Homeદેશ વિદેશગુજરાતમાં કોની સરકાર?

ગુજરાતમાં કોની સરકાર?

આજે બીજા તબક્કાનું મતદાન: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના અનેક પ્રધાનનું ભાવિ નક્કી થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ૧૪ જિલ્લાની કુલ ૯૩ વિધાનસભા બેઠકો માટે આજે સોમવારે મતદાન થશે. આ અંતિમ મતદાનથી ગુજરાતના ૨.૫૧ કરોડ મતદારો નવી સરકાર નક્કી કરશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને તેમની સરકારના અનેક પ્રધાનો તેમજ કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ, ઓબીસી યુવા નેતા અલ્પેશ ઠાકોર તથા કૉંગ્રેસમાં જોડાયેલા દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણીની પણ હાર જીત નક્કી થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના અગ્રણીઓ અમદાવાદમાં મતદાન કરશે. ૧લી ડિસેમ્બરે પહેલા તબક્કાની ૮૯ બેઠકોનું સરેરાશ ૬૩.૩૧ ટકા મતદાન થયું હતું. બન્ને તબક્કાની કુલ ૧૮૨ બેઠકોના મતદાન બાદ ૮મી ડિસેમ્બરે મતગણતરી થશે.
પહેલા તબક્કામાં સુરત, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારોની બેઠકોમાં થયેલા ઓછા મતદાનને પગલે
ભાજપ સહિતના રાજકીય પક્ષોએ બીજા તબક્કાના આ મતદાનમાં અમદાવાદ, વડોદરા, મહેસાણા, પાટણ, હિંમતનગર સહિતના શહેરી વિસ્તારની બેઠકો પર વધારે મતદાન થાય તે માટેની તૈયારીઓ કરી છે. ગત ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં આ ૯૩માંથી ભાજપે ૫૧ બેઠકો જીતી હતી, જ્યારે કૉંગ્રેસે ૩૯ બેઠકો જીતી હતી. બીજા તબક્કાની આ ચૂંટણીમાં ભાજપના ૯૩, કૉંગ્રેસના ૯૦ અને આપ ના ૯૩ તેમજ અન્ય રાજકીય પક્ષો અને અપક્ષ સહિત કુલ ૮૩૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં ૭૬૪ પુરુષ અને ૬૯ મહિલા ઉમેદવારો છે. બીજા તબક્કામાં ૨૮૫ અપક્ષોએ ઉમેદવારી નોંધાવી છે.
સોમવારે સવારના આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન થશે. ૯૩ બેઠકોમાં બનાસકાંઠા જિલ્લાની વાવ, થરાદ, ધાનેરા, દાંતા (એસ.ટી.), વડગામ (એસ.સી.), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ એમ નવ બેઠકો, પાટણ જિલ્લાની રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર એમ ચાર બેઠકો, મહેસાણા જિલ્લાની ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા અને વિજાપુર એમ સાત બેઠકો, સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (એસ.ટી.) અને પ્રાંતીજ એમ ચાર બેઠકો, અરવલ્લી જિલ્લાની ભિલોડા (એસ.ટી.), મોડાસા અને બાયડ એમ ત્રણ બેઠકો, ગાંધીનગર જિલ્લાની દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા અને કલોલ એમ પાંચ બેઠકો પર મતદાન થશે.
આ ઉપરાંત અમદાવાદ જિલ્લાની વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા અને ધંધુકા એમ ૨૧ બેઠકો, આણંદ જિલ્લાની ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજિત્રા એમ સાત બેઠકો, ખેડા જિલ્લાની માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા અને કપડવંજ એમ છ બેઠકો, મહીસાગર જિલ્લાની બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર એમ ત્રણ બેઠકો, પંચમહાલ જિલ્લાની શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ અને હાલોલ એમ પાંચ બેઠકો, દાહોદ જિલ્લાની ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢ બારિયા એમ છ બેઠકો, વડોદરા જિલ્લાની સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (એસ.સી.), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા અને કરઝણ એમ ૧૦ બેઠકો, છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુર, સંખેડા અને જેતપુર પાવી (એસ.ટી.) એમ ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular