ગીતા-મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં આપણે શાશ્ર્વત સુખના રાજમાર્ગને સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ સમજાવે છે કે ભગવાનની ઉપાસના અને ભક્તિ માટે દરેક મનુષ્ય સમાનપણે હકદાર છે. આવો આ સિદ્ધાંતને વિગતથી સમજીએ.
બસો વરસ પહેલાંની આ વાત છે. ગુજરાતના જેતલપુર નામે ગામમાં ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિમાં એક મહાન યજ્ઞનું આયોજન થયું હતું. અનેક ભક્તોની ભીડ સેવામાં લાગી હતી. વિવિધ પ્રકારની સેવા કરવામાં જાણે ભક્તોએ જાત હોમી દીધી હતી. બધી જ જાતિના માનવ, દરેક સેવામાં જોડાયા હતા.
તેમાં એક આગંતુક મહિલા પણ સેવા માટે તલપાપડ હતી. પરંતુ જ્યાં તે ભગવાન સ્વામિનારાયણની સમીપે પહોંચી, ત્યાં સમગ્ર ગામ ભેગું થયું. ઉશ્કેરાટમાં વેણનાં બાણો ઠલવાયાં. અરે! “તું અહીંયા ક્યાંથી?……કાઢો આને… બધાની વચ્ચે હળધૂત થતાં તેનું મુખ શરમથી નીચે નમી ગયું. ભગવાન સ્વામિનારાયણને પણ કોઈએ કહ્યું, “મહારાજ! આ સ્ત્રીને અહીંયા શા માટે સેવાની તક આપો છો? એ તો ગણિકા છે… પરંતુ ભગવાન સ્વામિનારાયણની કરુણા ભીની નજરમાં તેનાં દરેક પાપો જાણે ક્યારનાયે દૂર થઈ ચૂક્યાં હતાં. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે, ભગવાનના દરબારમાં આવવાનો અધિકાર બધાને છે. અહીં ભેદ ક્યાંથી? અહીંયા તો જે આવે એ બધા જ ભક્ત. તે ગણિકાએ મનમાં ગાંઠ વાળી કે જેણે પોતાના પારાવાર પાપના પોટલાને આમ ક્ષણમાં બાળી દીધા તે પ્રભુ માટે મારે જરૂર કંઈક ને કંઈક સેવા તો કરવી જ છે. અને તેણીએ સમગ્ર રાત જાગીને પોતાના હાથે યજ્ઞ માટે ઘઉં દળ્યા. તેના હાથમાંથી પણ રક્ત વહેવા લાગ્યું. તેની આ સેવાથી પ્રસન્ન થઈને ભગવાન સ્વામિનારાયણે તેને વરદાન આપ્યું કે, “જા તારું મુક્તાનંદ સ્વામીના જેવું કલ્યાણ થશે.
હા, ભગવદ્ ગીતા કહે છે કે
मां हि पार्थ व्यपाश्रित्य येडपि स्युः पापयोनयः
स्वियो वैश्यास्तथा शुद्घास्लेडपि यान्ति परां गतिम् 9 फ 32॥
અર્થાત્ “મારી (ભગવાનની) યથાર્થ શરણાગતિ સ્વીકારીને પાપની પરાકાષ્ઠાએ પહોંચેલી સ્ત્રી, વૈશ્ય, ક્ષૂદ્ર કે કોઈપણ શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરે છે.
આધુનિક ગીતા સમાન સત્સંગદીક્ષા શાસ્ત્રમાં પણ કહેવાયું છે કે,
સર્વ વર્ણના સર્વ સ્ત્રીઓ તથા પુરુષો સદાય સત્સંગ, બ્રહ્મવિદ્યા અને મોક્ષના અધિકારી છે. વર્ણના આધારે ક્યારેય ન્યૂન કે અધિકભાવ ન કરવો. સર્વ જનોએ પોતાના વર્ણનું માન ત્યજીને પરસ્પર સેવા કરવી. જાતિએ કરીને કોઈ મહાન નથી અને કોઈ ન્યૂન પણ નથી. તેથી નાત-જાતને લઈને ક્લેશ ન કરવો ને સુખે સત્સંગ કરવો.
જેમ ગમે તેવો કાળો કોલસો પણ જો પ્રજ્વલિત અગ્નિમાં સ્થાન પ્રાપ્ત કરે તો તેને પણ દેવતા કહેવામાં આવે છે. કારણ કે તે અગ્નિ પ્રગટાવવામાં સાધન બની જાય છે. અને અગ્નિનું તો નામ જ છે પાવક એટલે કે જે બીજાને પવિત્ર કરે. તેમ જે ભગવાનની ભક્તિમાં જોડાઈ જાય છે તેને જાણે અંગારામાંથી દેવતાની સંજ્ઞા મળે છે.
એકવાર સાંજે તરછોડાયેલ અને ગામો ગામ ભટકતા લોકોને ભગવાન સ્વામિનારાયણે સ્વયં વિવિધ પ્રકારના વ્યંજનો જમાડ્યા અને કહ્યું, જેમ સૂર્ય પ્રગટે ત્યારે ગરીબ કે તવંગર એવા ભેદ વિના સર્વત્ર પ્રકાશ આપે એમ આજે સહજાનંદ રૂપી સૂર્ય પ્રગટ્યો છે તેથી મન કોઈ ભેદભાવ નથી.
ત્રેતા યુગમાં કરેલું ભગવાન રામ દ્વારા શબરીનું કલ્યાણ, દ્વાપર યુગમાં કરેલો ભગવાન કૃષ્ણ દ્વારા કુબ્જા ઉપરનો અનુગ્રહ અને કળિયુગમાં આચરવામાં આવેલી ગણિકા ઉપરની ભગવાન સ્વામિનારાયણની દયા સદૈવ ભગવદ્ગીતાના આ શ્ર્લોકને સમજાવતી રહેશે.
હા, પ્રમુખસ્વામી મહારાજે પણ પોતાના જીવન દ્વારા સૌને સમજાવ્યું છે કે ભગવાનના દરબારમાં કોઈની જાત-નાત જોવાતી નથી. ત્યાં કોઈ ગરીબ નથી કે નથી કોઈ અમીર ! ત્યાં તો માત્ર એક જ જાત હોય છે બ્રહ્મની જાત! ને એક જ સંજ્ઞા હોય છે ભક્તની સંજ્ઞા.
ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં ગરીબ વ્યક્તિનું માહાત્મ્ય સમજાવતાં કહે છે કે જે ગરીબને કલપાવે તેનું તો કોઈ રીતે રૂડું જ થાય નહીં. અને મહાભારતમાં ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે જે, ‘જો તું ગરીબને કલપાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ’ માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય, પણ ગરીબમાત્રને લેશમાત્ર દુખવવો નહીં. અને જો ગરીબને દુખવે તો તેનું કોઈ પ્રકારે સારું થાય નહીં અને જો ગરીબને દુખવે તો બ્રહ્મ હત્યા જેટલું પાપ થાય છે. હા, આ સત્પુરુષો અને શાસ્ત્રોનો સિદ્ધાંત છે. આપણે પણ આવા ભેદને ભૂલીને સાચા ભક્ત થઈએ.