ભાજપ વેશ્યાલચ ચલાવવાના આરોપનો સામનો કરનારનો બચાવ કેમ કરે છે?

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં રાજકારણીઓનાં દરેક વાતમાં ડબલ સ્ટાન્ડર્ડ હોય છે. બીજાની વાત કરવાની આવે ત્યારે તોલવાનાં કાટલાં અલગ ને પોતાની વાત આવે ત્યારે તોલવાનાં કાટલાં અલગ. એક જમાનામાં ભાજપ આ બદીથી પર હતો પણ સત્તા મળી પછી ભાજપ પણ વટલાઈ ગયો. ભાજપના નેતા પણ એ જ ગોરખધંધા કરે છે કે જે બીજા રાજકારણીઓ કરે છે ને પછી બેશરમીથી તેનો બચાવ કરીને ડબલ સ્ટાન્ડર્ડ્સનું વરવું પ્રદર્શન પણ કરે છે. તાજો દાખલો મેઘલાયના ભાજપના ટોચના નેતા બર્નાર્ડ એન. મારકને મુદ્દે ભાજપે લીધેલું વલણ છે.
મેઘાલયમાં ભાજપના વરિષ્ઠ નેતા બર્નાર્ડ એન. મારક સામે વેશ્યાલય ચલાવવાનો આરોપ છે. તેના ફાર્મહાઉસમાંથી વિસ્ફોટકો પણ મળ્યાં છે. એ છતાં ભાજપ બેશરમીથી તેનો બચાવ કરે છે. મારકને રાજકીય કિન્નાખોરી રાખીને ફસાવાયો હોવાની ઘસાઈ ગયેલી રેકર્ડ વગાડે છે.
વેશ્યાલય ચલાવવાના અને વિસ્ફોટકો સાથે ઝડપાયેલા મારકને ભાજપે હજુ સુધી પક્ષમાંથી સસ્પેન્ડ પણ નથી કર્યો એ તો ઠીક પણ આ છાપેલું કાટલું હજુ પણ ભાજપના પ્રદેશ ઉપપ્રમુખપદે ચાલુ છે. મેઘાલય પોલીસે મેઘાલયના તુરામાં આવેલા એડનબારીના તેના ફાર્મહાઉસ કમ રિસોર્ટમાં ગયા અઠવાડિયે દરોડો પાડ્યો હતો. ગયા શુક્રવારે પશ્ર્ચિમ ગારો પહાડી જિલ્લામાં આવેલા તુરાના ફાર્મહાઉસ પર પોલીસ ત્રાટકી એ પહેલાં પોલીસને અહીં વેશ્યાલય ધમધમે છે તેની માહિતી મળી હતી.
દરોડા વખતે ફાર્મહાઉસમાં સ્ત્રી-પુરૂષો કામલીલામાં વ્યસ્ત હતાં. આઘાતની વાત એ છે કે, પુરૂષો જેમની સાથે શરીર સુખ માણતા હતા તેમાં છ તો નાની ઉંમરની છોકરીઓ હતી. પોલીસે ફાર્મહાઉસમાંથી આ છ સગીરાને છોડાવી. પોલીસે ૭૩ લોકોની ધરપકડ કરી. ફાર્મહાઉસમાંથી ૫૦૦ પેકેટ ગર્ભ નિરોધક, સેક્સ ટોય્ઝ સહિતનો આપત્તિજનક સામાન અને અનેક વાહનો પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં. ફાર્મહાઉસમાંથી દારૂની બોટલો અને ડઝનેક એવી લક્ઝુરીયસ કાર જપ્ત કરાઈ હતી કે જેમાં જલસા કરી શકાય.
પોલીસે રિસોર્ટમાં તપાસ ચાલુ રાખી તો બીજા દિવસે એટલે કે શનિવારે આ રિસોર્ટમાંથી ૫ બાળકો પણ મળી આવ્યાં. પોલીસે તેમને પણ પોતાના કબજામાં લીધાં તો તેમની પાસેથી જાણવા મળ્યું કે, આ બાળકો પર જાતીય અત્યાચાર થતા હતા, વિકૃત્ત પુરૂષોની હવસ સંતોષવા બાળકોનો દુરૂપયોગ થતો હતો. પોલીસે દરોડો પાડ્યો કે તરત રિસોર્ટ માલિક મારક ફરાર થઈ ગયો હતો.
મારક ક્યાં છૂ થઈ ગયો તેની પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે આ ઘટના અંગે મારકે નિવેદન બહાર પાડીને જાહેર કર્યું કે, પોલીસે આ રેડ વોરંટ વિના પાડી છે અને પોતાની સામેના આક્ષેપો સાવ ખોટા છે. મારકે મેઘાલયના મુખ્યમંત્રી કનરાડ સંગમા સામે પણ પોતાને ટાર્ગેટ કરવાનો આરોપ લગાવ્યો. મારકનું કહેવું હતું કે, રાજકીય હિસાબ સરભર કરવા મારકે પોતાને ત્યાં દરોડા પડાવ્યા છે.
