Homeએકસ્ટ્રા અફેરકુસ્તીબાજ છોકરીઓના શોષણ સામે ભાજપની મહિલાઓ ચૂપ કેમ?

કુસ્તીબાજ છોકરીઓના શોષણ સામે ભાજપની મહિલાઓ ચૂપ કેમ?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં રમતોનો કારભાર કરતાં એસોસિયેશન કે ફેડરેશન વિવાદોમાં સપડાય એ નવી વાત નથી. આપણે ત્યાં મોટાભાગનાં એસોસિયેશન કે ફેડરેશનમાં વરસોથી રાજકારણીઓ જામીને બેઠેલા છે. સ્પોર્ટ્સ સાથે તેમને કંઈ લેવાદેવા નથી. તેમને આ એસોસિયેશન કે ફેડરેશનના નામે આખી દુનિયામાં ફરી ખાવામાં ને એસોસિયેશન કે ફેડરેશનનાં નાણાં-વગનો ઉપયોગ અંગત ફાયદા માટે જ કરવામાં રસ હોય છે.
આ હલકી માનસિકતાના કારણે સ્પોર્ટ્સનાં એસોસિયેશન કે ફેડરેશન કોઈ ને કોઈ વિવાદમાં ફસાય જ છે પણ ભારતીય કુસ્તી મહાસંઘ એટલે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ઠઋઈં)માં જે વિવાદ ઊભો થયો છે એ અત્યંત ગંભીર છે. સાથે સાથે આઘાતજનક પણ છે ને શરમજનક પણ છે.
ભારતીય કુસ્તી મહાસંઘ એટલે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ઠઋઈં) ભારતમાં કુસ્તીની રમતનો કારભાર કરે છે. તેના પ્રમુખ તરીકે યુપીના કેસરગંજના લોકસભાના સભ્ય ને ભાજપના નેતા બ્રિજ ભૂષણ શરણ સિંહ છે. બ્રિજ ભૂષણ ગેંગસ્ટર કમ નેતા મનાય છે ને ભૂતકાળમાં તેમનાં કરતૂતોના કારણે ઘણીવાર વિવાદોમાં ફસાયેલા છે પણ આ વખતે તેમની સામે મહિલા કુસ્તીબાજોના શારીરિક શોષણનો આક્ષેપ થયો છે.
આ આક્ષેપ દેશની બે ટોચની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે લગાવ્યો છે. વિનેશ ફોગાટ દંગલ ફેઈણ ફોગાટ પરિવારની દીકરી છે અને ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ જીતીને દેશનું ગૌરવ વધારી ચૂકી છે. છેલ્લે વિનેશ ફોગાટે ગયા વર્ષે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાક્ષી મલિક ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. સાક્ષી આ પરાક્રમ કરનારી દેશની એક માત્ર મહિલા કુસ્તીબાજ છે તેથી તેની સિદ્ધિ તો વધારે મોટી છે.
કુસ્તી મહાસંઘના ગેરવહીવટ સામે ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા સહિત ટોચના લગભગ ૨૦ કુસ્તીબાજ દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણાં પર બેઠા છે. આ ધરણાં દરમિયાન વિનેશ ફોગાટે ધડાકો કર્યો કે, નેશનલ કેમ્પમાં બ્રિજભૂષણ શરણ સિંહ અને કોચ યૌન મહિલા કુસ્તીબાજોનું શારિરીક શોષણ કરે છે. નેશનલ કેમ્પોમાં ફરજ બજાવતા ઘણા કોચ તો વર્ષોથી મહિલા કુસ્તીબાજોનું શારીરિક શોષણ કરી રહ્યા છે અને આ અંગે ઘણી ફરિયાદો પણ થઈ પણ કોઈ સાંભળતું જ નથી. સાક્ષી મલિકે આ વાતમાં સૂર પુરાવ્યો છે.
ફોગાટને પોતાને અંગતરીતે નિશાન બનાવાઈ તેની પણ વાત કરતાં કહ્યું છે કે, ટોક્યો ઓલિમ્પિકમાં હાર બાદ બ્રિજભૂષણે તેને ‘ખોટો સિક્કો’ કહીને માનસિક ત્રાસ ગુજાર્યો હતો. વિનેશની પોતાની કબૂલાત પ્રમાણે આ બધાથી પોતે એ હદે થાકી ગઈ હતી કે, પોતાના જીવનનો અંત લાવવા બાબતે જ વિચાર કરતી હતી. વિનેશના કહેવા પ્રમાણે, કોચ મહિલાઓને પરેશાન કરે છે અને અમારી સ્થિતિ એ છે કે પૂછ્યા વિના પાણી પીવા પણ જઈએ તો પણ તતડાવી નંખાય છે. અમને મારી નાંખવાની ધમકી આપવામાં આવી રહી છે અને અમે અમારી કરિયર દાવ પર લગાવીને ધરણા પર બેઠા છીએ. વિનેશ પોતાની વાત કરતાં કરતાં રડી પડી.
કુસ્તીબાજો લાંબા સમયથી ફરિયાદો કરી રહ્યા છે ને બે દિવસથી ધરણાં પર બેઠા હતા પણ ના તો ફેડરેશન તેમની વાત સાંભળતું હતું કે ના સરકારને તેમનું સાંભળવામાં રસ હતો. ટોચના કુસ્તીબાજો ધરણાં પર બેઠા તેના કારણે મીડિયાને રસ પડી ગયેલો તેથી ફેડરેશને થોડો સળવળાટ બતાવીને આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમરને ખેલાડીઓને મનાવવા મોકલેલા. તોમરે તો પોતાને કંઈ ખબર જ ના હોય એવો ડોળ કરીને કહેલું કે, ફેડરેશનના પ્રમુખને તમામ કુસ્તીબાજોએ પત્ર લખ્યો પછી મને ધરણાંની ખબર પડી. બાકી મને તેમની સમસ્યાઓની કોઈ ખબર નથી ને હું તો અહીં તેમની સમસ્યાઓ અંગે પૂછવા જ આવ્યો છું.
ફેડરેશને દેખાવ ખાતર પણ માણસને મોકલેલો પણ સરકારને તો કંઈ પડી જ નહોતી. જેવા વિનેશ ફોગાટે શારીરિક શોષણના આક્ષેપ કર્યા કે સરકાર સફાળી જાગી ને દોડતી થઈ ગઈ. કેન્દ્રના રમતગમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશનને નોટિસ ફટકારીને ૭૨ કલાકમાં જવાબ માંગ્યો છે. ફેડરેશન દ્વારા જવાબ આપવામાં નહીં આવે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી છે. સરકાર આકરી થઈ તો બ્રિજભૂષણ શરણ સિંહ પણ જાગી ગયા. તેમણે વિનેશ ફોગાટના આક્ષેપોના પાયાવિહોણા ગણાવીને દાવો કર્યો છે કે, વિનેશ કે સાક્ષી પાસે પોતાના આક્ષેપો સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી. પુરાવા હોય તો લઈને મારી પાસે આવે. જો આક્ષેપો સાચા હશે તો હું ફાંસી પર લટકી જઈશ.
બ્રિજભૂષણ સિંહને બૂચ વાગી ગયો છે તેથી એ તો બચાવ કરવાના જ પણ તેમના બચાવનો મતલબ નથી. વિનેશ કે સાક્ષી મલિક જેવી છોકરીઓ પોતાની કારકિર્દીને દાવ પર લગાવીને મેદાનમાં આવી હોય ત્યારે વાત સાવ અદ્ધરતાલ ના જ હોય. બ્રિજભૂષણ સિંહ રાજકારણી છે તેથી એ ખોટું બોલી શકે પણ દેશના ટોચના ૩૦ જેટલા કુસ્તીબાજો ખોટું ના જ બોલતા હોય.
ફેડરેશન સરકારને શું રિપોર્ટ આપે છે એ જોવાનું છે ને સરકાર તેની સામે શું પગલાં લેશે એ પણ જોવાનું છે. સિંહ ભાજપના નેતા છે તેથી સરકાર ખરેખર કોઈ પગલાં લેશે કે કેમ તેમાં શંકા છે પણ તેની વાત જ્યારે એવું બને ત્યારે કરીશું. અત્યારથી સરકાર સામે શંકા કરવાનો મતલબ નથી.
કુસ્તી ફેડરેશનના વિવાદે ભારતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે મહિલાઓના શોષણના મુદ્દાને ફરી છેડ્યો છે તો આપણી કહેવાતી મહિલા નેતાઓનાં બેવડાં ધોરણોને પણ છતાં કર્યાં છે. ઉર્ફી જાવેદ ઓછાં કપડાં પહેરીને નિકળે તેના કારણે કાગારોળ મચાવી દેનારી કે કોઈ રાજકારણી રાષ્ટ્રપતિને રાષ્ટ્રપત્નિ કહે તેમાં તો મહિલાઓનું અપમાન થઈ ગયું એમ કહીને દેકારો કરી દેનારી ભાજપની મહિલા નેતાઓ આ મુદ્દે ચૂપ છે. કુસ્તીબાજ છોકરીઓના પડખે ઊભા રહેવાની વાત તો છોડો પણ આ મુદ્દે યોગ્ય તપાસની વાત પણ ભાજપની કોઈ મહિલા નેતાના મોંમાંથી નિકળતી નથી.
દેશની દીકરીઓને ન્યાય અપાવવામાં પણ રાજકારણ આડે આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular