Homeધર્મતેજસંતે દંપતીને ‘માણસ બનજો’ એવો ઉપદેશ શા માટે આપ્યો?

સંતે દંપતીને ‘માણસ બનજો’ એવો ઉપદેશ શા માટે આપ્યો?

આચમન – કબીર સી. લાલાણી

આ એ સમયની વાત છે જ્યારે ઈન્સાનમાં હજુ ઈન્સાનિયતના ગુણ હતા, સચ્ચાઈ હતી, ચાલાકી અને જૂઠાબોલા નહોતા. તે વખતે એક ગૃહસ્થને ત્યાં એક મહાત્મા પધાર્યા. (યાદ રહે કે સાધુ-સંતો-શાહો થોડામાં ઘણું બધું કહી જતાં હોય છે. તેમનો ઉપદેશ, જ્ઞાન વ્યક્તિને સન્માર્ગે દોરે છે). ઘરના માલિક દંપતી બહારથી ઘણા સુંદર ને ભલા લાગતા હતા, પણ ભીતર-અંદરથી સાવ જ બેડોળ.
થોડા દિવસોના રોકાણ દરમિયાન સંતે અનુભવ્યું કે શ્રીમંતને ત્યાં ભલે સુખ-સાહ્યબીના તમામ સાધનો મૌજુદ હોય પરંતુ સત્ય, ચિંતન, સ્વાધ્યાય, મધુરતા, શુદ્ધતા જેવું કંઈ જ હતું નહીં. એકલા આડંબરનો કોલાહલ હતો.
સંતે થોડા દિવસના રોકાણ પછી વિદાય વખતે આશીર્વાદ આપતાં દંપતીને કહ્યું, ‘માણસ બનજો!’
પુરુષ ધમાલિયો હતો. એણે સંતના આ વાક્ય પર જરાય વિચાર કર્યો નહીં, પણ સ્ત્રી થોડી સમજદાર અને ચકોર હતી. એ સમજી ગઈ કે, મહાત્માના આ શબ્દો કોઈ ગંભીર ચેતવણી આપી રહ્યા છે. એણે પતિને પૂછયું, શું આપણે માણસ નથી? ઢોર, જાનવર છીએ? મહારાજશ્રીએ ‘માણસ બનજો’ એવો ઉપદેશ શા માટે આપ્યો? આવી શીખામણ આપવા પાછળ તેમનો આશય શો હતો?
પત્નીની વાત સાંભળી પુરુષને પણ સહેજે વિચાર આવ્યો. વાત સાચી હતી. સંતે આમ કાં કહ્યું?! એણે મનમાં નક્કી કર્યું. એ ફરી મળશે ત્યારે પૂછીશ.’
દોઢ-બે વરસનો સમય વિતી ગયો. એક દિવસ સંત ફરી તેમના ઘેર પધાર્યા. બેચેન સ્ત્રીએ મહારાજશ્રીને વ્યાકુળતાથી પૂછયું, ‘બાપુ! માણસ બનજો કહેવા પાછળનો ભેદ શું છે? અમને તેની પાછળ રહેલા આપના જ્ઞાનની સમજ આપો. શું અમે ઢોર છીએ?
સાધુ મહારાજે પોતાની પાસે એક આયનો હતો તે આપતાં મહિલાને કહ્યું, લો આ કાચ, આ એવો અદ્ભુત આયનો છે, કે એના ઉપરના ભાગમાં જોશો તો તમે માણસ દેખાશો અને અંદરના ભાગમાં જોશો તો તમે જે છો તે દેખાશો!
સ્ત્રીએ કાચના અંદરના ભાગમાં જોયું ને એ ચમકી. પતિએ પૂછયું, કાં શું થયું? મહિલાએ ગભરાઈને કહ્યું, હું તો આમાં જાનવર દેખાવ છું. શેરીના નાકા પર ભસી રહી છું, એવી રખડું જનાવર!
પુરુષે આશ્ર્ચર્યસહ કહ્યું, આમ લાવ, મને જોવા દે, અને પોતાની જાતને જોતાં જ એ પણ ધ્રુજી ઊઠ્યો. એનો દેખાવ પણ જાનવરથી કમ નહોતો.
તેણે રાડ પાડી, ‘બાપુ! અરે, આ તે કેવો જુલમ! અમને રસ્તે રજડતા પશુ જેવા કાં બનાવો? અમે કોઈનું શું બગાડયું? કોને રંજાડયા? અમને સમજાવો!’
વ્હાલા સમજદાર વાચક મિત્રો! શરૂમાં કહ્યું તેમ આપણા સંતો, શાહો થોડામાં ઘણું કહી જતાં હોય છે. તેમણે કહ્યું, ભલા માણસો! આમાં હું શું કરું? તમે જે રીતે જીવન જીવો છો તે રીતે આ દર્પણમાં દેખાવ છો! ઈન્સાન બહારનો આકાર ગમે તે મેળવી શકે, પણ અંદર જાનવર જેવો છે કે માણસ જેવો, તે જ ખરો પ્રશ્ર્ન છે.
* જે મનથી સત્યને પૂજતો નથી,
* સત્યને ઉચ્ચારતો નથી,
* સત્યને આચરતો નથી
* જેનાં મન અને વાચાનો મેળ નથી તે મનુષ્ય હોવા છતાં પશુ છે.
એક સવાલ:
તમને અસત્યની પીડા ક્યારેય થાય છે ખરી? જો નથી થતી તો કાંઈ વાંધો નહીં? જરાય ચિંતા કરશો નહીં. આજ નહીં થાય તો મરતી વખતે આ ચિત્રો નજર સામે ખડા થશે. અસલી-નકલી ચહેરા.
બોધ:
દર્પણ જૂઠ ના બોલે, જો સચ હય વો સામને આયે…!

 

RELATED ARTICLES

Most Popular