Homeએકસ્ટ્રા અફેરબચ્ચને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો મુદ્દો કેમ ઉઠાવ્યો?

બચ્ચને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો મુદ્દો કેમ ઉઠાવ્યો?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

અમિતાભ બચ્ચન એક વાર લોકસભાની ચૂંટણી લડ્યા હતા ને જંગી બહુમતીથી જીતીને અલહાબાદના સાંસદ પણ બન્યા હતા. જો કે રાજકારણનો તેમને એવો કડવો અનુભવ થયો કે,
સાંદપદ તો તેમણે છોડ્યું જ પણ રાજકારણને પણ રામ રામ કરી દીધા. અમરસિંહ અને મુલાયમસિંહ યાદવ જેવા રાજકારણીઓ સાથે તેમને ઘરોબો રહ્યો ને તેમનાં પત્નિ જયા બચ્ચન પોતે પણ વરસોથી રાજ્યસભાનાં સાંસદ છે પણ બચ્ચન રાજકારણથી અલિપ્ત છે.
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમિતાભ બચ્ચન મોદીની પણ નજીક આવ્યા હતા. મોદીના આગ્રહથી બચ્ચને ખુશ્બુ ગુજરાત કી જાહેરખબર કેમ્પેઈનમાં પણ કામ કરેલું પણ બચ્ચન રાજકારણથી દૂર જ રહ્યા છે. મોદી સાથે નિકટતા હોવા છતાં રાજકીય પ્રચારથી બચ્ચન દૂર જ રહ્યા છે. એટલું જ નહીં પણ બચ્ચન રાજકીય નિવેદનોથી પણ દૂર રહે છે.
બચ્ચને પોતે પોતાના પર લાદેલી આ સ્વયંશિસ્ત છે પણ કોલકાતામાં બચ્ચને આ સ્વયંસિસ્ત તોડી નાંખી. અમિતાભ બચ્ચને કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહના ઉદ્ઘાટન દરમિયાન આપેલા પ્રવચનમાં યાન નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી જેવા રાજકીયરીતે અત્યંત સંવેદનશીલ મુદ્દાઓ પર ટીપ્પણી કરતાં રાજકીય ગરમીનો માહોલ થઈ ગયો છે.
અમિતાભ બચ્ચને દાવો કર્યો છે કે, ભારતમાં આજે પણ નાગરિકોની સ્વતંત્રતા છે કે કેમ એ સવાલ છે. બચ્ચને પોતાના પ્રવચનમાં બ્રિટિશ સેન્સરશિપ અને દમન છતાં બનેલી
આઝાદી પહેલાંની ફિલ્મો, કોમવાદ અને સામાજિક એકતા જેવા વિષયો પર વિસ્તારપૂર્વક પોતાના વિચારો વ્યક્ત કર્યા પછી
ટીપ્પણી કરી કે, મને વિશ્ર્વાસ છે કે મંચ પર બેઠેલા મારા સહયોગી એ વાત સાથે સહમત થશે કે આજે પણ નાગરિક
સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી પૂરેપૂરી ભોગવી શકાય છે કે કેમ એ વિશે શંકા જ છે. બચ્ચને આ એક જ વાક્ય કહ્યું છે
પણ તેમાં ઘણું બધું આવી જાય છે તેથી તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
યોગાનુયોગ બચ્ચને આ વાત એવા સમયે કરી છે કે જ્યારે શાહરુખ ખાન અને દીપિકા પદુકોણી ફિલ્મ ‘પઠાન’નું બેશરમ રંગ ગીત વિવાદમાં છે. આ ગીત રિલીઝ થતાં જ છવાઈ ગયું છે પણ કેટલાક કહેવાતા હિંદુવાદીઓને તેની સામે વાંધો પડી ગયો છે કેમ કે આ ગીતમાં દીપિકા પાદુકોણે જે રંગની બિકીની પહેરી છે. તેના કારણે આ ગીત હિંદુત્ત્વનું અપમાન કરી રહ્યું છે ને બોલીવૂડના હિંદુત્ત્વના અપમાનના એજન્ડાના ભાગરૂપે ગીત બનાવાયું હોવાનો દાવો છે. આ વિરોધના પગલે સોશિયલ મીડિયા પર ઇજ્ઞુભજ્ઞિિંં ઙફવિંફફક્ષ ટ્રેન્ડ કરી રહ્યુ છે તો સાથે સાથે ગીતના વ્યૂઝ પણ સતત વધી રહ્યા છે.
