અફઘાનિસ્તાનમાં જ કેમ અનુભવાય છે તીવ્ર ભૂકંપના આંચકા?

વીક એન્ડ

કવરસ્ટોરી – દર્શના વિસરીયા

ત્રણ દિવસ પહેલાં ભૂકંપના આંચકાથી અફઘાનિસ્તાન હચમચી ગયું. આ ભૂકંપનો આંચકો એટલો બધો તીવ્ર હતો કે જેમાં ૧૦૦૦થી વધુનો ભોગ લેવાયો અને ૧૫૦૦થી વધુ ઈજાગ્રસ્ત થયા. મૃત્યુ પામનારા અને ઈજાગ્રસ્તોનો આંકડો હજી વધશે એવી શક્યતા સ્થાનિક પ્રશાસન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભૂકંપના આંચકાની તીવ્રતાની વાત કરીએ તો રિચર સ્કેલ પર તેની નોંધ ૬.૧ જેટલી કરવામાં આવી છે અને આ આંકડો અમેરિકાના જિયોલોજિકલ સર્વે દ્વારા આપવામાં આવ્યો છે. ‘અમારી પાસે પહેલાંથી જ આરોગ્ય કર્મચારી અને સુખ-સુવિધાની અછત હતી અને એમાં પણ બાવીસમી જૂને આવેલા આ ભૂકંપે તો અમારી પાસે જે હતું-નહોતું એ બધું જ છીનવી લીધું છે. આજે પણ લોકો એકબીજા સાથે સંપર્ક સાધી નથી શકતા અને મને તો એ વાત પણ નથી ખબર કે મારી સાથે કામ કરનારા મારા સહકર્મચારીઓ જીવતા છે કે નહીં?’ આ શબ્દો છે ત્યાં એક સ્થાનિક અખબારમાં કામ કરનારા પત્રકારના. ભૂકંપને કારણે જનજીવન તો ખોરવાયું જ છે, પણ તેની સાથે સાથે જ સૌથી મોટો જો ફટકો પડ્યો હોય તો તે છે સંદેશવ્યવહાર પર. અનેક મોબાઈલ ટાવર ઉદ્ધ્વસ્ત થઈ ગયા છે.
કેટલાય નાગરિકોને પોતાના પરિવારના લોકોની કે અન્ય સગાંસંબંધીઓની કોઈ જાણકારી નથી, કારણ કે તેમની વચ્ચે સંપર્ક સાધવાનું કોઈ માધ્યમ જ નથી રહ્યું. કેટલાય લોકોને તો પોતાનો આખેઆખો પરિવાર આ ભૂકંપનો ભોગ બન્યો હોવાની માહિતી કલાકો બાદ મળી હતી. જોકે આ કંઈ પહેલી વખત નથી કે અફઘાનિસ્તાનમાં આટલો તીવ્ર ભૂકંપ આવ્યો હોય. આ પહેલાં પણ તે આવા જીવલેણ ભૂકંપનું સાક્ષી બની ચૂક્યું છે અને એ સમયે પણ મોટા પ્રમાણમાં જાનહાનિ અને માલમિલકતને નુકસાન થયું હતું. આ બધું સાંભળીને મનમાં એક સવાલ ચોક્કસ ઉદ્ભવે કે આખરે એવું તે શું કારણ છે કે દર થોડાક સમયે અફઘાનિસ્તાનમાં આટલા મોટા મોટા ભૂકંપના આંચકા આવે છે, બરાબરને? ડોન્ટ વરી, આજે આપણે એ વિશે જ અહીં વાત કરવાના છીએ.
છેલ્લા એક દાયકાની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં ભૂકંપને કારણે આશરે ૭૦૦૦ લોકોએ પોતાના જાન ગુમાવવાનો વારો આવ્યો છે અને આવું અમે નહીં, પણ સંયુક્ત રાષ્ટ્રસંઘના એક વિભાગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. હવે પાછા બેક ટુ ટ્રેક આવીએ અને વાત કરીએ કે આખરે આવું કેમ? તો આ સવાલનો જવાબ એવો છે કે અફઘાનિસ્તાન એ હિંદુુકુશ પર્વતોમાં વસેલું છે અને હિંદુકુશ પર્વતમાળા અલ્પાઈડ બેલ્ટનો એક હિસ્સો છે. પૃથ્વીનો અલ્પાઈડ બેલ્ટ દુનિયાનો સૌથી મોટો ભૂકંપગ્રસ્ત વિસ્તાર છે અને આ યાદીમાં પહેલું નામ આવે છે પેસિફિક રિંગ ઓફ ફાયરનું.
