છ દાયકા પહેલાં રિલીઝ થયેલી ‘દૂર ગગન કી છાંવ મેં’ ગાયક – અભિનેતાની ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ હતી. ફિલ્મનું નિર્માણ પણ તેમણે જ કર્યું હતું
હેન્રી શાસ્ત્રી
કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતી ગઈ એ સંદર્ભે અનેક વિશ્ર્લેષણ થયા જેમાં ટીમમાં કપિલ ઉપરાંત મોહિન્દર અમરનાથ, રોજર બિન્ની અને મદનલાલ જેવા ઓલ – રાઉન્ડરની હાજરી નિર્ણાયક સાબિત થઈ હોવાની વાત પણ કરવામાં આવી હતી. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં ગુલઝાર, એસ એચ બિહારી જેવા કેટલાક ઉદાહરણ છે જેમણે એક કરતા વધુ જવાબદારી સફળતાપૂર્વક પાર પાડી છે. જોકે, આ નાનકડી યાદીમાં એક નામ એવું છે જે ખરા અર્થમાં ઓલ રાઉન્ડર છે. આભાસ કુમાર ગાંગુલી, જેમને જગત કિશોરકુમારના નામથી ઓળખે, ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક, કથા – પટકથા – સંવાદ લેખક, ગીતકાર – સંગીતકાર – ગાયક અને અભિનેતા તરીકે ઝળક્યા છે. આજે આપણે કિશોરદાની છ દાયકા પહેલા રિલીઝ થયેલી ‘દૂર ગગન કી છાંવ મેં’ની કેટલીક મજેદાર વાતો જાણીએ જે વાંચ્યા – જાણ્યા પછી તમારી આંખોને પહોળી થવા માટે જગ્યા ઓછી પડશે એ નક્કી.
+ અમેરિકન વેસ્ટર્ન ફિલ્મ ‘ધ પ્રાઉડ રિબેલ’ પર આધારિત ‘દૂર ગગન કી છાંવ મેં’માં શંકર (કિશોરકુમાર) નામના સૈનિકની કથા છે જે યુદ્ધ ભૂમિ પરથી પાછો ફરે છે ત્યારે એને ખબર પડે છે કે એનું ઘર આગમાં નાશ પામ્યું હોય છે અને પત્ની તેમજ પિતાશ્રી બળીને ભડથું થઈ ગયા છે. આ બેવડા આઘાતને કારણે શંકરનો પુત્ર રામુ (કિશોરકુમારના પુત્ર અમિતકુમારની પહેલી ફિલ્મ) બોલવાની શક્તિ ગુમાવી બેસે છે. શંકર કઈ રીતે પુત્રના અવાજને પાછો મેળવવામાં સફળ થાય છે એ કથાની ફળશ્રુતિ છે.
+ આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે હાવભાવ અને ચેનચાળાથી દર્શકોને રીઝવતા અભિનેતા તરીકે કિશોરકુમારની ઇમેજ બની ગઈ હતી. ‘આશા’, ‘દિલ્લી કા ઠગ’, ‘ચલતી કા નામ ગાડી’, ‘ઝુમરુ’, ‘હાફ ટિકિટ’ એના પ્રભાવી ઉદાહરણ છે. એમાંય ‘હાફ ટિકિટ’ જેવા રોલનો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોટો જડવો મુશ્કેલ છે. આ વાતાવરણમાં ‘દૂર ગગન કી છાંવ મેં’માં દર્શકોએ જે કિશોરકુમારને જોયા એ તેમની અપેક્ષાનો છેદ ઉડાડનાર રોલ હતો. મોટાભાઈ અશોકકુમાર પણ એવું માનતા હતા કે કિશોર સિરિયસ સોન્ગ નહીં ગાઈ શકે. સંગીતકાર ચિત્રગુપ્તે ‘તૂફાન મેં પ્યાર કહાં’માં અશોકકુમાર પર ફિલ્માવવાનું ગીત કિશોરકુમારના અવાજમાં રેકોર્ડ કરી લીધું હતું. ગીતમાં રહેલા દર્દને નાનો ભાઈ યોગ્ય ન્યાય નહીં આપી શકે એવી દલીલ કરી એ ગીત રદ કરી રફીના અવાજમાં સ્વરબદ્ધ કરાવ્યું હતું.