દરમિયાનમાં મેઘાલય પોલીસે મારક સામે લુકઆઉટ નોટિસ બહાર પાડી દીધી અને દેશનાં અન્ય રાજ્યોને મારક ફરાર હોવાની જાણ કરી. કોઈની પણ સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવે તેનો અર્થ એ થાય કે દેશનાં તમામ એરપોર્ટ પર તેની વિગતો મોકલી અપાય કે જેથી તે દેશ છોડી ન શકે. તેની સામે મારકે વીડિયો મેસેજ બહાર પાડીને એલાન કર્યું કે, મેં કોઈ વેશ્યાલય કે વેશ્યાવૃત્તિનું રેકેટ નથી ચલાવ્યું, હું ફરાર પણ નથી પણ મારે શિલોંગ છોડવું પડ્યું કેમ કે, મારા જીવને જોખમ હતું. મારકે પોલીસ અને રાજકારણીઓએ પોતાની સામે કાવતરું ઘડ્યું હોવાનો આરોપ મૂકીને દાવો કર્યો કે, પોલીસે જેમને પકડ્યા છે એ બધા છેતરપિંડીના કેસના આરોપી છે.
આ દરમિયાન પોલીસ મારકને શોધતી હતી પણ મારકનો પત્તો ના લાગતાં છેવટે તુરાની એક અદાલતે સોમવારે મારક સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ બહાર પાડ્યું. આ વોરંટ ઉત્તર પ્રદેશ પાસે પહોંચ્યું તેમાં મારક ઝડપાઈ ગયો. બર્નાર્ડ એન. મારક ઉર્ફ રીંપુને ઉત્તર પ્રદેશના હાપુડમાં ભરાઈને બેઠેલો ને પોલીસે તેને ઝડપીને મેઘાલય પોલીસને સોંપી દીધો.
મારકને મુદ્દે ભાજપ પહેલાં ચૂપ બેઠો હતો પણ પછી ભાજપ પણ કૂદી પડ્યો. ભાજપે મરાકના સૂરમાં સૂર પુરાવીને મારક રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યો હોવાની રેકર્ડ વગાડવી શરૂ કરી. મેઘાલય પ્રદેશ ભાજપના પ્રમુખ અર્નેસ્ટ મવરીનું સત્તાવાર નિવેદન છે કે, ભાજપ આ દરોડાને વખોડે છે. મારકને અન્યાયી રીતે ફસાવી દેવાયો છે અને બદનામ કરાય છે. મારક રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યો હોવાનું લાગે છે. મારકનું રક્ષણ કરીને તેની સામેના રાજકારણથી પ્રેરિત આરોપો પાછા લેવા હું સરકારને વિનંતી કરું છું.
મેઘાલયમાં કોનરાડ સંગમા મુખ્યમંત્રી છે અને ભાજપ મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાના નેતૃત્ત્વ હેઠળના સત્તાધારી મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સનો ભાગ છે. મેઘાલયમાં એ રીતે ભાજપની જ સરકાર છે છતાં પોલીસે મારક સામે ગંભીર આરોપો ઘડ્યા છે. ભાજપને લાગતું હોય તો એ સરકારમાંથી ખસી જઈ શકે પણ ભાજપ સરકારમાંથી ખસતો પણ નથી ને પોતાની જ સરકાર સામે આક્ષેપબાજી કરે છે એ ડબલ સ્ટાન્ડર્ડ જ કહેવાય.
મારકનો ભૂતકાળ ગુનાહિત પ્રવૃત્તિઓથી ભરેલો છે છતાં ભાજપ તેનો બચાવ કરે છે એ જોઈને આઘાત લાગે છે. બર્નાર્ડ એન. મારક પહેલાં ઉગ્રવાદી સંગઠન એએનવીએસ (બી)નો પ્રમુખ હતો ને શસ્ત્રો ઉઠાવીને ભારત સામે લડતો હતો. મારક પછી ભાજપમાં જોડાયો અને તુરા આદિવાસી પરિષદની ચૂંટણી જીત્યો. મારક સામે ૨૦૦૦થી અત્યાર સુધી રાજ્ય ભરમાં ૨૫ થી વધુ ગંભીર ગુનાના કેસ નોંધાયા છે.
કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ માટે અયોગ્ય શબ્દો વાપર્યા એ બદલ ભાજપ સોનિયા ગાંધી પાસેથી માફીની માગણી સાથે દેકારો મચાવી રહ્યો છે, બંગાળમાં મંત્રી પાર્થ ચેટરજી ભ્રષ્ટાચારના કેસમાં ઝડપાયા તેના માટે ભાજપ મમતા બેનરજીનાં રાજીનામાંની માગ કરે છે.
હવે મેઘાલયમાં પોતાનો ઉપપ્રમુખ વેશ્યાલય ચલાવતાં ઝડપાયો છે ત્યારે ભાજપ તેનો નફફટાઈથી બચાવ કરે છે. પોતાનો નેતા સગીરાઓ પર બળાત્કાર કરાવતાં ઝડપાયો છે ત્યારે ભાજપ રાજકીય કિન્નાખોરીની વાતો કરે છે.
ભાજપ હિંદુ સંસ્કૃતિનાં ગાણાં ગાય છે ત્યારે નાની છોકરીઓ પાસે, લાચાર સ્ત્રીઓ પાસે વેશ્યાવૃત્તિ કરાવનારા કઈ સંસ્કૃતિનો ભાગ છે?
ભાજપના નેતા જ આ સવાલનો જવાબ આપી શકે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.