સોનાલી શોષણ કેમ સહન કરતી રહી?

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર-ભરત ભારદ્વાજ

હરિયાણા ભાજપનાં નેતા સોનાલી ફોગાટની હત્યાનો કેસ દેશભરમાં ગાજી રહ્યો છે. સોનાલીના મોતને અઠવાડિયું થવા આવ્યું એ જોતાં કેસ જૂનો થઈ ગયો, પણ તેમાં જે નવી નવી વાતો બહાર આવી રહી છે તેના કારણે આ કેસ આખા દેશમાં ચર્ચાનો વિષય છે. આ કેસમાં અત્યારે જે વિગતો બહાર આવી છે તેના કારણે લોકોને સોનાલી તરફ સહાનુભૂતિ છે, જ્યારે તેનો પી.એ. સુધીર સાંગવાન અને તેનો મિત્ર સુખવિંદર પાસી વિલન લાગી રહ્યા છે.
સોનાલીના કેસમાં અત્યાર લગી જે વિગતો બહાર આવી છે એ જોતાં એ સ્વાભાવિક છે, પણ ખરેખર સોનાલી સહાનુભૂતિને પાત્ર છે ખરી એ સવાલ થાય છે. સુધીર સંગવાન અને સુખવિન્દર પાસી તો નફરતને લાયક જ છે કેમ કે તેમણે એક મહિલાની હત્યા કરી નાખી છે, પણ આ હાલત થઈ ગઈ તેના માટે સોનાલી પોતે પણ જવાબદાર હતી કે નહીં ?
કોઈ મૃત વ્યક્તિ વિશે ખરાબ વાત કરવી એ સૌજન્ય ના કહેવાય પણ સોનાલીની લાઈફસ્ટાઈલ વગેરે જોતાં લાગે કે તેણે પોતે જ પોતાના પતનનો તખ્તો તૈયાર કર્યો. અલબત્ત તેના કારણે તેની હત્યા કરી દેવાનો કોઈને અધિકાર નહોતો પણ વાત એટલી જ કે, સોનાલી પોતે પોતાના મોતને ટાળી શકી હોત.
ટિકટોક સ્ટાર તરીકે મળેલી લોકપ્રિયતાને કારણે રાજકારણમાં તેને તક મળી હતી. આ તકનો ઉપયોગ સોનાલીએ પોતાની રાજકીય કારકિર્દી બનાવવા માટે કરવાની જરૂર હતી. તેના બદલે એ બીજી બધી વાતો તરફ વળી ગઈ ને પછી તેમા જ ખૂંપતી ગઈ. સોનાલી સ્વતંત્ર હતી તેથી તેને રોકનારું કોઈ નહોતું તેનો લાભ લઈને સુધીર અને સુખવિંદર જેવા લોકો તેની આસપાસ ગોઠવાઈ ગયા. તેમણે સોનાલીને એવા રસ્તા તરફ વાળી કે જ્યાં પતન નક્કી જ હતું. કમનસીબે સોનાલીને પોતાને પણ પોતે કઈ તરફ જઈ રહી છે તેનું ભાન જ ના રહ્યું ને તેની આકરી કિંમત તેણે પોતાનો જીવ આપીને ચૂકવી.
સોનાલી એક હાઈ પ્રોફાઈલ ગ્લેમરસ મહિલા રાજકારણી હતાં તેથી તેમની જિંદગીમાં શું બને એ જાણવામાં રસ હતો, પણ ત્યારે તેમની જિંદગી સામાન્ય લાગતી હતી. હવે તેમના મોત પછી તેમની જિંદગીને લગતાં રહસ્યો એક પછી એક ખૂલી રહ્યાં છે તેના પરથી લાગે કે, સોનાલીની જિંદગી સામાન્ય નહોતી. સોનાલી એક જમાનામાં એક્ટ્રેસ બનવા માંગતાં હતાં ને ફિલ્મી દુનિયાનો હિસ્સો બનવા માગતાં હતાં. તેમની જિંદગી કોઈ ફિલ્મી કથાથી કમ નહોતી.
એકદમ ખૂબસૂરત અને જાણીતી વિધવા સ્ત્રી રાજકારણમાં સક્રિય હોય ને તેની જિંદગી ડ્રગ્સ, સેક્સ, રેપ, બ્લેકમેઈલિંગ જેવા મસાલાથી ભરપૂર હોય તો એ જિંદગી ફિલ્મી સ્ટોરીથી કમ ના જ કહેવાય. આ બધું ઓછું હોય તેમ સોનાલીની હત્યા કરી દેવાઈ. આ હત્યા પણ ડ્રગ્સ આપીને તેના જ પર્સનલ આસિસ્ટંટ અને તેના મિત્રે કરી નાખી. હત્યા પણ ગોવામાં કરાઈ કે જે પહેલેથી ડ્રગ્સ, સેક્સ અને બીજા જાકુબીના ધંધા માટે કુખ્યાત છે.
