(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: મોટેભાગે ટોપ ગેઇનર્સની યાદીમાં રહેનાર બજાજ ફાઈનાન્સના શેરમાં ગુરૂવારે ૮.૨ ટકાનો જોરદાર કડાકો બોલી ગયો હતો. બુધવારના સત્રમાં આ શેર ગગડીને ૬,૦૩૨.૨૫ રૂપિયાની સપાટી પર આવી ગયો હતો. જોકે, સત્રના અંત સુધીમાં આ શેર અંતે ૭.૨૧ ટકા અથવા તો રૂ. ૪૭૩.૭૫ના ઘટાડા સાથે રૂ. ૬૦૯૯.૮૫ની સપાટી પર સ્થિર થયો હતો.
બજારમાં ઉપરોક્ત શેરના કડાકા માટે નાણાકીય બાબતોને લગતા કારણો ચર્ચાઇ રહ્યાં છે. સાધનો અનુસાર ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના લોન ગ્રોથમાં નરમાઈને કારણે રોકાણકારોએ આ સ્ટોકમાં વેચવાલી કરી હતી.
બજારના અભ્યાસુએ કહ્યું હતું કે બજાજ ફાઈનાન્સના ત્રિમાસિક બિઝનેસ અપડેટમાં કંપનીના સંચાલન હેઠળની અસક્યામત, એયુએમમાં નરમાઈ જણાતા આમ બન્યું હતું. એયુએમનો વાર્ષિક અને ત્રિમાસિક ધોરણે ગ્રોથ રેટ અનુક્રમે ૨૭ ટકા અને ૬ ટકા નોંધાયો હતો, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં ૩૧ ટકા અને ૭ ટકા જેટલો ઊંચો હતો. કંપનીનો લોન બુકિંગ ગ્રોથ પણ વાર્ષિક ધોરણે ઘટીને ૫ાંચ ટકા થઈ ગયો હતો.