હઝરત ઈમામ હુસૈન સાહેબે કુરબાની શા માટે આપી?

ધર્મતેજ

ઈસ્લામ ઝિન્દા હોતા હૈ હર કરબલા કે બાદ

મીમાંસા -કબીર સી. લાલાણી

ઈસ્લામી કેલેન્ડરના વર્ષનો પ્રથમ મહિનો એટલે ઈમામની શહાદતની અમર યાદને તાજી કરતો ગમઅંગેઝ માસ મોહર્રમ. જેની ૧૦મી તારીખ ‘આશુરા’ તરીકે પળાય છે. આ તારીખે હીજરી સન ૬૧મા ઈરાકની સરજમીન (ભૂમિ) પર આવેલા કરબલાના મેદાનમાં એક બેનમુન (જેનો જોટો જડે નહીં) જંગ થયેલી જેમાં હઝરત ઈમામ હુસૈન સાહેબ અને આપ અલૈયહિ સલ્લામ (આપના પર અલ્લાહ તરફથી શાંતિ- સલામતી રહે, આપના પર સલામ- સલામતી) અને આપના કુટુંબીજનો, સાથીઓએ અઝીમ (મહાન) કુરબાની પેશ કરીને દીને ઈલાહી (અલ્લાહના ધર્મ) ઈસ્લામને હંમેશાં હંમેશાં માટે જીવંત કરી દીધો.
વહાલા જિજ્ઞાસુ વાચક બિરાદરો!
આ મહાન કુરબાની આપવા પાછળનું કારણ શું હતું? તે જાણવા જેવું, સમજવા જેવું છે:
ઈસ્લામ કે જે રબ તરફથી આવેલ ધર્મ છે જેની શરૂઆત હઝરત આદમ અલૈયહિ સલ્લમ (અસ.)થી થઈ હતી અને ઝમાનાના આખરી પયગંબર (સંદેશવાહક) હઝરત મોહંમદ સાહેબ પર પૂર્ણ થઈ હતી. આપ હુઝૂરે અનવર ઉલુલ અઝમ નબી હતા, એટલે કે અગાઉના તમામ નબીઓ (એક અંદાઝ મુજબ એક લાખ ચોવીસ હજાર જેટલા)ની શરીઅતો (દીનના કાનૂન)નોને રદ કરી, નવી શરીઅત લાવનાર હતા. આપ હુઝૂરે કરીમે આ માટે ખૂબ જ મુશ્કેલીઓ અને તકલીફો ઉઠાવીને પણ દુનિયાના લોકો સુધી અલ્લાહનો સંદેશો પહોંચાડ્યો. નબુવ્વત પૂરી થયા પછી આ દીને ઈલાહીને જેમનો તેમ રાખવા માટે ખીલાફત (સત્તા, સિંહાસન)- ઈમામત (અનુયાયી, પ્રજા, ઉમ્મતની આગેવાની લેનાર, નેતૃત્વ સંભાળનાર)ની શરૂઆત થઈ. તેઓએ નબીની શરીઅત પર ફક્ત અમલ કરવાનો હોય છે. તેઓ નબીની શરીઅત (ધર્મના કાનૂન, નિયમો)ને બદલી શક્તા નથી. જેમ નબી પવિત્ર જીવન ગાળે છે તેવું જ પવિત્ર જીવન તેમને પણ અપનાવવું પડે છે, જેથી તેમને અનુસરનારા અનુયાયીઓ પણ તેવું પવિત્ર જીવન અપનાવે અને દુનિયામાં ભાઈચારો, સંપ- સુલેહ કાયમ રહે.
પયગંબર સાહેબના ઈન્તેકાલ (અવસાન) પછી ખીલાફત- ઈમામતની શરૂઆત થઈ અને બહુ જ થોડા સમયમાં એટલે કે હિજરી સન ૬૦મા ઈસ્લામના આ મહત્ત્વના હોદ્દા પર યઝીદ નામનો એક બેદીન (ધર્મને ન માનનારો (નાસ્તિક) નિર્દયી, વ્યભિચારી અને ક્રૂર બાદશાહ આ ગાદીનો વારસદાર બન્યો અને ઈસ્લામના સિદ્ધાંતોની પૈરવી કરવાને બદલે પોતાની મનમાની કરીને ખુલ્લેઆમ તે નિયમોની ઠેકડી- ઉલ્લંઘન કરવા લાગ્યો. એ સેતાન પોતાની વાત મનાવવા લોકોના પર ઝુલ્મો સીતમ કરીને પોતાની ધાક બેસાડી દીધી જેથી કોઈ તેની સામે તેના આવા- વર્તનનો વિરોધ કરી ન શકે. આ માટે તેણે લોકો પાસેથી બૈયત લેવા માંડી (બૈયત એટલે તેના હાથમાં આપણો હાથ આપી દેવો- તેનો સ્વીકાર- સમર્થન કરવો) અને