એલાન કર્યું હતું કે, ગુજરાતમાં ભાજપ જીતીને ફરી સરકાર બનાવશે તો રાજ્યમાં સમાન નાગરિક ધારો લાગુ કરાશે. યુનિફોર્મ સિવિલ કોડના અમલ માટે કયાં પગલાં લેવાં એ નક્કી કરવા સરકાર સુપ્રીમ કોર્ટ કે હાઇ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ એક કમિટી બનાવશે. આ સમિતિમાં ત્રણ કે ચાર બંધારણીય અને કાનૂની નિષ્ણાત હશે. આ સમિતિ ગુજરાતમાં સમાન નાગરિક ધારો લાગુ કરવો કે નહીં અને લાગુ કરવો તો કેવી રીતે કરવો તેની ભલામણો સરકારને કરશે. દરમિયાનમાં ચૂંટણીની જાહેરાત થઈ જતાં હજુ સમિતિ રચાઈ નથી પણ ભાજપ આ મુદ્દે મચી પડ્યો છે.
ભાજપમાં આ વખતે કૉંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. કૉંગ્રેસ યુનિફોર્મ સિવિલ કોડની તરફેણમાં નથી પણ આમ આદમી પાર્ટી તરફેણમાં છે. જો કે આમ આદમી પાર્ટીએ સવાલ કર્યો છે કે, ભાજપ યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માંગતો હોય તો સમગ્ર દેશમાં કેમ નથી લાવતો ? મીડિયા દ્વારા પણ શાહને આ સવાલ કરાય છે ને તેનો શાહ પાસે સ્પષ્ટ જવાબ નથી. આ કારણે ભાજપ ખરેખર યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માગે છે કે પછી લોકોને રમાડે છે એ સવાલ થઈ રહ્યો છે.
ભાજપનો ઈતિહાસ જોતાં ચૂંટણી વખતે લોકોને ફોસલાવવા આ જાહેરાત કરાઈ હોવાની શક્યતા વધારે છે. ભાજપે આ વરસે જ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની ભાજપ શાસિત રાજ્ય સરકારોએ વિધાનસભાની ચૂંટણી પહેલાં આ કાયદો લાગુ કરવાની જાહેરાત કરી હતી પણ હજુ કર્યો નથી. ઉત્તર પ્રદેશમાં તો ૨૦૧૭માં એટલે કે પાંચ વર્ષ પહેલાં ભાજપે યુનિફોર્મ સિવિલ કોડનું કાર્ડ ખેલ્યું હતું. ૨૦૧૭માં યુપીમાં ચૂંટણીની જાહેરાત નહોતી થઈ તેના બહુ પહેલાં મોદી યુનિફોર્મ સિવિલ કોડની વાત કરીને એ વાત પર સતત ભાર મૂકતા હતા કે, ટ્રિપલ તલાકની વાહિયાત પ્રથા નાબૂદ કરવી જોઈએ અને દેશના તમામ નાગરિકોને સમાન હક આપતો યુનિફોર્મ સિવિલ કોડ દેશમાં અમલી બનવો જોઈએ.
હિમાચલ પ્રદેશમાં એકાદ વરસ પહેલાં આ જાહેરાત કરાઈ હતી. ભાજપની સરકારો દ્વારા આ ત્રણેય રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડ માટે સમિતિઓ બનાવાઈ પણ ત્રણમાંથી એક પણ ભાજપ શાસિત રાજ્યે આ કાયદાનો અમલ કર્યો નથી, માત્ર યુનિફોર્મ સિવિલ કોડનું ગાજર લટકાવી રાખ્યું છે. યુપીમાં તો બીજી વાર ભાજપની સરકાર આવી ગઈ પણ યુનિફોર્મ સિવિલ કોડનું ગાજર હજુ લટકેલું જ છે.
શાહનો દાવો છે કે, રાજ્ય સરકારો ઈચ્છે તો યુનિફોર્મ સિવિલ કોડ લાવી શકે પણ બંધારણીય નિષ્ણાતોનું માનવું છે કે, રાજ્ય સરકારો પાસે યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરવાનો અધિકાર જ નથી. આ કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્ર હેઠળ આવતી બાબત છે, તેમાં રાજ્ય સરકારનું કંઈ ના ચાલે. ભાજપને આ વાતની ખબર ના હોય એ શક્ય નથી. છતાં ભાજપ યુનિફોર્મ સિવિલ કોડની વાત કરે છે. આ વાતો કરવાના બદલે ભાજપે સંસદમાં તેને લગતો કાયદો લાવવો જોઈએ પણ ભાજપ એ કરતો નથી તેથી શંકા જાગે છે.
યુનિફોર્મ સિવિલ કોડ દેશના હિતમાં છે એ કહેવાની જરૂર નથી. યુનિફોર્મ સિવિલ કોડ બંધારણીય જોગવાઈ છે. દેશના તમામ નાગરિકો માટે ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય, રંગ, લિંગ કે બીજા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના વ્યક્તિગત અને સામાજિક જીવનને લગતા એકસરખા કાયદા હોય તેને યુનિફોર્મ સિવિલ કોડ કહેવાય. વ્યક્તિગત તથા સામાજિક જીવનમાં લગ્ન, વારસાઈ, દામ્પત્યજીવન સહિતના પ્રશ્ર્નો આવી જાય છે તેથી યુનિફોર્મ સિવિલ કોડનો મતલબ છે કે, આ અંગે દેશના તમામ નાગરિકો માટે એકસરખા જ કાયદા હોય.
લોકશાહીમાં સમાનતા એ પાયાનો સિધ્ધાંત છે. યુનિફોર્મ સિવિલ કોડ સમાનતાના સિધ્ધાંત પર બનેલો કાયદો છે. લોકશાહીમાં તમામ નાગરિકો સમાન હોવાથી તેમના માટેના કાયદા પણ સરખા જ હોવા જોઈએ. આપણા બંધારણમાં કલમ ૧૪ હેઠળ આ વાત સ્વીકારાઈ છે ને તેના આધારે જ કલમ ૪૪માં સ્પષ્ટપણે સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની તરફેણ કરાઈ છે. ૧૯૫૬માં સંસદમાં પણ સરકારે સ્વીકાર કર્યો હતો કે, દેશના તમામ નાગરિકો માટે લગ્ન સહિતની અંગત બાબતોને લગતા કાયદા એકસરખા હોવા જોઈએ. દેશના બંધારણમાં પણ એ સૂચનનો સમાવેશ કરાયો કે, દેશના તમામ નાગરિકો માટે એકસરખા પર્સનલ લો હોવા જોઈએ પણ કમનસીબે તેનો અમલ કદી ના થયો.
ભાજપ વરસોથી યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાતો કરે છે પણ કેન્દ્રમાં સરકાર આવ્યાનાં આઠ વર્ષ પછી પણ નરેન્દ્ર મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાવી નથી. બલ્કે ૨૦૧૯ અને ૨૦૨૦માં ભાજપના સાંસદોએ યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટે સંસદમાં રજૂ કરેલા ખરડાને મોદી સરકારે દબાણ લાવીને પાછા ખેંચાવડાવી દીધા હતા. આ સંજોગોમાં યુનિફોર્મ સિવિલ કોડ એક ચુનાવી જુમલો જ હોય એવી શક્યતા વધારે છે.

RELATED ARTICLES

Most Popular