દુનિયાના ૭૦ ટકાથી વધુ સક્રિય જ્વાળામુખી પેસિફિક રિંગ ઓફ ફાયરના વિસ્તારમાં આવે છે. અફઘાનિસ્તાન જે અલ્પાઈડ બેલ્ટનો ભાગ છે ત્યાં સક્રિય જ્વાળામુખી ન હોય તો પણ ટેક્ટોનિક પ્લેટ્સ સક્રિય છે એવા પ્રદેશ પર આ દેશ વસેલો છે. અનેક ફૉલ્ટ લાઈન્સ (ભૂકંપ થાય એવી જગ્યા) અહીં આવેલી છે અને તેમાંથી કેટલીક ફૉલ્ટ લાઈન્સનાં નામ છે ચામાન ફૉલ્ટ, હરિ રુદ્ર ફૉલ્ટ, સેન્ટ્રલ બદક્ષાં ફૉલ્ટ અને દરવેઝ ફૉલ્ટ. અલ્પાઈન ટાપુની લંબાઈ આશરે ૧૫ હજાર કિલોમીટર જેટલી છે. દક્ષિણ યુરેશિયા (યુરોપ અને એશિયા ખંડ જ્યાં ભેગા થાય છે એ ભાગ)માંથી આ પટ્ટો પસાર થાય છે. આ પટ્ટામાં અનેક પર્વતમાળાઓ આવે છે, જેમાં હિમાલય, હિંદકુશ, યુરોપની આલ્પ્સ, એટલસ અને કૉક્સ પર્વતમાળાનો સમાવેશ થાય છે. હવે આ પટ્ટામાં હિમાલયની પર્વતમાળાનો સમાવેશ થાય છે એટલે ભારતના ઉત્તર ભાગમાં પણ અનેક વખત ભૂકંપના આંચકા આવવાની ઘટનાઓ જોવા મળે છે. આ તો થઈ અફઘાનિસ્તાનમાં ભૂકંપ કેમ વધુ આવે છે એની વાત. પણ હવે બીજા મહત્ત્વના કારણ વિશે વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં પૃથ્વીનું કવર સૌથી વધુ ઍક્ટિવ છે. અહીંયાં જ પૃથ્વીની અરબી, ભારતીય અને યુરેશિયન એમ ત્રણ ટેક્ટોનિક પ્લેટ્સ એકબીજા સાથે કનેક્ટ થાય છે.
આ જ વાતને સાવ સીધા શબ્દોમાં સમજાવવાની થાય તો અહીં પૃથ્વીનું આવરણ સફરજનની છાલની જેમ સપાટ ન હોઈ સીતાફળની છાલની જેમ નાના નાના ટુકડાઓને જોડીને બનેલું છે. આ ટુકડાઓ જ પૃથ્વીના આંતર્ભાગના લાવા પર તરતા રહે છે અને આ ટુકડાઓને જ ટેક્ટોનિક પ્લેટ્સ કહેવામાં આવે છે. પૃથ્વીનું આવરણ આવા જ ૧૫ ટુકડાથી બનેલું છે અને આ ટુકડામાં જરા પણ હિલચાલ થાય એટલે ભૂકંપ થાય છે. યુરેશિયન અને ભારતીય ટેક્ટોનિક પ્લેટ અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડર પર એકબીજાને મળે છે અને પાકિસ્તાનના આ જ ભાગમાં ૨૦૧૩માં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો, જેમાં ગામનાં ગામ માટીની નીચે દટાઈ ગયાં હતાં. આ ભૂકંપની તીવ્રતા ૭.૭ રિચર સ્કેલ જેટલી નોંધવામાં આવી હતી.
અફઘાનિસ્તાન-પાકિસ્તાન બૉર્ડર પર આવેલા ક્વેટા શહેરથી ૪૭ કિલોમીટર ઉત્તર (એટલે કે અફઘાનિસ્તાનની દિશામાં)માં ૨૦૦૮માં ભૂકંપ આવ્યો હતો અને તેમાં ૩૦૦ લોકોનો ભોગ લેવાયો હતો. બાવીસમી જૂને અફઘાનિસ્તાનમાં જે ભૂકંપ
આવ્યો એ માટે પણ ટેક્ટોનિક પ્લેટની હિલચાલ જ જવાબદાર છે. ભારતીય પ્લેટ્સ યુરેશિયન પ્લેટ્સની સાથે જોરદાર અથડાઈ એટલે આ ભૂકંપ આવ્યો. ટેક્ટોનિક પ્લેટની હિલચાલને કારણે ધરતીને આંચકા લાગે છે એટલું જ નહીં, પણ આવા ધરતીકંપને કારણે જ હિમાલય, હિંદુકુશ અને પામીર પર્વતમાળાનો ઉદ્ભવ થયો છે.
અફઘાનિસ્તાન માટે આવી નૈસર્ગિક આપત્તિઓ વધારે મુશ્કેલીજનક કે જીવલેણ એટલા માટે બની શકે છે, કારણ કે અહીં જીવવા માટેની મૂળભૂત સુવિધાઓનો જ અભાવ છે. આંગળીનાં વેઢે ગણી શકાય એટલાં હેલિકોપ્ટર્સ મદદ માટે આવ્યાં ખરાં, પણ મૃતદેહને ખસેડવા સિવાયની બીજી કોઈ જ મદદ આ હેલિકોપ્ટર્સથી મળી શકી નહીં. અનેક સમયે તો રેસ્ક્યુ ટીમના લોકો હાથથી માટી અને કાટમાળને ખસેડતા જોવા મળ્યા હતા. આ સિવાય આ ટીમ ગ્રામીણ વિસ્તારો સુધી તો પહોંચી પણ ન શકી, કારણ કે ત્યાં સુધી પહોંચવું એ જ તેમના માટે સૌથી મોટો ટાસ્ક હતો. ત્રણ દિવસ થઈ ગયા હોવા છતાં રેસ્ક્યુ ટીમ દ્વારા એવી શક્યતા વર્તાવવામાં આવી રહી છે કે મૃત્યુઆંક અને ઈજાગ્રસ્તનો આંકડો કદાચ હજી વધશે…
આશા કરીએ કે હવે તમને તમારા સવાલનો જવાબ મળી ગયો હશે કે આખરે અફઘાનિસ્તાન જ કેમ આટલા જીવલેણ અને તીવ્ર ભૂકંપનું સાક્ષી બને છે?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.