આ ગીતના વિવાદમાં મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રા પણ કૂદી પડ્યા છે. મિશ્રાએ ફિલ્મ પઠાણના નિર્માતાઓને ચેતવણી આપી છે કે, દીપિકાનાં કપડાં અને ફિલ્મનાં કેટલાંક દ્રશ્યો તાત્કાલિક બદલવામાં નહીં આવે તો નિર્માતાઓ માટે સારું નહીં હોય. નરોત્તમ મિશ્રાએ સત્તાવાર નિવેદન આપેલું કે, દીપિકા પાદુકોણે પઠાણમાં ભગવા રંગની મજાક ઉડાવી છે, તેને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. તેને બેશરમ રંગનું નામ આપવામાં આવ્યું છે એ જોતાં લાગે છે કે બોલિવૂડ સનાતન ધર્મની વિરુદ્ધ જવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે ભગવા રંગે સમગ્ર દેશ અને દુનિયાને દિશા બતાવવાનું કામ કર્યું છે, તેને આ ગીતમાં બેશરમ રંગનું નામ આપવામાં આવ્યું છે.
બીજા પણ ઘણા હિંદુવાદી નેતા કૂદી પડ્યા છે. આ નિવેદનબાજીના કારણે ગીતનો વિવાદ ચગ્યો છે ત્યારે જ બચ્ચને નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદીનો મુદ્દો ઉઠાવ્યો છે એ સૂચક છે. બચ્ચને સ્પષ્ટરીતે એવું કહ્યું નથી કે, પઠાણના ગીતના વિરોધના કારણે નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદીનો અમલ સંકાસ્પદ છે એ મુદ્દો ઉઠાવ્યો છે પણ આડકતરીરીતે બચ્ચનનો સંકેત સ્પષ્ટ જ છે. બચ્ચને મોઘમ રીતે એ કહી જ દીધું છે કે, આ વિવાદ નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી પર તરાપ છે.
આ વાત કરનારા અમિતાભ બચ્ચન પહેલા ફિલ્મ સેલિબ્રિટી નથી. બોલીવૂડના બીજાં ઘણાં લોકોએ પણ ટીકા કરી જ છે ને તેમાં સૌથી આકરી ટીકા સુપરહીટ ફિલ્મ બાહુબલીના નિર્માતા શોબૂ યારલાગડ્ડાએ કરેલી. યારલાગડ્ડાએ મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા સામે જ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. મિશ્રાએ મધ્યપ્રદેશમાં પઠાણની રિલીઝને રોકવાની ધમકી આપી તેની સામે શોબૂ યારલાગડ્ડાએ લખેલું કે, આપણે ખરેખર બહુ નીચલી કક્ષાએ જઈ રહ્યા છીએ.
પઠાણના ગીતમાં દીપિકાએ પહેરેલી બિકિનીના કારણે હિંદુ ધર્મનું અપમાન થયું છે કે નહીં એ અલગ મુદ્દો છે ને તેની ચર્ચા થાય તેમાં કશું ખોટું નથી. ભારત લોકશાહી દેશ છે ને દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે. કોઈને પોતાની ધાર્મિક લાગણી દૂભાતી લાગે તો તેની સામે પણ બોલી જ શકાય. દીપિકાની બિકિનીના રંગને કારણે હિંદુઓની લાગણી દૂભાઈ હોય તો તેમને વિરોધનો હક છે જ. હિંદુઓ આ અધિકારનો ઉપયોગ કરીને વિરોધ કરે તેમાં કશું ખોટું નથી પણ સવાલ સિસ્ટમનો છે.
આપણે ત્યાં ફિલ્મને મંજૂરી આપવાનું કામ સેન્સર બોર્ડ કરે છે. સેન્સર બોર્ડે હિંદુઓની લાગણીને સમજ્યા વિના મંજૂરી આપી દીધી તો તેની સામે હાઈ કોર્ટમાં જવાનો વિકલ્પ છે જ ને જેમની પણ લાગણી દૂભાતી હોય તેમણે એ વિકલ્પ અજમાવવો જોઈએ. તેના બદલે ફિલ્મ રિલીઝ નહીં કરવા દેવાય ને એવી ધમકી અપાઈ રહી છે.
કમનસીબી એ છે કે જે લોકો સિસ્ટમમાં બેઠા છે, સિસ્ટમને ચલાવવાની જવાબદારી જેમના માથે છે એ લોકો આ ધમકી આપી રહ્યા છે. બચ્ચન, યારલાગડ્ડાએ આ પ્રકારના અભિપ્રાય વ્યક્ત કરવા પડે છે તેનું કારણ સિસ્ટમમાં બેઠેલા લોકો સુપર ઓથોરિટી તરીકે વર્તી રહ્યા છે એ છે.
નરોત્તમ મિશ્રા એક રાજ્યના ગૃહ મંત્રી છે ને એ ધમકી આપે એ શરમજનક કહેવાય. આ રીતે દેશ ના ચાલી શકે કેમ કે દરેક મુદ્દે કોઈને ને કોઈને તો વાંધો હોય જ. બધા આ રીતે
ધમકીઓ આપે તો સિસ્ટમ પડી ભાંગે. ને મિશ્રા જેવા લોકો જ ફિલ્મને રિલીઝ થવા દેવી કે નહીં એ નક્કી કરવાના હોય તો કેન્દ્ર સરકારે બનાવેલા સેન્સર બોર્ડની જરૂર શું ? તેને વિખેરી નાખવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular