Homeરોજ બરોજ‘રણછોડદાસ ચાંચડને’ કેમ લદાખને બચાવવું છે!? લદાખ બીજું જોશીમઠ?

‘રણછોડદાસ ચાંચડને’ કેમ લદાખને બચાવવું છે!? લદાખ બીજું જોશીમઠ?

રોજ બરોજ -અભિમન્યુ મોદી

થ્રી ઈડિયટ્સમાં રણછોડદાસ ચાંચડ ઉર્ફે રેન્ચોનું પાત્ર જેમની પ્રેરણાથી સિનેમાની સ્ક્રીન પર ચમક્યું એવા સોનમ વાંગચૂક છેલ્લા બે મહિનાથી સોશિયલ મીડિયા પર છવાયેલા છે. નેટિઝન્સ તેમને સપોર્ટ કરે છે પરંતુ તેમને જેમના સહયોગની આશા છે તેવી સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર મળતો નથી. રિયલ લાઈફ ફુન્સુક વાંગડુને પેટમાં એવું તો શું દુ:ખે છે કે તેમને સરકાર પાસે મદદ માંગવા સોશિયલ મીડિયાનો સહારો લેવો પડ્યો!
લદાખને કુદરતે જેટલી અપાર સુંદરતા બક્ષી છે એટલી જ વિષમતાઓ પણ આપી છે. માઈનસ ડિગ્રીમાં રહેતું તાપમાન, પ્રતિકૂળ આબોહવા, નહીંવત વરસાદ, સૂકી રેતાળ માટી, ઉબડ ખાબડ રસ્તાઓ, પહાડીઓ આ દરેક વિપરીત પરિસ્થિતિને કોઈએ ખૂબ જ સહજતાથી અપનાવી હોઈ તો એ લદ્દાખ જ છે. સુંદરતા અને વિષમતાના આ સંગમમાં અપાર શાંતિ છે, સૂકુન છે, એવા તરંગો છે જે ઊંડાણ સુધી સ્પર્શે છે. એટલે જ કદાચ ભૂતકાળમાં લામાઓ દ્વારા ધ્યાન માટે આ સ્થળની પસંદગી કરી હશે અને તેનો વારસો આજે પણ લદાખના મઠમાં સચવાયેલો છે. પરંતુ હવે આ વારસો જોખમમાં છે. લદાખના જાણીતા વિસ્તારો સાની ગોંપા, કર્શા ગોમ્પા, સ્ટોંગડે મઠ, બર્દાન મઠ, ફુગતાલ ગોમ્પા અને ઝાંગકુલ ગોમ્પા ગ્લેશિયર પર નભેલા છે અને તેના પર પણ જોશીમઠની જેમ જમીનદોસ્ત થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. લદાખને બચાવવા માટે જ મેગ્સેસે એવોર્ડ વિનર સોનમ વાંગચૂક સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવે છે.
જોશીમઠની જેમ લદાખનું ગ્લેશિયર પર પીગળી રહ્યું છે. ગ્લેશિયર એટલે સાદી ભાષામાં હિમનદી, બરફની થીજેલી નદી, હિમખંડ અથવા વિરાટ બર્ફીલી સંરચના. જમીન પર વરસતો બરફ ક્રમશ: દબાઈને, ઘૂંટાઈને, કંમ્પ્રેસ થઈને ગ્લેશિયરનું રૂપ ધારણ કરી લે છે. ગ્લેશિયરની ઉંમર બસ્સો વર્ષથી લઈને હજારો વર્ષ સુધીની હોઈ શકે છે. પૃથ્વી પર હિમ યુગનો અંત ૧૦,૦૦૦ વર્ષ પહેલાં આવી ગયો હતો, પરંતુ આજે જે ગ્લેશિયર્સ અસ્તિત્વમાં છે. એ આ હિમ યુગના જ અવશેષો છે. દુનિયાભરના ગ્લેશિયર પીગળી રહી છે, સંકોચાઈ રહ્યા છે. તેમાંય છેલ્લા કેટલાક દાયકા દરમિયાન તો ગ્લેશિયર પીગળવાની ગતિ જબરદસ્ત વધી ગઈ છે. માત્ર જમ્મુ-કાશ્મીર અને લદાખની વાત કરીએ તો સેટેલાઇટથી મળેલા ડેટા કહે છે કે ૨૦૦૦થી ૨૦૧૨ દરમિયાન હિમાલય વિસ્તારમાં આવેલી ૧૨૦૦ જેટલા ગ્લેશિયરની જાડાઈ પ્રતિ વર્ષ સરેરાશ ૩૫ સેન્ટિમીટર જેટલી ઘટી ગઈ હતી. એક દાયકા દરમિયાન ગ્લેશિયરનું દળ ૭૦.૩૨ ગિગાટન જેટલું ઓછું થઈ ગયું હતુંં. જબરદસ્ત મોટો આંકડો છે. ૧૯૯૦થી ૨૦૧૯ દરમિયાન પેંગોંગ લેક પ્રદેશમાં ૬.૭ ટકા ગ્લેશિયર જેટલું સંકોચાઈ ગયું છે. તેનું કારણ તો સર્વવિદિત છે, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ.
દુ:ખની વાત છે કે લદાખની જનતાના પીવાના તેમજ સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતા પાણીનો મુખ્ય સ્રોત આ ગ્લેશિયર જ છે. ગ્લેશિયરના સંકોચનની સીધી નકારાત્મક અસર આ પ્રદેશની પાણીની સ્થિતિ તેમજ ખેતી પર થઈ રહી છે. ગ્લેશિયરનું ઝપાટાભેર પીગળતા જવાની સ્થિતિ માટીના ધોવાણ, લેન્ડસ્લાઈડ અને પૂરનું કારણ પણ બની શકે છે. ભૌગોલિક સ્તરે હિમાલયમાં જે કંઈ થાય છે તેનો સીધો પ્રભાવ આખા ઉત્તર ભારત પર પડે છે. ઉત્તર ભારતની નદીઓમાં જે પાણી વહે છે તેનો મુખ્ય સ્રોત હિમાલય જ તો છે. હિમાલયની પેલી તરફ, ચીન માટે પણ આ વાત એટલી જ સાચી. સોનમ વાંગચુક કહે છે કે હિમાલયના ગ્લેશિયરની કુ:સ્થિતિને કારણે પાણીની જે કટોકટી પેદા થવાની તેની અસર લગભગ બે અબજ લોકો એટલે દુનિયાની ૨૦ ટકા આબાદી પર પડી શકે છે.
ચાલો આ બધું તો સોનમ વાંગચૂકના વીડિયોમાં લોકોએ નિહાળ્યું હશે, પરંતુ લદાખને સરકારે આપેલા ઠાલા વચનનું શું? જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ની કલમ રદ થઇ અને લદાખને યુનિયન ટેરિટરી જાહેર કરાઈ ત્યારે લદાખના લોકોને સરકારે વચન આપ્યું હતું કે, શિડયુલ-૬નો અમલ કરવામાં આવશે. ભાજપે પણ ૨૦૧૯ અને ૨૦૨૦ની ચૂંટણીમાં લદાખના લોકોને પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ શિડયૂલ-૬ આપવાનો વાયદો કરાયો હતો. શિડયૂલ-૬ અર્થાત જેટલી સુવિધા ભારતના મહાનગરોમાં શ્ર્વસતી પ્રજાને મળે છે તેટલી જ સુવિધા લદાખને પણ મળશે, પરંતુ હજુ સુધી સુવિધાનો ‘સુ’ પણ મળ્યો નથી.
આ સંજોગોમાં સોનમ વાંગચૂક કહે છે કે, લદાખને બચાવવાનું કાર્ય નેતાઓના માથે ના નાખવું જોઇએ, લદ્દાખના હિતમાં નાગરિકોએ પણ આગળ આવવું જોઇએ. લદાખના કલ્ચરલ અને ક્લાઇમેટના સંરક્ષણ માટે ક્લાઇમેન્ટ ફાસ્ટ પર ઉતારવાનો અનોખો નિર્ણય વાંગચૂકે લીધો છે. વડા પ્રધાન સુધી લદાખના લોકોની વાત પહોંચાડવા માટે સોનમ વાંગચૂક ઉપવાસ પર બેઠાં છે. વાંગચૂકનું કહેવું છે કે, ક્લાઇમેટ કાસ્ટ દ્વારા હું માત્ર સરકાર નહીં, પરંતુ આમજનતાને પણ જણાવવા માગું છું કે થોડી સરળ લાઇફસ્ટાઇલ અપનાવો, વાહનોના ધુમાડા અને આપણી અકુદરતી જીવનશૈલીને કારણે લદાખ વિસ્તારના લોકોને પાણી વગર રહેવું પડે છે અને અહીંથી ઘરબાર છોડીને ભાગવું પડે છે. વાંગચૂકને ભય છે કે લદાખને એક્સપ્લોર કરવા ઉધોગપતિઓ આવશે અને પરિણામે લદાખમાં પર્યાવરણીય અસંતુલન સર્જાશે. વાંગચૂક કહે છે કે, આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો કોઇ અર્થ નથી, એટલા માટે અમે અત્યારથી જ સાવચેત થઇ ગયાં છે.
