એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં રાજકારણીઓ ક્યારે કઈ રીતે વર્તે એ કહેવાય નહીં. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાં બંધ પોતાની સરકારના બે મંત્રી મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનાં રાજીનામા લઈને આ વાત સાબિત કરી છે. મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન અલગ-અલગ કેસમાં આરોપી છે. મનિષ સિસોદિયાની તો હમણાં પોલીસે લિકર કેસમાં ધરપકડ કરી પણ સત્યેન્દ્ર જૈન તો લાંબા સમયથી જેલમાં બંધ છે. આમ છતાં કેજરીવાલ ના તેમને હટાવતા હતા કે ના તેમનાં ખાતાં લઈ લેતા હતા.
હવે અચાનક જ કેજરીવાલને શું સણકો ઉપડ્યો કે, બંનેનાં રાજીનામાં લઈ લીધાં. સિસોદિયા જેલભેગા થયા તેના એક દિવસમાં તો સિસોદિયાની સાથે સાથે સત્યેન્દ્ર જૈનને પણ લપેટમાં લઈ લીધા. કેજરીવાલે તાત્કાલિક જ બંનેનાં રાજીનામાંનો સ્વીકાર કરીને બંનેને નવરા પણ કરી દીધા છે. સીબીઆઈએ રવિવારે સિસોદિયાની પૂછપરછ કરી હતી ને પછી ધરપકડ કરી હતી.
કેજરીવાલને અચાનક જ બંનેનાં રાજીનામાં લેવાનો વિચાર આવ્યો છે એ સ્પષ્ટ છે કેમ કે કેજરીવાલના ખાસ માણસ ગણાતા સત્યેન્દ્ર જૈન તો લાંબા સમયથી તિહાર જેલમાં બંધ છે. છેલ્લા એક વરસથી જેલની હવા ખાતા સત્યેન્દ્ર જૈન તો જાતજાતના વિવાદોમાં ફસાયા છે. ગયા મહિને તેમનો જેલનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં જૈન બળાત્કારના આરોપી પાસે માલિશ કરાવતા દેખાયા હતા. મહાધૂતારા સુકેશ ચંદ્રશેખરે સત્યેન્દ્ર જૈને પોતાની પાસેથી ૫૦ કરોડ રૂપિયાની ખંડણી પડાવી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. કેજરીવાલે પણ પોતાને રાજ્યસભાનું સભ્યપદ અપાવવાના બદલામાં કરોડો રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ સુકેશે કર્યો હતો. એ છતાં કેજરીવાલના પેટનું પાણી પણ હાલતું નહોતું. સત્યેન્દ્ર જૈન સામેના આક્ષેપો રાજકીય છે એવું કહીને કેજરીવાલ આ બધી વાતોને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખતા હતા.
સીબીઆઈએ સિસોદિયાની ધરપકડ કરી પછી પણ આમ આદમી પાર્ટી અને કેજરીવાલ તેમનો બચાવ જ કરતા હતા. સિસોદિયાની ધરપકડ પુરાવાનો નાશ કરવાના આરોપમાં કરવામાં આવી છે એવું સીબીઆઈએ કહ્યું છે. મનિષ સિસોદિયાએ લિકર કેસમાં કરેલા કૌભાંડની વિગતો જેમાં હતી એવા અનેક ફોન સેટ નષ્ટ કર્યા હોવાનો આરોપ મૂકાયો છે. આ આરોપોને આધારે સિસોદિયાને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ પણ મેળવાયા છે. સીબીઆઈએ દિલ્હીની કોર્ટમાં એવી રજૂઆત કરેલી કે, સિસોદિયા પૂછપરછમાં સહકાર આપતા નથી માટે તેમના ૫ દિવસના રિમાન્ડ જોઈએ છે. કોર્ટે સીબીઆઈની દલીલોને સ્વીકારીને સિસોદિયાના ૪ માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા પછી કેજરીવાલે તેમનું રાજીનામું લીધું એ સૂચક છે.
બાકી સિસોદિયાની ધરપકડ કરાઈ પછી તો કેજરીવાલે એવું કહેલું કે, સિસોદિયાની ધરપકડ રાજકીય કારણોસર કરાઈ છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સરકારી એજન્સીઓનો દુરૂપયોગ કરી રહી છે અને વિપક્ષી નેતાઓને ફસાવી રહી છે. કેજરીવાલની વાતો પરતી એવું લાગતું જ નહોતું કે, કેજરીવાલ મનિષ સિસોદિયાને દૂર કરશે કે તેમને રાજીનામું અપાવશે.
કેજરીવાલે સત્યેન્દ્ર જૈનના કિસ્સામાં રાજીનામું નહીં લેવાનું વલણ જ અપનાવેલું. સિસોદિયા તો કેજરીવાલના ખાસમખાસ છે ને સત્યેન્દ્ર જૈન કરતાં મોટા નેતા છે. અરવિંદ કેજરીવાલ પછી મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટીમાં બીજા નંબરના સૌથી મોટા નેતા છે અને દિલ્હી સરકારનાં નાયબ મુખ્યમંત્રી છે તેના પરથી જ તેમનું મહત્ત્વ સમજાય. મનીષ સિસોદિયા પાસે દિલ્હી સરકારના કુલ ૩૩માંથી ૧૮ વિભાગ હતા ને કેજરીવાલ જેના પર આટલો ભરોસો મુકે એ નેતા તેમના માટે મહત્ત્વના જ હોય. સત્યેન્દ્ર જૈન પાસે આરોગ્ય, ઉદ્યોગો, વીજળી, ગૃહ, સિંચાઈ, પૂર નિયંત્રણ અને જળ સંસાધનોના વિભાગ હતા અને આ વિભાગો પણ સિસોદિયાને સોંપવામાં આવ્યા હતા. સિસોદિયા પાસે એ સિવાય એજ્યુકેશન, પબ્લિક વર્ક્સ, ફાઈનાન્સ, એક્સાઈઝ જેવા મહત્ત્વના વિભાગો હતા. આ બધું જોતાં સિસોદિયા પર કેજરીવાલ પૂરપૂરો ભરોસો કરતા હતા એ સ્પષ્ટ હતા. આ કારણે સત્યેન્દ્ર જૈનની જેમ સિસોદિયા પણ મંત્રીપદે ચાલુ રહેશે એવું મનાતું હતું પણ કેજરીવાલે એ ધારણા ખોટી પાડી છે.
સિસોદિયા અને સત્યેન્દ્રનાં રાજીનામાં પછી આમ આદમી પાર્ટી છોડીને કૉંગ્રેસમાં ગયેલાં અલકા લાંબાએ રસપ્રદ ટ્વીટ કરી છે. અલકાએ લખ્યું છે કે, કેજરીવાલ ઘણા સમય પહેલાંથી મનિષ સિસોદિયાને ઠેકાણે પાડી દેવાની ફિરાકમાં હતા પણ આ રીતે ભ્રષ્ટાચારમાં ફસાવીને ખેલ પાડી દેશે એવું વિચાર્યું નહોતું. અલકા લાંબાએ તો અરવિંદ કેજરીવાલને ‘મહા ઠગ’ ગણાવીને દાવો કર્યો કે, ઈડી સાથે મળીને કેજરીવાલે જ મનિષ સિસોદિયાની ગેમ કરી નાંખી છે. બાકી દારૂ માફિયા સાથે સીધો સંબંધ તો કેજરીવાલને છે.
રાજકારણમાં આડેધડ આક્ષેપો પણ નવી વાત નથી. અલકા લાંબાના આક્ષેપો એ પ્રકારના હોઈ શકે પણ રસપ્રદ છે. સિસોદિયા ધીરેધીરે શક્તિશાળી બની રહ્યા હોવાથી પોતાના માટે ખતરો બને એ પહેલાં કેજરીવાલે તેમને ઠેકાણે પાડી દીધા હોય એવી શક્યતા નકારી ના શકાય. રાજકારણમાં પોતાને ખતરો લાગે ત્યારે નેતાઓ એકદમ ખાસમખાસ ગણાતા લોકો પતાવી દેતાં વાર કે વિચાર કરતા નથી એ જોતાં કેજરીવાલે પણ સિસોદિયાનો ખેલ પાડી દીધો હોય એવું બને.
માનો કે આ કારણ ના હોય ને અલકા ઠોકાઠોક કરતાં હોય તો પણ મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનાં રાજીનામા લઈને કેજરીવાલે એક વાત સાબિત તો કરી જ છે કે, તેમને પોતાની ઈમેજની જ પરવા છે ને બીજા કશાની પરવા નથી. મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનાં રાજીનામાં આમ આદમી પાર્ટીની ઈમેજ સ્વચ્છ રાખવા લેવાયાં છે એ કહેવાની જરૂર નથી. પોતે ભ્રષ્ટાચાર તો ચલાવતા નથી જ પણ ભ્રષ્ટાચારના આક્ષેપો પણ ચલાવતા નથી એવો મેસેજ આપવા કેજરીવાલે મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનાં રાજીનામાં લઈ લીધાં છે.
કર્ણાટક વિધાનસભાની બે મહિનામાં ચૂંટણી છે ને આ વરસના અંતમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી લડવાની છે. એ વખતે ભ્રષ્ટાચારનો મુદ્દો ના નડે એ માટે મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનાં રાજીનામા લઈ લેવાયાં હોય એવી પૂરી શક્યતા છે.