જો કોઈ તેનો ઈનકાર કરે તો તેની કત્લ કરી નાખવી આવા આદેશથી મનેકમને પ્રજાજનો તેની બૈયત સ્વીકારવા લાગ્યા. ઈસ્લામના સિદ્ધાંતો વિરુદ્ધની- આ વાતને પાકુ સમર્થન મેળવવા તેણે પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના નવાસા કે જેઓ આ ઈમામતની ગાદીના હક્કદાર હતા તે હઝરત ઈમામ હુસૈન સાહેબ તે સમયે મદીનામા પોતાના વતનમાં રહેતા હતા. તેમની બૈયત લેવા માટે સેતાન યઝીદે પોતાના મદીના ખાતેના ગવર્નર વલીદને પત્ર લખ્યો. પત્રમાં લખ્યું કે તરત જ તું હુસૈન પાસેથી મારી બૈયત કરાવી લે અને જો તે તેનો ઈનકાર (મના) કરે તો તેનું માથું કાપી મારી પાસે મોકલી આપ. મદીનાના ગવર્નરને પત્ર મળતા જ તેણે હઝરત ઈમામ હુસૈન અલૈયહિ સલ્લામને પોતાના રહેઠાણે બોલાવ્યા. આપ આવ્યા ત્યારે યઝીદે મોકલેલ પત્ર આપને આપ્યો અને જવાબ માગ્યો. આપે ઈન્કાર કરી દીધો. બીજે દિવસે આપે આપનો નિર્ણય ભરી મસ્જિદમાં જાહેર કર્યો. હવે આપ હઝરત ઈમામે મદીનાની હુર્રમત (પ્રતિષ્ઠા, સમ્માન, અદબ) જાળવી રાખવા મદીનાથી નીકળી, મક્કા તરફ પહોંચી ગયા. સાથે આપના કુટુંબની વ્યક્તિઓ, સ્ત્રીઓ, બાળકો, થોડા સાથીઓ પણ આ સફરમાં સામેલ થયા. આ ખબર યઝીદ સુધી પહોંચતા વાર ન લાગી. હઝરત ઈમામ હુસૈન સાહેબ જાણતા હતા કે યઝીદની બૈયતના ઈન્કારથી તે આપને જરૂર કત્લ કરશે, એટલે જ્યાં હશે ત્યાં મૌત તો નિશ્ર્ચિત હતું જ, પણ આપ યઝીદને બેનકાબ કરવા અને તે વખતના મુસલમાનો યઝીદ કેવો છે તે બતાવવા માગતા હતા. આથી એક એવા ચટીયલ (ખુલ્લા) મેદાનમાં જવા માગતા હતા કે જેથી હુસૈનની- શખ્સીયત શું છે અને યઝીદની શું છે તે લોકો જાણી લે. ઈમામ હુસૈન સાહેબ પોતાની કુરબાની એવી રીતે આપવા માગતા હતા કે જેથી યઝીદનો ઢોંગી ઈસ્લામ ચહેરો ખુલ્લો પડી જાય.પવિત્ર કુરાનમાં ફરમાવવામાં આવ્યું છે કે- ‘ઈમામત- ખીલાફતનો ઈલાહી હોદ્દો કદી ઝાલીમોને મળતો નથી…!’ આમ ઝાલીમ કોણ છે અને મઝલુમ (પીડિત) કોણ છે? તે એક ખુલ્લા મેદાનમાં સાબીત (પુરવાર) થઈ જાય આથી જ આપે ઉમ્મતની હિદાયત (બોધ- જ્ઞાન- માર્ગદર્શન) માટે કરબલાનો માર્ગ લીધો.
હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ની બૈયતની કિંમત કેટલી છે, કેટલી મહત્ત્વની છે તેની અનુભૂતિ કરાવવા જ પોતાની, પોતાના કુટુંબ- પરિવારજનોની, ઔલાદ, ભાઈ, ભત્રીજા, નવાસા, સાથીઓની કુરબાની પેશ કરીને જગતને સમજાવી છે, જેનો જોટો કયામત સુધી કાયમ રહેશે.
ઈસ્લામના મૂરઝાયેલા બાગને પોતાના રક્તથી મઘમઘતો કરી, હર્યોભર્યો કરવામાં કામિયાબ બનાવ્યો: કયામત સુધી જીવંત રહે એવો બોધ એ મળે છે કે, ‘ઈસ્લામ ઝિન્દા હોતા હૈ હર કરબલા કે બાદ…’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.