એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
બ્રિટનની ટીવી ચેનલ બીબીસીએ ભારતમાં મુસ્લિમોની સ્થિતિ પર બનાવેલી ડોક્યુમેન્ટરી ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચન’ના કારણે પેદા થયેલો વિવાદ શમ્યો નથી ત્યાં મંગળવારે ભારતમાં બીબીસી પર દરોડા પડી ગયા. બીબીસીની દિલ્હી અને મુંબઈ ઑફિસમાં મંગળવારે ઈન્કમટેક્સ વિભાગની ટીમ પહોંચી અને સર્ચ ઓપરેશન કરી નાખ્યું.
દિલ્હીના કે.જી. રોડ વિસ્તારમાં એચ.ટી. ટાવરના પાંચમા અને છઠ્ઠા માળે બીબીસીની ઑફિસ આવેલી છે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ૨૪ સભ્યોની ટીમે આ ઑફિસમાં પહોંચીને સ્ટાફના ફોન બંધ કરાવીને બધાને મીટિંગ રૂમમાં બેસાડી દીધા. ઑફિસમાં અવર-જવર બંધ કરાવી દીધી અને તપાસ શરૂ કરી દીધી. મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારમાં આવેલા બીબીસી સ્ટુડિયોઝમાં પણ ઇન્કમટેક્સ વિભાગની ટીમ પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી દીધી.
બીબીસીએ ઇન્ટરનેશનલ ટેક્સમાં ગરબડ કરી હોવાથી સર્વે કરવામાં આવ્યો હોવાનો ઈન્કમટેકસ વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) તરફથી એવો પણ દાવો કરાયો છે કે, બીબીસીની ઑફિસો પર સર્વે કરાઈ રહ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ નથી ધરાયું. સર્ચ અને સર્વે બંને ટેકનિકલ શબ્દો છે અને ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટની પરિભાષામાં બંને અલગ છે.
ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની પરિભાષામાં સર્વેનો મતલબ છે, કરવેરાને લગતી બાબતમાં કોઈ સવાલ ઊભા થાય તો તેને લગતી માહિતી મેળવવા માટે કરાતી કાર્યવાહી. આ કાર્યવાહીમાં કરાયેલા દાવાની યોગ્યતા ચકાસવા માટે પુરાવા આપવા પણ કહેવાય ને જરૂરી દસ્તાવેજો તપાસવા માટે પણ કહેવાય છે. સર્ચમાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારી બધું ઉપરતળે કરી નાખે છે. કંપનીના એકાઉન્ટને લગતા હિસાબોથી માંડીને બીજી ચીજો સુધીનું બધું તપાસે છે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આ રીતે તપાસ કરવાની સત્તા મળેલી છે. સામાન્ય રીતે કરવેરાની ચોરી કરી હોવાની બાતમી મળે ત્યારે જ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરે છે.
ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની પરિભાષામાં એ રીતે સર્વે સામાન્ય પ્રક્રિયા છે જ્યારે સર્ચને દરોડા સાથે સરખાવી શકાય પણ સામાન્ય લોકો માટે સર્ચ અને સર્વે બંને એક જ વાત છે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તમારી ઑફિસ કે ઘરે પહોંચે એ દરોડો જ કહેવાય તેથી આ દરોડો જ છે. બીબીસીની ઓફિસના કર્મચારીઓના મોબાઈલ, લેપટોપ, ડેસ્ક વગેરે કબજે લેવાયાં છે એ જોતાં આ સામાન્ય સર્વે છે એ સરળતાથી માની શકાય એવી વાત નથી.
બીબીસીને ત્યાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પહોંચ્યું તેના કારણે રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે. કૉંગ્રેસે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીને બીબીસી ડોક્યુમેન્ટ્રી પર મુકાયેલા પ્રતિબંધ સાથે જોડીને ટ્વિટ કરી છે કે, પહેલાં બીબીસીની ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. હવે બીબીસી પર ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે દરોડો પાડ્યો. આ બધા પરથી સ્પષ્ટ છે કે, દેશમાં જાહેર થયા વિનાની કટોકટી છે.
કૉંગ્રેસ નેતા જયરામ રમેશે તો ટોણો માર્યો કે, અહીં અમે અદાણીનાં ગેરકાનૂની કામોમાં જેપીસી તપાસની માગ કરી રહ્યા છીએ ને એ અંગે સરકાર કશું કરતી નથી જ્યારે બીબીસી ઉપર ઇન્કમટેક્સની રેડ પડી રહી છે.વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રાએ પણ બીબીસી પરની રેડને આશ્ર્ચર્યજનક સમાચાર ગણાવીને ભાજપ સરકારને ઝાટકી છે.
ભાજપે કૉંગ્રેસને અરીસો જોવાની સલાહ આપતાં કહ્યું છે કે, કૉંગ્રેસને કટોકટીની વાત કરવાનો કે પ્રેસની આઝાદીની વાત કરવાનો અધિકાર જ નથી. એલન હ્યૂમે બનાવેલી પાર્ટી કૉંગ્રેસનાં ચાલ-ચરિત્ર હજુ પણ બ્રિટિશ જ છે. ૧૯૪૭માં અંગ્રેજોએ ભારત છોડ્યા પછી દેશમાં બીબીસીના વિભાજનકારી એજન્ડાને આગળ વધારવાનું કામ કૉંગ્રેસને સોંપવામાં આવ્યું હોય એવું લાગે છે. ભાજપે તો બીબીસીને પણ ભ્રષ્ટ સંગઠન ગણાવ્યું છે.
કૉંગ્રેસને અખબારી સ્વાતંત્ર્ય વિશે બોલવાનો અધિકાર નથી એ વાત સાવ સાચી છે. કૉંગ્રેસ દાવો કરે છે કે, દેશમાં જાહેર થયા વિનાની કટોકટી લાદવામાં આવી છે પણ કૉંગ્રેસે તો કટોકટી લાદી જ દીધી હતી. કૉંગ્રેસે અખબારી સ્વાતંત્ર્યનું ચિરહરણ કરી નાખેલું. પોતાની મરજી પ્રમાણે નહીં છાપનારાં અખબારોને ત્યાં દરોડા પાડીને કૉંગ્રેસે કેવા ખેલ કરેલા તેની વાત કરવા બેસીશું તો પુસ્તક પણ નાનું પડશે તેથી તેની વાત કરતા નથી પણ કૉંગ્રેસ અખબારી સ્વાતંત્ર્ય વિશે બોલે કે કટોકટીનો દાવો કરે એ તેને શોભતું નથી.
કૉંગ્રેસ પોતે કરેલાં પાપને પાપ ના ગણે ને ભાજપ સરકારને સલાહો આપે એ હાસ્યાસ્પદ છે. જો કે કૉંગ્રેસે કટોકટી લાદેલી ને અખબારી સ્વાતંત્ર્યના ગળે ટૂંપો લગાવી દીધેલો તેથી ભાજપે પણ એવું કરવું જોઈએ એવું નથી. કૉંગ્રેસે પાપ કર્યાં તેથી ભાજપને પણ એ પાપ કરવાનો પરવાનો મળી જતો નથી. કૉંગ્રેસે કર્યું એ જ કરવાનું હોય તો ભાજપ ને કૉંગ્રેસમાં કોઈ ફરક જ ન કહેવાય.
બીબીસીએ ખરેખર ટેક્સમાં ગરબડ કરી છે કે નહીં એ આપણને ખબર નથી. એ નક્કી કરવાનું કામ કોર્ટનું છે તેથી એ મુદ્દે કંઈ બોલી ના શકાય પણ બીબીસીને ત્યાં સર્ચ કે સર્વે જે પણ કહો એ કરવા માટે જે સમય પસંદ કરાયો તેના કારણે એવું જ લાગે છે કે, ભાજપ અને કૉંગ્રેસમાં કોઈ ફરક નથી.
બીબીસી સામે થઈ રહેલો ટેક્સમાં ગરબડનો આક્ષેપ કેટલો જૂનો છે એ આપણને ખબર નથી પણ બીબીસીની ડોક્યુમેન્ટરી આવી એ પછી આ કેસ ઊભો કરાયો હોઈ શકે. એવું હોય તો તેનો અર્થ શો થાય એ કહેવાની જરૂર નથી. એ પહેલાંનો કેસ હોય તો ડોક્યુમેન્ટરી આવી એ પહેલાં કેમ કોઈ સર્વે કે સર્ચ ના કરાયાં એ સવાલ ઊભો થાય છે.
ભાજપે બીબીસીને ભ્રષ્ટ સંગઠન ગણાવ્યું છે એ પણ ખટકે છે. ભાજપને માફક ના આવે એવું કંઈ પણ બતાવી દેવાય એટલે બીબીસી ભ્રષ્ટ સંગઠન ના બની જાય. બીબીસીની પોતાની પ્રતિષ્ઠા છે ને એક સમયે તો તેની વિશ્ર્વસનિયતા એટલી હતી કે, કોઈ પણ સમાચાર બીબીસી પર આવી ગયા એવું કહો એટલે લોકો તેના પર ભરોસો મૂકી જ દેતા. આજે પણ ભારતીય ટીવી ચેનલો કરતાં તો બીબીસીની વિશ્ર્વસનિયતા વધારે છે જ એ જોતાં ભ્રષ્ટ સંગઠનનું આળ હાસ્યાસ્પદ છે.