+ આવા માહોલમાં ‘દૂર ગગન કી છાંવ મેં’ રિલીઝ થઈ અને ફિલ્મ રસિકોને એક અલાયદા કિશોરકુમારનો પરિચય થયો. હૃષિકેશ મુખરજીની ‘મુસાફિર’ (૧૯૫૭)ને બાદ કરતા કિશોરદાનું ધીર-ગંભીર સ્વરૂપ દર્શકોને જોવા નહોતું મળ્યું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભ્યાસુના અભિપ્રાય અનુસાર પહેલી જ વાર ફિલ્મ ડિરેક્ટ કરનાર કિશોરકુમાર પર સત્યજીત રાયનો પ્રભાવ હતો. ફિલ્મનું શૂટિંગ શરૂ કરતા પહેલા કિશોરદાએ રાયની ‘પાથેર પાંચાલી’ ૧૩ વખત જોઈ હોવાની નોંધ છે. પરિણામે ગ્રામ્ય વિસ્તારની પાશ્ર્વભૂમિ પ્રભાવી રીતે રજૂ થઈ. શહેરના કેટલાક દ્રશ્યો બાદ કરતા ગ્રામ્ય પૃષ્ઠભૂમિ પર ફિલ્માંકન કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં નજરે પડતો વિસ્તાર, ખખડી ગયેલી ઝૂંપડીઓ, લહેરાતા ખેતર, તળાવના પાણીનો ખળખળ અવાજ અને રામુની વાંસે વાંસે ફરતો શ્ર્વાન ગ્રામ્ય ભૂમિનું આબાદ દર્શન કરાવે છે.
+ આજે આ ફિલ્મ મશહૂર હિન્દી ફિલ્મોની યાદીમાં એના ગીત – સંગીતને કારણે વટથી બિરાજમાન છે. ફિલ્મમાં ૧૦ ગીત છે જેમાંથી ૯ શૈલેન્દ્રએ લખ્યા છે. કિશોર કુમારે ગાયેલા ‘કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન’ અને ‘જિન રાતોં કી ભોર નહીં હૈ’ શૈલેન્દ્રની કમાલ છે. ફિલ્મનું ક્લાસિક અને અમરત્વ મેળવનાર ગીત ‘આ ચલ કે તુજે મૈં લે કે ચલું એક ઐસે ગગન કે તલે, જહાં ગમ ભી ન હો, આંસુ ભી ન હો, બસ પ્યાર હી પ્યાર પલે’ ખુદ કિશોરકુમારે લખ્યું છે. કોમિક પાત્રના કવચને કિશોરદાએ આ ફિલ્મમાં જે રીતે ભેદી, તોડી નાખ્યું એ કાબિલ-એ-તારીફ છે. બીજી એક રસપ્રદ વાત એ છે કે ‘ડોન’ સહિત અનેક ફિલ્મોમાં આપણે જેમને ઈન્સ્પેક્ટરના રોલમાં જોયા છે એ ઈફ્તેખાર આ ફિલ્મમાં વિલન છે અને ફિલ્મના ટાઇટલ કાર્ડનું ડિઝાઈનિંગ અને પેઇન્ટિંગ તેમણે કર્યા છે.
+ આ ફિલ્મને વિવેચકોએ ખભા ઉપર ઊંચકી લીધી અને પ્રશંસાના પુષ્પો એના પર વેર્યા હતા. આકરી ટીકા કરવા માટે જાણીતા ફિલ્મ ઈન્ડિયાના બાબુરાવ પટેલે પણ ‘ક્લાસિક બનતા બનતા રહી ગઈ’ એ શબ્દોથી ફિલ્મને વધાવી લીધી હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મે ધૂમ નહોતી મચાવી, પણ સારી સફળતા જરૂર મળી હતી. પ્રીતિશ નંદીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કિશોરદાએ જણાવ્યું હતું કે ‘આ ફિલ્મ ‘અલંકાર’માં રજૂ થઈ ત્યારે પહેલે દિવસે થિયેટરમાં મારા સહિત ગણીને ૧૦ પ્રેક્ષક હતા. મારા મોટાભાઈના બનેવી સુબોધ મુખરજીએ તેમની ફિલ્મ ‘એપ્રિલ ફૂલ’ માટે અલંકાર આઠ અઠવાડિયા માટે બુક કર્યું હતું. એ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે એવી ઈન્ડસ્ટ્રીમાં માન્યતા હતી. મારી ફિલ્મ (દૂર ગગન કી છાંવ મેં) સુપરફ્લોપ થશે એવી ધારણા હતી. એટલે સુબોધ મુખરજીએ આ ફિલ્મ એક અઠવાડિયાથી વધુ નહીં ચાલે એવી દલીલ કરી અલંકારનું એક અઠવાડિયું મને આપી દીધું. અઠવાડિયું તો દૂરની વાત છે, આ ફિલ્મ બે દિવસ પણ નહીં ચાલે એવો જવાબ મેં એમને આપ્યો. થિયેટરમાં પાંખી હાજરી (૧૦ જણા) જોઈ તેમણે મને આશ્ર્વાસન આપ્યું. જોકે, પછી ફિલ્મ વિશે સારી વાત આગની જ્વાળાની જેમ ફેલાઈ ગઈ અને થિયેટર ઉભરાવા લાગ્યું. અલંકારમાં આઠે આઠ અઠવાડિયા હાઉસફુલ. સુબોધ મુખરજી ધમપછાડા કરવા લાગ્યા, પણ હું થિયેટર શું કામ છોડું? આઠ અઠવાડિયા પછી બુકિંગ ખતમ થતા ફિલ્મને ‘સુપર’ થિયેટરમાં રજૂ કરી અને ત્યાં એ બીજા ૨૧ અઠવાડિયા સુધી ચાલી. મારી ફિલ્મની સફળતાની આ છે કહાની અને સુબોધ મુખરજીની બ્લોકબસ્ટર થવાની હતી એ ‘એપ્રિલ ફૂલ’ ફ્લોપ સાબિત થઈ.’ પ્રેક્ષક માઈબાપ કોને ખભે તેડી લે અને કોને ફગાવી દે એ સમજવું મુશ્કેલ જ નહીં નામુમકીન છે.
+ અમિતકુમારે એક ઈન્ટરવ્યૂમાં કિશોરકુમારના ‘દૂર’ શબ્દ માટેના લગાવ વિશે વાત કરી હતી. એ કારણસર તેમણે ‘દૂર ગગન કી છાંવ મેં’, ‘દૂર કા રાહી’ અને ‘દૂર વાદિયોં મેં કહીં’ એમ ત્રણ ફિલ્મ બનાવી હતી.
જાણવા જેવી બીજી વાત એ છે કે આ ફિલ્મની રિમેક તમિળમાં ‘રામુ’ નામથી બનાવવામાં આવી હતી. રિમેક જબરદસ્ત સફળતાને વરી હતી અને એને તમિળ ભાષાની બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવૉર્ડ મળ્યો હતો. ‘રામુ’ની પટકથામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા જેને કારણે ફિલ્મને ફાંકડો આવકાર મળ્યો હોવાની દલીલ કરવામાં આવી હતી. એ સિવાય તેલુગુ અને મલયાલમમાં પણ એની રિમેક તૈયાર કરવામાં આવી હતી.
————–
એક પણ ગીત વિનાની કિશોરકુમારની ફિલ્મ, હોય નહીં!
