ફોકસ -હેમા શાસ્ત્રી
થોડા દિવસ પહેલાં એક સાંજે ખારીસિંગ ચણાની લારી પર ચણા ખરીદવા ગયાં હતાં. તડબૂચના બી જોયા, પણ મીઠું વધુ હોવાથી ખરીદ્યા નહીં. લારી જોતાં બાળપણ અને સ્કૂલ યાદ આવી. બીજું ગમતું મળશે એ વિચાર થકી લારીમાં ફાફાં મારવાના શરૂ કર્યા.
લારી પર પ્લાસ્ટિકની કોથળીમાં શિંગોડા મળતાં હોય એવું લાગ્યું. સ્વાભાવિક છે કે લારીવાળાને પૂછ્યું કે શિંગોડા સિઝન સિવાય પણ મળે છે? લારીવાળાએ મને કહ્યું કે એ શિંગોડાની કોથળી ખોલો. જરા ટેસ્ટ કરો, બાળપણ યાદ આવશે. કશું નવું હશે એમ વિચારીને ચાખ્યું તો ખબર પડી કે આ તો શેકેલી માટી છે. હા, બાળપણમાં માટી, ઇરેઝર, પેણ વગેરે મુખવાસનો ભાગ હતો.
સહજ સવાલ થયો અને લારીવાળાને પૂછ્યું કે માટી શું કામ રાખો છો? એણે જણાવ્યું કે લોકો તેને ખાવા માટે લઇ જાય છે. માટી ખાવાની આદત ધરાવતા રેગ્યુલર કસ્ટમર છે. મહદ્અંશે સ્ત્રીઓ માટી ખાય છે, ઇવન પ્રેગ્નન્ટ મહિલા ય કોઇની સલાહો માનીને માટી ખાય છે.
લારીવાળાને પૂછ્યું કે શું કિંમત છે? મને એમ કે પાંચ દશ રૂપિયાની હશે. તેણે મને કહ્યું કે, સાહેબ આ માટી સો રૂપિયે કિલો વેચાય છે. ડિમાન્ડ વધારે આવે તો શોર્ટ સપ્લાય થઇ જાય છે. સો રૂપિયાના કિલો લેખે મળતાં ઢેફાના ચાહકો અમેરિકા સુધી ફેલાયેલા છે, તેની પાસે એનઆરઆઇ કસ્ટમર છે એ પચાવવું મારા માટે પણ અઘરું હતું.
લારીવાળાની વાત પરથી સમજાયું કે માટીનો ધંધો તો કરોડો રૂપિયાનો છે. એકલા ગુજરાતમાં મોટાભાગની ખારી સિંગ ચણા વેચતી લારી પર ખાવા માટે માટી મળતી હોય છે, મહિને ચાળીસ પચાસ પડીકા એટલે કે ચાળીસ પચાસ કિલો એવરેજ માટી દરેક લારીવાળો વેચતો હોય છે. સરખો અભ્યાસ કરવામાં આવે તો કેટલા ટકા ગ્રોથ છે ય જાણવાનું મળે. આ અભ્યાસ કરવાથી ફાયદો એ થાય કે રાજ્યમાં ક્યા વિસ્તારમાં પોષકતત્ત્વોની ગેરહાજરીમાં માટી જેવું નોનફૂડ ખાવામાં આવે છે, એ વિસ્તારમાં ખાસ કાર્યક્રમ કરીને જનજાગૃતિ કેળવી શકાય.
નોનફૂડના શોખીનોની વાતો મારા માટે સાવ નવી હતી. લારીવાળાની પરવાનગી સાથે થોડા ફોટા પણ લીધા, અંધારું હોવાથી ફોટામાં ખાસ મજા ન આવી પણ મગજમાં અંધારું છવાવા લાગ્યું કે વૈજ્ઞાનિક યુગ હોવા છતાં માટી ખાનારાઓ છે.
વાતો કરતાં કરતાં લારીવાળાએ જણાવ્યું કે આ ધંધામાં તેના દાદા પણ હતા. માટી ખાવાની વાત સાવ નવી પણ નથી, કમસેકમ બે ચાર પેઢીઓથી હશે. આ અંગેના રિસર્ચ પેપર જોતાં તો ખબર પડી કે આવું નોન ફૂડ ખાવાની બીમારીઓ બધી સંસ્કૃતિમાં યુગોથી છે.
માટી જેવી નોનફૂડ કહી શકાય એવી આઇટમ આરોગવાને પીકા નામની બીમારી કહેવાય છે. આ બીમારીમાં એકલી માટીનું સામ્રાજ્ય નથી, પણ નોનફૂડની તો ઘણી વિશાળ રેન્જ છે.
પીકા બીમારી વિશે સત્તાવાર માહિતી નવમી દશમી સદીની ઘટનાઓ થકી જાણવા મળે છે.
જો કે ત્રણસો ચારસો વર્ષ પહેલાં પીકાવાળી બીમારી પીક પર પહોંચી હતી. શહેરીકરણ અને ઉદ્યોગ થકી પોષણ ઘટવું, અતિ શ્રમ, લાચારી, ગરીબી જેવા કારણોસર પોષકતત્ત્વોની જરૂરિયાત પીકા સુધી માણસજાતને ખેંચી ગઇ હશે. આ તકલીફ ફક્ત મનુષ્યની નથી પણ પ્રાણીઓમાં ય જોવા મળે છે. બિલાડી, કૂતરા જેવા પ્રાણીઓ કાપડ, કાગળ કે ક્યારેક મળ પણ ખાતા હોય છે. માર્ગમાં પવિત્ર ગણાતી ગાયો પણ નોન ફૂડ ખાતી જોવા મળે છે. પ્રાણીઓમાં કેટલાક ઘટક તત્ત્વોની અછત પણ આ બીમારી કરે છે. પાલતુ પ્રાણી માટે ડૉક્ટરની સગવડ કરી શકાય પણ લાખો પશુઓને ભગવાન ભરોસે છોડ્યા સિવાય કોઈ વિકલ્પ નથી.
માનવજાત જ્યારે પીકાની બીમારીમાંથી બહાર નથી નીકળી ત્યારે પશુ પક્ષીઓની ચિંતા તો થોડો દૂરનો વિષય છે. આપણી આસપાસ ઘણા બાળકોને જૂતાં ચાવતા જોયા છે. ઇવન ઘણી માનવસભ્યતાઓમાં પ્રજોત્પત્તિ માટે નોનફૂડ આરોગવાની પ્રથા હતી. ઘણા સમાજો કે આફ્રિકામાં કેટલાક દેશોમાં માટીનો પ્રયોગ મહિલાઓને પરંપરાગત રીતે શીખવવામાં આવે છે. પીકા અંગે એવું પણ માનવામાં આવે છે કે મનમાં રહેલી અધૂરી વાસના, શારિરીક અસ્વસ્થતા અથવા કોઈ આઘાત આ બીમારી પેદા કરે છે. હા, ઘણીવાર આનુવંશિક બિમારી પણ ખરી.
આધુનિક દેશોમાં પણ પીકાની બીમારીઓ છે. અમેરિકા જેવા દેશમાં પીકાની બીમારી જોવા મળે છે. ભૌગોલિક દૃષ્ટિએ આફ્રિકામાં સૌથી વધુ સમસ્યા છે, એ પછીના ક્રમે ઉત્તર અમેરિકા અને ત્રીજા ક્રમે દક્ષિણ અમેરિકા હોવાનું માનવામાં આવે છે.
સામાન્ય નોનફૂડના ઉદાહરણ તો આપણી નજર સમક્ષ હોય પણ કેટલાક લોકોમાં અકલ્પનીય વ્યસન હોય છે. ઘણી વ્યક્તિઓ કારણ વગર બરફ ખાતી હોય છે, બરફમાં કોઈ પોષક તત્ત્વો હોતા નથી. આમ છતાં બરફ ખાવા માટે સાઇકોલોજીમાં અનેક કારણો લખ્યા છે. કેટલાક તાણ દૂર કરવા તો કેટલાક જમવાનું પેટ સુધી પહોંચે છે એ માર્ગ ચકાસવા પણ બરફનો મારો ચાલુ રાખતા હોય છે. બરફ ખાવાથી
શરીર ઠંડુંપડતાં મન શાંત થાય એવું માનવાવાળાઓનો મોટો વર્ગ છે. એનો અર્થ એટલો જ કે, મનમાં રહેલી અધૂરી વાસનાઓ કે તૃષ્ણાઓ નોન ફૂડની આદત પાડતી હોય છે.
પીકા બીમારીનો ભોગ બનેલા સાબુ કે ડિટર્જન્ટ પાઉડર ખાતા હોય છે, ગ્રામ્ય વિસ્તારોમાં કોલસા ખાનારાનો મોટો વર્ગ છે. ગાય ભેંસમાં દૂધ ઉત્પાદન વધારે એવી દવાઓ લેવાથી ઘણાને માનસિક સંતોષ થતો હોય છે. શરદીના ઇલાજ માટે મળતા વિક્સ ખાવાથી મટી જાય એવું માનવાવાળો એક
વર્ગ છે.
બટન અને કોલર તો સ્કૂલમાં ઘણાએ ચાવ્યા હશે. વાળની ગાંઠ પેટમાં ઓપરેશન થકી ડૉક્ટરો કાઢતા હોય છે. સિગારેટની રાખ, ઘરની દીવાલ પરનો કલર ચાટવો, ચોક અને રબર ( ઇરેઝર), કાગળ તથા ગુંદર ખાવાવાળો એક વર્ગ હોય છે. બીમારી છેક લોખંડ અથવા અન્ય નુકસાન કરી શકે એવી જોખમી ધાતુ સુધી પહોંચી જાય છે. આ માત્ર સ્કૂલ જતાં બાળકોમાં જ તકલીફ નથી, પણ મોટી ઉંમરના પણ ભોગ બનતાં હોય છે. સ્ક્રિઝોફ્રેનિયા કે ઓસીડી જેવી માનસિક બીમારીનો ભોગ બનેલાઓ નોનફૂડ પર નિયમિત હાથ અજમાવતા હોય છે.
સામાન્ય રીતે પચ્ચીસેક ટકા જેટલા એકથી છ વર્ષના બાળકોને માટી ખાવાના ચસ્કા હોય છે. સગર્ભા સ્ત્રીઓ અકળ કારણોસર માટી ખાતી હોય છે. ઇવન બરફ અને લોન્ડ્રી પાવડર સુધી વાત વધવા લાગે છે. આ માટે માનસિક કારણો હોઇ શકે છે પણ શારીરિક ક્ષતિ માટે માટી ખાવાની કોઈ સલાહ આપતું નથી.
આ પ્રકારની તકલીફોમાંથી બહાર નીકળવું એટલું આસાન પણ હોતું નથી, શરીરમાં જેની ઊણપ હોય તે ડૉકટર બ્લડ રિપોર્ટ કે અન્ય રીતે જાણી તેને મેડિસિન દ્વારા પૂરું પાડતા આ બીમારીમાંથી મુક્ત થવાની સંભાવના ખરી, પણ દાનત હોવી જરૂરી છે. પીકા જેવા વિષય પર શિક્ષકોને યોગ્ય સમજ આપવામાં આવે તો આ ગંભીર બીમારી ઘણે અંશે કાબૂમાં લઇ શકાય, એક શિક્ષક ઘણું કરી શકે.
માનસિક તકલીફ માટેના ચિકિત્સક પાસે આ પ્રકારની તકલીફમાં સારવાર કરાવવાથી ઇલાજ થઈ શકે છે. આ તકલીફો દરમિયાન દોરાધાગા થોડા સમય માટે માનસિક રાહત આપી શકે, ઇલાજ ડૉકટર પાસે કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ. જો ભાઇ, ઇસ દુનિયા મેં ભાત ભાત કે લોગ….. પણ સામે ચાલીને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા નહીં… બાકી હરિ ઇચ્છા….