ગોવાના હાઈ પ્રોફાઈલ રીસોર્ટમાં સોનાલી પોતાના પી.એ. સુધીર સાંગવાન અને સુખવિન્દર સાથે પાર્ટી કરતી હતી, ટૂંકાં કપડાં પહેરીને ડિસ્કોથેકમા ડાન્સ કરતી હતી ને છેલ્લે સાંગવાને પરાણે પિવડાવેલા ડ્રગ્સના ઓવરડોઝના કારણ લથડિયાં ખાતી જતી હતી તેના સીસીટીવી બહાર આવ્યા છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પણ સોનાલીનું શરીર ઝેરની અસરના કારણે લીલું પડી ગયેલું, તેને ડ્રગ્સ અપાયેલું એવું બહાર આવ્યું છે.
ગોવા પોલીસે આ કેસમાં સુધીર સાંગવાન અને સુખવિન્દર ઉપરાંત કર્લીસ ક્લબના માલિક અને ડ્રગ પેડલર એમ ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસને સોનાલીને જ્યાં ડ્રગ્સ અપાયેલું એ કર્લીસ ક્લબના બાથરૂમમાંથી ડ્રગ્સ પણ મળી આવ્યું છે. ગોવાના પોલીસ વડા જસપાલ સિંહના કહેવા પ્રમાણે તો સુધીર અને સુખવિન્દરે કબૂલાત કરી છે કે તેમણે ૨૨ ઑગસ્ટની રાત્રે સોનાલીને બળજબરીપૂર્વક ડ્રગ્સ આપ્યું હતુ. સોનાલીને પ્રવાહીમાં ભેળવીને કેમિકલ આપવામાં આવ્યું હતું.
ડ્રગ્સના ઓવરડોઝના કારણે સોનાલીની તબિયત લથડી પછી બંને તેને વોશરૂમમાં લઈ ગયા હતા. બંને બે કલાક સોનાલી સાથે વોશરૂમમાં જ બેઠાં હતાં પણ તબિયત સારી ના થતાં હૉસ્પિટલ લઈ ગયા પણ એ પહેલાં સોનાલી ગુજરી ગઈ હતી. સાંગવાને પોતાનું પાપ છૂપાવવા માટે સોનાલીને કાર્ડિયાક એરેસ્ટ આવેલો એવું કહેલું પણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ભાંડો ફૂટી જતાં જેલની હવા ખાવાનો વારો આવી ગયો.
આ ઘટનાક્રમના કારણે સોનાલી તરફ લોકોને સહાનુભૂતિ છે. હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ભૂથનકલાંમાં રહેતા સોનાલીના ભાઈ રિંકુ ઢાકાએ ગોવા પોલીસને લખેલા પત્રમાં સુધીર સાંગવાન અને તેના મિત્ર સુખવિન્દર સામે કરેલા આક્ષેપોના કારણે સહાનુભૂતિ વધી છે. રિંકુનો આક્ષેપ છે કે, સુધીર અને સુખવિન્દરે સોનાલીના ખાવામાં ડ્રગ્સ ભેળવીને બળાત્કાર ગુજાર્યો હતો અને બળાત્કારનો વીડિયો બનાવીને સોનાલીને બ્લેકમેઇલ કરતો હતો. છેલ્લા ત્રણ વર્ષથી સુધીર ને તેનો મિત્ર સુખવિન્દર સોનાલીને બંને સાથે પરાણે શરીર સુખ માણવાની ફરજ પાડતા હતા અને હવે તેમનો ડોળો સોનાલીની મિલકત પર હતો એવો આક્ષેપ પણ તેના ભાઈએ કર્યો છે.
કોઈ પણ સ્ત્રી પર બળાત્કાર કરાય, તેનો વીડિયો ઉતારાય ને પછી તેના આધારે બ્લેકમેઈલિંગ કરાય એ નીચતાની હદ કહેવાય. સુધીર અને સુખવિન્દરને આ કૃત્ય માટે કદી માફ ના કરી શકાય, પણ સવાલ એ છે કે, સોનાલી શા માટે આ શોષણ અને બ્લેકમેઈલિંગ સહન કરતી હતી ? આ સવાલનો સંતોષકારક જવાબ મળતો નથી.
સોનાલી લાચારીના કારણે બધું સહન કરતી હોય તો તેની દયા ખાવી જોઈએ કેમ કે કોઈ સ્ત્રીનું આ રીતે શોષણ ના જ થવું જોઈએ, પણ રાજકારણમાં એકદમ મજબૂત નેતા તરીકેની ઈમેજ ધરાવતી સોનાલી શા માટે આ સહન કરતી રહી એ સમજાતું નથી. સુધીર અને સુખવિન્દરના શોષણ સામે અવાજ ઉઠાવવાની હિંમત તેણે બતાવી હોત તો પણ બચી ગઈ હોત. આ હિંમત તેણે કેમ ના બતાવી એ સમજાતું નથી.
સોનાલીને શું કોઇ રોકતું હતું?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.