કિશોરકુમારનું નામ પડે એટલે રોમેન્ટિક ગીતો અને મધુર સંગીત કાનમાં ગુંજવા લાગે. સાથે સાથે કોમિક અને મસ્તીભર્યા ગીતોનું પણ અચૂક સ્મરણ થાય અને ‘દુ:ખી મન મેરે, સુન મેરા કેહના’ (ફંટુશ) જેવા સેડ સોન્ગ પણ યાદ આવી જાય. કિશોરદાના સોલો સોન્ગ હોય અને ડ્યુએટની પણ મજા લેવાની હોય. એમાં જો તમને કોઈ કહે કે કિશોરકુમારની એક ફિલ્મ એવી હતી જેમાં એક પણ ગીત નહોતું તો તમે ચોંકી જ જવાના, કંઈક ભૂલ થાય છે એવી પ્રતિક્રિયા પણ આવવાની. શક્ય જ નથી એવું પણ કોઈ કહેશે. અલબત્ત આ પ્રતિક્રિયાઓ સ્વાભાવિક છે, પણ કિશોર કુમાર નિર્મિત, દિગ્દર્શિત તેમ જ કથા – પટકથા – સંવાદ પણ તેમના જ હતા એ ‘દૂર વાદિયોં મેં કહીં’ (૧૯૮૦) ફિલ્મમાં એક પણ ગીત નહોતું એ હકીકત છે. રમૂજી અને તરંગી સ્વભાવ એ કિશોરદાની જાણીતી ઓળખ હતી, પણ એ સાથે તેમના સ્વભાવનો એક એવો પણ પહેલુ હતો જે ધીર – ગંભીર અને તત્ત્વજ્ઞાની હતો. પ્રયોગશીલ ફિલ્મ બનાવવાના બંગાળી બાબુના આગ્રહની પ્રશંસા સત્યજીત રેએ સુધ્ધાં કરી હતી. આશ્ર્ચર્ય પમાડનારી વાત તો એ છે કે ફિલ્મમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ નથી. એક પણ ગીત વિનાની કેટલીક હિન્દી ફિલ્મો બની છે, પણ એમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકની હાજરી ઉડીને આંખે વળગે એવી રહી છે. આ સંભવત: એકમાત્ર હિન્દી ફીચર ફિલ્મ હોવી જોઈએ જેમાં સંગીતની સંપૂર્ણપણે બાદબાકી છે. હા, બરફમાં ચાલતી વખતે સંભળાતો અવાજ, પવનથી હાલતા પાંદડાઓનો ખડખડાટ અને પવનના સુસવાટા નીરવતા ફિલ્મના નૈસર્ગીક ધ્વનિ છે. ફિલ્મની શરૂઆતમાં જ ઈન્સ્પેક્ટર સાહબ (રઝા મુરાદ)ના ‘અસ્લમ ઉપર ક્યા દેખ રહે થે?’ સવાલનો જવાબ આપતા કેદી કિશોરકુમાર (અસ્લમ)નો સંવાદ છે ‘એક પંછી હૈ સાહબ. રોજ ઈધર સે ઉડતા હુઆ જાતા હૈ. ઔર મૈં સોચતા હું કી આદમી ભી પંછી કી તરહ આઝાદ હોતા, ઉડ સકતા તો કિતના અચ્છા હોતા.’ કેદમાંથી નાસી છૂટેલા અસ્લમને ઇન્સ્પેકટર અંતે પકડી પાડે છે ત્યારે કિશોરકુમારનો સંવાદ છે ‘આઝાદી કી તમન્ના મેં જેલ સે જરૂર ભાગા થા, મગર બાહર આકર મૈંને મેહસૂસ કિયા કી સારી જિંદગી એક કૈદ કે સિવા કુછ નહીં. ફર્ક સિર્ફ ઇતના હૈ કે આપ કી જેલ બહોત છોટી હૈ ઔર જિંદગી કી જેલ ઇતની બડી હૈ કે ઇન્સાન ઇસસે ભાગકર કહીં નહીં જા સકતા.’ આ બંને સંવાદ કિશોરદાના સ્વભાવના એક આગવા લક્ષણના પ્રતિબિંબ જેવા છે. કિશોરકુમાર એક અદ્ભુત ગાયક-સંગીતકાર અને એક કુશળ અભિનેતા હતા એ બધા સ્વીકારશે, પણ એક દિગ્દર્શક તરીકે તેમનો પનો ટૂંકો પડતો હતો જેનું આ ફિલ્મ લાક્ષણિક ઉદાહરણ છે. આ ફિલ્મ સુપરફ્લોપ હતી અને એકાદ અઠવાડિયું માંડ ચાલી હતી. એક નામી વિવેચકે કરેલી ફિલ્મની આકરી ટીકાનો સણસણતો જવાબ આપવાના ઈરાદા સાથે કિશોરદાએ એક અગ્રણી અંગ્રેજી અખબારમાં ફિલ્મ વિશે સમજણ આપતી આખા પાનાની જાહેરખબર પ્રગટ કરી હતી. જોકે, એ પ્રયત્ન પણ દર્શકોને થિયેટરમાં ખેંચી લાવવામાં નિષ્ફળ રહ્યો હતો.