લદાખને પૃથ્વીના ત્રીજા ધ્રુવપ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તો બરફનું રણ છે. અહીં વરસાદ વર્ષમાં માંડ ત્રણથી ચાર ઇંચ પડે છે. સ્થાનિક લદાખી પ્રજા રોજના માત્ર પાંચ લીટરથી કામ ચલાવી શકે છે. સ્થાનિક લોકો ડ્રાય કોમ્પોસ્ટ ટોઇલેટનો ઉપયોગ કરે છે, પણ અહીં આવતા પ્રવાસીઓને હોટલોના બાથરૂમમાં ધમધમાટ વહેતા નળ જોઈએ, ધોધમાર વરસાદ જેવો હોટ શાવર જોઈએ ને ફ્લશમાં ખળખળ વહેતું જળ જોઈએ. આ પ્રદેશમાં પાણી એટલું કિંમતી છે કે ન પૂછો વાત, પણ અહીં પ્રત્યેક પ્રવાસી અહીં રોજ ૭થી ૮ બાલટી જેટલું પાણી વેડફી મારે છે. અહીં સદીઓથી લોકો ઝરણાંનું અને ગ્લેશિયરનું પીગળેલું પાણી પીતાં આવ્યા છે, પણ હોટલોમાં અને ગેસ્ટ હાઉસોમાં પાણીની ડિમાન્ડ એટલી પ્રચંડ હોય છે કે હવે બોરવેલ ખોદી ખોદીને પાણી ખેંચી કાઢવામાં આવે છે. તેને કારણે ધરતીમાં પાણીનું તળ ઓર નીચું જઈ રહ્યું છે. ટૂરિસ્ટોની જરૂરિયાત પૂરી પાડવા માટે રોજનાં હજારો ટેન્કર પાણી લાવવામાં આવે છે. હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે ઝરણાં સૂકાઈ ગયાં છે. અમુક ગામોમાં તો પાણીની એવી તીવ્ર અછત થઈ છે કે લોકો ખેતીકામ કરી શકતા નથી. આ વિસ્તારના કેટલાંય ગામોમાંથી લોકોએ પોતાની ખેતીની જમીન રેઢી મૂકીને ઉચાળા ભરીને જતા રહેવા પડયું છે. ભવિષ્યમાં આવાં ભૂતિયાં નિર્જન ગામોની સંખ્યા વધતી જાય તો જરાય નવાઈ નહીં પામવાની.
પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા અને જાળવણી એકલા વાંગચૂકની જ નહીં દરેક માનવીની ફરજ છે. આ વિશે સમગ્ર વિશ્ર્વમાં પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મુદ્દે આંદોલનો ચાલી રહ્યાં છે. માત્ર વિરોધ કે આંદોલનોથી ચાલશે નહિ. ગ્રીન સ્પેસની નીતિ અપનાવવી પડશે. સ્કાયસ્ક્રેપર વધતાં રહે તે વિકાસની નિશાની હોય તો હરિયાળીને પણ સ્થાન આપવું પડશે કારણ કે વૃક્ષોથી જ જીવનને ઉગારી શકાશે. વિકાસની સાથે પર્યાવરણનો સમન્વય સાધવો આવશ્યક છે. ત્યારે જોવાનું રહેશે કે હવે સોનમ વાંગચૂકની લદાખ બચાઓ ઝુંબેશ સરકારના કાન સુધી અથડાશે કે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular