બજેટ દરમિયાન ઘણી હળવીફુલ ઘટનાઓ બનતી હોય છે. ઘણા નાણાં પ્રધાનોએ બજેટ દરમિયાન શાયરી કે ફિલ્મના ડાયલોગ્સ પણ કહેતા હોય છે અને ગંભીર માહોલ થોડા સમય માટે હળવો બની જાય છે. આજે બજેટ દરમિયાન નિર્મલા સિતારામણથી એક ભૂલ થઈ, પરંતુ આ ભૂલે માહોલને હળવો કર્યો અને કટાક્ષ પણ થઈ ગયો. નાણા પ્રધાન ઓલ્ડ પોલ્યુટેડ વ્હીકલ્સને બદલે પોલિટિકલ વ્હીકલ્સ બોલી ગયા.
ભૂલ સમજાતા તેમણે તરત જ સોરી કહી દીધું, પણ કમાનમાંથી તીર છૂટી ગયું હતું. ભારતની સૌથી જૂની પોલિટિકલ પાર્ટી કોંગ્રેસ છે અને હાલમાં તે વિરોધપક્ષમાં છે અને કફોડી હાલતમાં છે. સિતારામણે ઓલ્ડ પોલ્યુટેડ વાહનોને હટાવવાની વાત કરી જે તેમને પણ રાજકીય દૃષ્ટિએ લાગુ પડે છે કારણ કે ભાજપ સત્તા પર આવ્યું ત્યારથી કોંગ્રેસમુક્ત ભારતની વાત કરે છે.
આથી સિતારામણની ભૂલ પોલિટિકલી ભૂલ ન કહેવાય. જોકે તેમનો આવો કોઈ ઈરાદો આ સમયે નહીં હોય તો પણ સમજનારા ઘણીવાર ઈશારા વિના પણ સમજી જતા હોય છે.
જોકે આજે બજેટ દરમિયાન વાતાવરણ ઘણીવાર રાજકીય રૂપ લઈ લેતું હતું. વારંવાર મોદી મોદી અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના નારા લાગતા હતા.